વૃદ્ધાશ્રમ બનાવવા 1 કરોડનો બંગલો વેચી નાંખ્યો, વૃદ્ધોના પગ ધોઈ, આરતી કરીને અપાય છે પ્રવેશ

જુનાગઢના મન વૃદ્ધાશ્રમમાં વડીલોની અનેરી સેવા, કલિયુગમાં પણ પિયુષ આડતીયા નામનો યુવાન શ્રવણ બની કરી રહ્યો વૃધ્ધો ની સેવા, વડીલોની સેવા કરવા યુવાને પોતાનો 1 કરોડ રૂપિયાનો બંગલો વેચી વિકસાવ્યું મન વૃદ્ધાશ્રમ. 

વૃદ્ધાશ્રમ બનાવવા 1 કરોડનો બંગલો વેચી નાંખ્યો, વૃદ્ધોના પગ ધોઈ, આરતી કરીને અપાય છે પ્રવેશ

અશોક બારોટ/જૂનાગઢ: માનવ સેવા એજ પ્રભુ સેવા અને હર માનવમાં જેમને સાક્ષાત ભગવાનનું રુપ જોવા મળ્યું અને પ્રેરણા મળી કે વડીલ વૃધ્ધોની સેવા કરવી એ ભાવના સાથે એક નવ યુવાન કે જેમણે પોતાનો 1 કરોડ રૂપિયાનો બંગલો વેચી વૃદ્ધઆશ્રમ શરૂ કરી પિયુષ આડતીયા નામનો યુવાન વડીલ વૃધ્ધો ની અનેરી સેવા કરી રહ્યો છે અને આ સેવા થકી પોતાનું જીવન વડીલોને સમર્પિત કરી ધન્યતા અનુભવી રહ્યો છે અને માનવ સેવા એજ પ્રભુ સેવા એ સૂત્રને સાર્થક કરી બતાવ્યું છે.

જૂનાગઢ જિલ્લાના ભેંસાણ તાલુકાના નાના એવા કોટડા ગામના રહેવાસી પિયુષ મનસુખભાઇ આડતીયા હાલ જેતપુર રહી જૂનાગઢ દરરોજ અપડાઉન કરી વડીલોની સેવા કરી રહ્યા છે, છેલ્લા 15 વર્ષથી જુનાગઢમાં મન એજ્યુકેશન ટ્રસ્ટ નામની ઓફીસ ધરાવતા પિયુષ આડતીયા નામના યુવાનના મા બાપ બાળપણમાં જ સ્વર્ગે સિધાવતા પિયુષ આડતીયાની વૃધ્ધો પ્રત્યેની સેવા જાગી અને માવતર વૃદ્ધઆશ્રમની મુલાકાત લઈ 60 જેટલા વડીલોને યાત્રા કરાવી વડીલ સેવા ની શરૂઆત કરી હતી. જે પરંપરા આજે પણ જાળવી છેલ્લા 11 વર્ષથી વડીલોની સેવા સાથે યાત્રા કરાવી. જે હાલ 660 જેટલા વડીલોને ધાર્મિક સ્થળોની યાત્રા કરાવી ચુક્યા છે. 

માનવસેવા ના સૂત્રને વરેલા પિયુષ આડતીયાએ હવે વડીલોની સેવા કરવામાં જ આયખું વિતાવવાનું નક્કી કરી જૂનાગઢના ઝાંઝરડા રોડ પર પોતાનો 1 કરોડ રૂપિયાનો બંગલો વેચી નાખી બાયપાસ રોડ પર મન નામનું વૃદ્ધઆશ્રમ શરૂ કર્યું, હાલ આ વૃદ્ધઆશ્રમ માં કુલ 20 જેટલા વડીલો માતાઓ સાથે હળીમળી ને રહે છે અને જિંદગીની અંતિમ પળો માં ભગવાનનું નામ સ્મરણ કરી રહ્યા છે, અહીં રહેતા વડીલો ને સવારે ચા નાસ્તો તેમજ બપોર અને સાંજ નું ભોજન પણ આપવામાં આવે છે. 

તેમજ આશ્રમમાં બાગ બગીચા, તેમજ કુદરતના ખોળે આહલદાયક વાતાવરણમાં વડીલો રહી ધન્યતા અનુભવે છે, અહીં રહેતા વડીલોએ જણાવ્યું હતું કે પિયુષ આડતીયા કળયુગમાં પણ શ્રવણ બની અમારી સેવા કરી રહ્યા છે જે અમારું સૌભાગ્ય છે, અહીં અમોને કોઈ જ તકલીફ નથી અને ઘર કરતા પણ વિશેશ અહીંનું વાતાવરણ અમને ખૂબ જ ગમે છે અને ઘરની કોઈ જ યાદ પણ આવતી નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news