આ ઘટના ફિલ્મની કોઈ કહાનીથી કમ નથી! 21 વર્ષ બાદ હત્યાના આરોપીને આ રીતે ઝડપ્યો

Valsad News: કાનૂન કે હાથ બહુત લંબે હોતે હૈ, મુજરિમ ગમે તેટલો ભાગવાનો પ્રયાસ કરે પણ આખરે તેને જેલના સળિયા અચૂક ગણાવા પડે છે. આ કથન વલસાડ જિલ્લામાં ફરી એક વાર સાચું ઠર્યું છે. જી હા... વલસાડ જિલ્લા પોલીસે હત્યાના એક આરોપમાં નાસતા ફરતા મૂળ યુપીના આરોપી આખરે 21 વર્ષ બાદ પોલીસ પાંજરે પૂર્યો છે. વલસાડ જિલ્લા પોલીસે આરોપીને ઝડપવા માટે જે મહેનત કરી તે કોઈ ફિલ્મી કહાનીથી કમ નથી. કોણ હતો આરોપી અને કેવી રીતે પોલીસ પાંજરે પુરાયો? 

આ ઘટના ફિલ્મની કોઈ કહાનીથી કમ નથી! 21 વર્ષ બાદ હત્યાના આરોપીને આ રીતે ઝડપ્યો

નિલેશ જોશી/ઉમરગામ: વલસાડ જિલ્લાના ઉમરગામના નારગોલમાં 21 વર્ષ અગાઉ હત્યાનો એક બનાવ બન્યો હતો. મૂળ ઉત્તર પ્રદેશના પ્યારે લાલ યાદવ નામના એક વ્યક્તિની હત્યા થઈ હતી. અને હત્યારા કોઈ બીજા નહીં પરંતુ તેના જ પરિચિત એવા ચાર કાકા ભત્રીજા હતા. જો કે, જે તે વખતે આ મામલે પોલીસે તપાસ કરતા આરોપીઓને ઝડપવા પ્રયાસો હાથ ધર્યા હતા અને મુખ્ય આરોપી વોન્ટેડ હતો.

21 વર્ષ અગાઉ ઉત્તરપ્રદેશના જોનપુરના પ્યારે લાલ યાદવ તેમના ગામ નજીકના પરિચિત એવા ઉમરગામના નારગોલમાં એક અનાજ દળવાની ઘંટીમાં કામ કરતા હતા. તે  પરિવારના ત્યાં બેસવા ગયા હતા. આ દરમિયાન પ્યારે લાલના પરિચિત એવા લક્ષ્મી શંકર રામસુરત યાદવ તેમના બે ભાઈઓ રામ આશરે યાદવ અને રામ હિત યાદવ અને તેમનો ભત્રીજો પપ્પુ શંકર યાદવના ઘરે સાથે બેઠા હતા. 

સામાન્ય વિવાદમાં જીવલેણ હુમલો
આ દરમિયાન વાતોમાં કોઈ વિવાદને લઈ પ્યારે લાલ યાદવે ભત્રીજા પપ્પુ શંકર યાદવને ઝાપટ મારી હતી. આથી મામલો બગડ્યો હતો. રોસે ભરાયેલા ત્રણ કાકાઓ એવા લક્ષ્મી શંકર યાદવ, રામ આશરે યાદવ, રામ હિત યાદવ અને ભત્રીજો પપ્પુ શંકર યાદવે મળીને પ્યારેલાલ યાદવને જીવલેણ માર માર્યો હતો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા પ્યારેલાલ યાદવને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. જો કે, સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. 

હત્યા કર્યા બાદ આરોપીઓ ફરાર
આ ઘટના બાદ હત્યાના આરોપી એવા ત્રણેય ભાઈઓ અને ભત્રીજો તમામ વતન ઉત્તર પ્રદેશ ફરાર થઈ ગયા હતા. ઉમરગામ પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધાતા ઉમરગામ પોલીસે આરોપીઓને ઝડપવા પ્રયાસ કર્યા હતા. પરંતુ લાંબા સમય બાદ આ હત્યાના કેસમાં બે ભાઈ અને ભત્રીજો અગાઉ પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા.  જો કે, મુખ્ય આરોપી લક્ષ્મી શંકર રામસુરત યાદવ વોન્ટેડ હતો. 21 વર્ષથી વોન્ટેડ આરોપીને અંતે સુરતથી ઝડપી પડ્યો છે.

વલસાડ પોલીસને મળી મોટી સફળતા
વલસાડ જિલ્લા પોલીસની ધીરજને દાદ આપવી જોઈએ. કારણ કે હત્યાના વોન્ટેડ આરોપીને ઝડપવા પોલીસે એક પડકાર માન્યો હતો અને અવારનવાર તેને ઝડપવા માટે પ્રયાસો ચાલુ જ રાખ્યા હતા. આખરે 21 વર્ષ બાદ સુરતના સાયણની સૉ મિલમાંથી આરોપી લક્ષ્મી શંકર યાદવને ઝડપવામાં સફળતા મળી હતી. 

જો કે, મોટી વાત એ છે કે, આરોપીને ઝડપવા માટે પોલીસે જે તરકીબ અજમાવી અને જે મહેનત કરી તે કોઈ ફિલ્મી કહાનીથી કમ નથી. કારણ કે વલસાડ જિલ્લા પોલીસને માત્ર આરોપી સુરતના સાયણની આજુબાજુ કોઈ કંપનીમાં કામ કરતો હોવાનું બાતમી મળી હતી. પરંતુ કોઈ ચોક્કસ સરનામું કે અન્ય માહિતી નહીં મળી હોવાથી વલસાડ જિલ્લા પોલીસની ટીમે સતત દસ દિવસ સુધી સાયણમાં ધામા નાખ્યા હતા.

પોલીસે વેશ પલટો કરી આરોપીને ઝડપ્યો
વલસાડ જિલ્લા પોલીસની ટીમ 10 દિવસ સુધી મજૂરોનો વેશ ધારણ કર્યો હતો. કંપનીએ કંપનીએ ફરી મજૂરોના સ્વાંગમાં આરોપીને શોધવા પ્રયાસ કર્યા હતા. ન માત્ર મજૂર બન્યા પરંતુ વલસાડ જિલ્લા પોલીસના જવાનો આરોપીને ઝડપવા રીક્ષા ચાલક પણ બન્યા હતા. આખરે વલસાડ જિલ્લા પોલીસની મહેનત રંગ લાવી અને આરોપી લક્ષ્મીશંકર રામ સુરત યાદવને આ સો મિલમાંથી ઝડપી અને તેને સળિયા પાછળ ધકેલી દીધો છે.

ગંભીર અપરાધ કર્યા બાદ આરોપીઓ ફરાર થવામાં સફળ તો રહે છે. પરંતુ લાંબા સમય સુધી તેઓ છુપાઈ શકતા નથી. એક દિવસે તો તેઓના પાપનો ઘડો ભરાઈ જાય છે અને આખરે કરેલા કર્મોની સજા ભોગવવી જ પડે છે. એવા જ આ કિસ્સામાં 21 વર્ષ બાદ વલસાડ જિલ્લા પોલીસની ટીમે હત્યાના આરોપીને દબોચી સળિયા પાછળ ધકેલી દીધો છે. ત્યારે વલસાડ જિલ્લા પોલીસવડા કરણરાજ વાઘેલાના નેતૃત્વમાં અંતે જિલ્લા પોલીસને 21થી હંફાવનાર આરોપી હવે જેલના સળિયા ગણી રહ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news