)
દિનેશ ચંદ્રવાડીયા, ઉપલેટાઃ રાજકોટના ધોરાજીમાં ભ્રષ્ટાચારનો એક એવો નમૂનો સામે આવ્યો છે જે જોઈને તમે પણ કહી ઉઠશો કે 'આ તે વિકાસ છે કે વિનાશ?'. પોસ્ટ ઓફિસથી જમનાવડ સુધી કરોડોના ખર્ચે બનેલો નવો સીસી રોડ ઉદ્ઘાટન થાય તે પહેલા જ તૂટવા લાગ્યો છે. કોના પાપે જનતાના પૈસા પાણીમાં ગયા છે.
ધોરાજીની જનતાએ જે રસ્તા માટે વર્ષો સુધી ધૂળ ફાકી અને આંદોલનો કર્યા, તે રસ્તો બનતાની સાથે જ ભ્રષ્ટાચારના જીવતા જાગતા નમૂનામાં ફેરવાઈ ગયો છે. જનતાની આશા હતી કે તેમને નવો અને મજબૂત રસ્તો મળશે, પરંતુ તંત્ર અને કોન્ટ્રાક્ટરની મિલીભગતે લોકોની આકાંક્ષાઓ પર ભ્રષ્ટાચારનું બુલડોઝર ફેરવી દીધું છે. પોસ્ટ ઓફિસથી જમનાવડ રેલવે ફાટક સુધીનો સીસી રોડ, જેનો હજુ તો સિમેન્ટ પણ બરાબર સુકાયો નથી અને ગત અઠવાડિયે જ જેનું કામ પૂર્ણ થયું છે, તેમાં અત્યારથી જ પહાડ જેવી મસમોટી તિરાડો પડવાની શરૂઆત થઈ ગઈ છે. રૂપિયા 3 કરોડ જેવી માતબર રકમ જે પ્રજાના ટેક્સના પરસેવાની કમાણી છે, તે રસ્તામાં નહીં પણ જાણે ભ્રષ્ટાચારના ખાડામાં હોમાઈ ગઈ છે.
જૂનાગઢની 'દ્વારકેશ કન્સ્ટ્રક્શન' દ્વારા આ કામ કરવામાં આવ્યું છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે સિમેન્ટ અને મટીરીયલની ગુણવત્તા એટલી નબળી છે કે ગાડીઓ ચાલતા પહેલા જ રોડના થીગડા ઉખડી રહ્યા છે. (સવાલ IN) નગરપાલિકા અને R&B વિભાગના અધિકારીઓની હાજરીમાં આ કામ થયું હોવા છતાં, કોઈએ ગુણવત્તા કેમ ન તપાસી? શું અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર વચ્ચે કોઈ 'સેટિંગ' છે?
હવે ધોરાજીની જનતામાં ફાટી નીકળેલો આક્રોશ શાંત થાય તેમ નથી. સ્થાનિકોની તંત્ર પાસે સ્પષ્ટ અને આકરી માંગ છે કે, માત્ર ઉપરછલ્લી મરામતથી આ પાપને છુપાવવાનો પ્રયાસ કરવામાં ન આવે, પરંતુ આ સમગ્ર કૌભાંડની ઉચ્ચસ્તરીય અને તટસ્થ તપાસ કરવામાં આવે. એટલું જ નહીં, એસી કેબિનોમાં બેસીને આંખો મીંચીને આવી નબળી કામગીરીને મંજૂરી આપનારા અને પ્રજાના પૈસાનો વેડફાટ કરનારા ભ્રષ્ટ અધિકારીઓ સામે પણ કડક પગલાં લેવા માંગ ઉઠી છે.