)
Gandhinagar News: દહેગામ તાલુકાના બહિયલ ગામે મોડી રાત્રે બે જૂથ વચ્ચે થયેલી હિંસક અથડામણ ને કારણે ભારે તંગદિલી અને ભયનો માહોલ ફેલાયો છે. પરિસ્થિતિ એટલી વણસી ગઈ હતી કે ગામમાં હાલમાં સંપૂર્ણ બજારો બંધ છે અને આખું ગામ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે. હાલમાં પરિસ્થિતિ અંડર કંટ્રોલ છે અને પોલીસ દ્વારા ધરપકડનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.
શું બની હતી ઘટના?
પ્રાથમિક અંદાજ મુજબ, આ ઘટનાની શરૂઆત સોશિયલ મીડિયા પર સ્ટેટસ મૂકવા જેવી નજીવી બાબતને કારણે થઈ હતી. ગામના એક વ્યક્તિએ પોતાના વૉટ્સએપ પર 'આઈ લવ મહાદેવ' લખવાનું અને તે જ સ્ટેટસ મૂકવા લોકોને અપીલ કરતું સ્ટેટસ મૂક્યું હતું, જે બાદ મામલો બિચક્યો હતો. આ વિવાદે હિંસક સ્વરૂપ ધારણ કરતાં ગામમાં ચાલી રહેલા ગરબા દરમિયાન પણ પથ્થરમારો થયો હતો, જેના પગલે ખેલૈયાઓમાં નાસભાગ મચી ગઈ હતી. હિંસક ટોળાએ ગામમાં આઠથી વધુ વાહનોને નુકસાન પહોંચાડ્યું હતું, જ્યારે ત્રણથી પાંચથી વધુ દુકાનોમાં તોડફોડ કરી આગ ચાંપવામાં આવી હતી. અહેવાલો મુજબ, આ હુમલામાં માત્ર હિન્દુ સ્થાનિકોની દુકાનોને જ ટાર્ગેટ કરાઈ હોવાના આક્ષેપો છે.
પોલીસ પર પણ હુમલો
સ્થિતિને કાબૂમાં લેવા ઘટના સ્થળે પહોંચેલી પોલીસ ટુકડી પર પણ હુમલો થયો હતો, જેમાં પોલીસના બે વાહનોને નુકસાન થયું હતું અને કેટલાક પોલીસકર્મીઓને નાની-મોટી ઈજાઓ પણ થઈ છે. ઘટનાની ગંભીરતા જોતાં તાત્કાલિક ધોરણે ગામમાં ૩૦૦થી વધુ પોલીસ કાફલો, અધિકારીઓ અને ૨ SRP (સ્ટેટ રિઝર્વ પોલીસ) કંપની તૈનાત કરવામાં આવી છે.
ધરપકડ અને તપાસનો ધમધમાટ
પોલીસે સઘન કામગીરી કરીને અત્યાર સુધીમાં ૬૦ જેટલા લોકોની અટકાયત કરી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, હજુ 20 જેટલા આરોપીઓના નામ પોલીસ પાસે છે, જેમની અટકાયતની કામગીરી ચાલુ છે. પોલીસ આ ઘટના અંગે ૨ અલગ-અલગ ફરિયાદ દાખલ કરીને કાર્યવાહી કરશે: 1. હિન્દુ સ્થાનિકો પર હુમલો અને મિલકતને નુકસાન અંગે. 2. પોલીસ કર્મચારીઓ પર હુમલો અને સરકારી મિલકતને નુકસાન અંગે.
અન્ય કારણોની પણ ચર્ચા
સ્થાનિકોના મતે, માત્ર સોશિયલ મીડિયાની પોસ્ટ જ નહીં, પરંતુ બે દિવસ પહેલાં અને પથ્થરમારા પહેલાં 'આઈ લવ મોહમદ'ની રેલી પણ નીકળી હતી, જેના કારણે માથાકૂટ થઈ હતી. કેટલાક હિન્દુ સ્થાનિકોએ મુસ્લિમ સમુદાય દ્વારા **ખોટી આઇડી બનાવીને** જાતે જ પોસ્ટ અને કમેન્ટ્સ કરીને માહોલ બગાડ્યા હોવાના પણ આક્ષેપ કર્યા છે. બહિયલ ગામમાં આશરે ૨૦ ટકા હિન્દુ વસ્તી અને ૮૦ ટકા મુસ્લિમ વસ્તી છે. પોલીસ હાલમાં હિંસા પાછળ સોશિયલ મીડિયા પોસ્ટ જવાબદાર છે કે અન્ય કોઈ કારણ તેની પણ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં છે, પરંતુ ગામમાં તણાવપૂર્ણ શાંતિ છવાયેલી છે.