મહેસાણાઃ અનાથ, નિરાધાર, તરછોડાયેલા કે કુટુંબ વિનાના બાળકોના રક્ષણ માટે ગુજરાત સરકારની એક યોજના છે. જેનું નામ છે - પાલક માતા પિતા યોજના . આ યોજના નિરાધાર બાળક માટે આધારરૂપ બની રહી છે. મહેસાણા જિલ્લાના નુગર ગામની એક દીકરી માટે કેવી રીતે આ યોજના વરદાનરૂપ બની, જોઈએ આ વિશેષ અહેવાલમાં.
મહેસાણા જિલ્લાના નુગર ગામમાં રહેતી પાયલે નાની ઉંમરે માતા-પિતાની છત્રછાયા ગુમાવી હતી. આ સંજોગોમાં પાયલ અને તેના ભાઈ-બહેનો માટે ગુજરાત સરકારની પાલક માતા-પિતા યોજના આધારરૂપ બની.
પાલક માતા પિતા યોજના અંતર્ગત અનાથ બાળકને માસિક રૂ. 3000/-ની સહાય મળે છે. આ રકમ સીધી લાભાર્થીના ખાતા માં જમાં થાય છે. આ ઉપરાંત, લગ્ન સમયે લાભાર્થી દીકરીઓને ₹2 લાખની સહાય આપવામાં આવે છે. આ યોજનાનો લાભ મેળવવા જિલ્લાની સમાજ સુરક્ષાની કચેરીમાં અરજી કરવાની રહે છે.
મહેસાણા જિલ્લાની વાત કરીએ તો જિલ્લામાં આવા 825 બાળકોને ₹3,000 દર મહિને મળે છે. આ જિલ્લામાં અત્યાર સુધીમાં 652 પાયલ જેવી દીકરીઓને લગ્ન માટે ₹2 લાખની સહાય આપવામાં આવી છે.
આશાના કિરણ સમાન આ યોજનાઓ અનાથ બાળકો માટે આત્મસન્માન, ભણતર અને સશક્તિકરણનો પર્યાય બની છે.