ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે અને અમદાવાદ શહેરમાં અનેક જગ્યાએ ગણેશ પંડાલની સ્થાપના કરવામાં આવી છે. આ વર્ષે પણ અલગ-અલગ થિમ ગણેશ પંડાલમાં જોવા મળી રહી છે. સરકાર દ્વારા પણ બેસ્ટ ગણેશ પંડાલને પ્રોત્સાહિત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

અમદાવાદઃ ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ,ગાંધીનગરના કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ,ગાંધીનગર દ્વારા રાજ્યના સાંસ્કૃતિક વારસાનું જતન થાય તેમજ પરંપરાગત લોકસંસ્કૃતિનો કલા વારસો લોકો સુધી પહોચાડવા માટે ગુજરાતના અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ ચાર મહાનગર ખાતે ગણપતિ ઉત્સવ દરમ્યાન શહેરોમાં બનાવવામાં આવતા વિવિધ ગણેશ પંડાલમાંથી બેસ્ટ ઓફ થ્રીની પસંદગી કરી તેઓને રોકડ પુરસ્કાર આપવામાં આવશે. જેમાં પ્રથમ ક્રમને રૂા.૫,૦૦,૦૦૦/-, દ્રિતિયને રૂા.૩,૦૦,૦૦૦/- અને તૃતિય ક્રમને રૂા.૧,૫૦,૦૦૦/- લેખે પુરસ્કાર આપવામાં આવશે.
ચાર મહાનગર સિવાયના ૨૯ જીલ્લાઓમાંથી ગણપતિ ઉત્સવ દરમ્યાન શહેરોમાં બનાવવામાં આવતા વિવિધ ગણેશ પંડાલમાંથી બેસ્ટ ઓફ થ્રી તેમજ ૫ (પાંચ)ની પ્રોત્સાહન તરીકે પસંદગી કરી તેઓને રોકડ પુરસ્કારઆપવામાં આવશે. જેમાં પણ પ્રથમ ક્રમને રૂા. ૫,૦૦,૦૦૦/-, દ્રિતિયને રૂા.૩,૦૦,૦૦૦/- અને તૃતિય ક્રમને રૂા.૧,૫૦,૦૦૦/- તથા પાંચ ગણેશ પંડાલને પ્રોત્સાહન તરીકે રૂા.૧,૦૦,૦૦૦/- લેખે પુરસ્કાર આપવામાં આવશે. આમ કુલ મળીને રૂા.૫૨,૫૦,૦૦૦/-ના પુરસ્કાર રાજય સરકાર તરફથી આપવામાં આવશે.
આ પ્રતિયોગિતા માટે ચાર મહાનગરમાં મ્યુનિસિપલ કમિશનર અને અન્ય ૨૯ જિલ્લાઓમાં કલેકટરના અધ્યક્ષતામાં એક મૂલ્યાંકન સમિતિની રચના કરી બેસ્ટ ગણેશ પંડાલની પસંદગી કરવામાં આવશે.
મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં બનેલ મૂલ્યાંકન સમિતિ દ્રારા ચાર મહાનગરમાં બનાવવામાં આવેલ ગણેશ પંડાલોમાંથી (૧) ગણેશ પંડાલનાં મંડપ શણગાર (૨) સામાજિક સંદેશ (૩) ગણેશ પ્રતિમાની પસંદગી (ઇકો ફ્રેન્ડલી) (૪) ઓપરેશન સિન્દૂર – દેશ ભક્તિ (૫) સ્વદેશી (૬) પંડાલ સ્થળની પસંદગી (ટ્રાફિક કે આસપાસનાં લોકોને અડચણ રૂપ ન થાય) (૭) સ્થાનિક વહીવટી તંત્રની મંજૂરી (૮)ગણેશ પંડાલ તરફથી કરવામાં આવનાર પ્રવૃતિઓને ધ્યાનમાં રાખી ગણેશ પંડાલની પસંદગી કરી એકથી ત્રણ ક્રમના વિજેતા જાહેર કરવામાં આવશે.
અન્ય ૨૯ જિલ્લાઓમાં કલેકટરની અધ્યક્ષતામાં બનેલ મૂલ્યાંકન સમિતિ દ્રારા મહાનગરોમાં જણાવ્યા મુજબની વિગતો ધ્યાને લઇ એક બેસ્ટ ગણેશ પંડાલની પસંદગી કરી તેના ફોટા-વિડીયો તેમજ અન્ય જરૂરી વિગતો કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગરને મોકલવામાં આવશે. કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ,ગાંધીનગર ખાતે રાજ્યનાં ૨૯ જિલ્લાઓમાંથી પસંદગી પામેલ પંડાલોમાંથી શ્રેષ્ઠ ૩ (ત્રણ) વિજેતા તેમજ અન્ય ૫(પાંચ)ને પ્રોત્સાહન પુરસ્કાર આપવામાં આવશે.
આ પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે નિયત ફોર્મ જિલ્લાની જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, રવિશંકર રાવળ કલા ભવન, પ્રથમ માળ, એલિસબ્રિજ લો ગાર્ડન અમદાવાદ ખાતેથી મળશે. ગણેશ પંડાલનું આયોજન કરતાં આયોજકઓએ ફોર્મ મેળવીને તારીખ ૦૨/૦૯/૨૦૨૫ના રોજ કચેરી સમય દરમ્યાન જમાં કરાવવાનું રહેશે. વધુ માહિતી માટે મો.નં ૯૪૦૯૬૦૫૨૯૭, ૯૯૦૯૫૫૧૦૩૧ પર સંપર્ક કરી શકાશે, એમ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરીની અખબારી યાદીમાં જણાવાયું છે.