)
Ratanmahal Wildlife Sanctuary: ગુજરાતમાં વનપ્રેમીઓ માટે એક ખુશીના સમાચાર મળી રહ્યા છે. રાજ્યમાં લુપ્ત થવાની અણી પર રહેલા વાઘનું ફરી એકવાર પુનરાગમન થયું છે. ગઈકાલે પંચમહાલ-દાહોદ વિસ્તારમાં આવેલા રતનમહાલના જંગલોમાં એક વાઘ કેમેરામાં ટ્રેપ થયો છે, જેનો વીડિયો પણ હાલમાં ખૂબ વાયરલ થયો છે. આ અંગેની સત્તાવાર માહિતી ગુજરાતના વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી પ્રવીણ માળીએ આપી હતી.
કેમેરામાં 'ટ્રેપ' થયો વાઘ
વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી પ્રવીણ માળીના દાવા મુજબ, વન વિભાગ દ્વારા જંગલમાં જુદી જુદી જગ્યાએ રાખેલા ઓટોમેટિક કેમેરા ટ્રેપમાં આ વાઘ ઝડપાયો છે. રતનમહાલનો આ વન વિસ્તાર તેની કુદરતી જૈવવિવિધતા માટે જાણીતો છે, અને અહીં વાઘનું દેખાવું એ વન્યજીવ સંરક્ષણ માટે મોટી સફળતા ગણી શકાય. ગઈકાલે વાયરલ થયેલા વીડિયોમાં આ ભવ્ય પ્રાણી જંગલમાં ફરી રહ્યો હોવાનું સ્પષ્ટ જોઈ શકાય છે. આ દ્રશ્યથી માત્ર વન વિભાગ જ નહીં, પરંતુ રાજ્યના તમામ પર્યાવરણ પ્રેમીઓમાં હર્ષની લાગણી છવાઈ ગઈ છે.
વન વિભાગના પ્રયાસો ફળ્યા
રાજ્ય મંત્રી પ્રવીણ માળીના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં વાઘની સંખ્યા વધે તે દિશામાં વન વિભાગ દ્વારા લાંબા સમયથી સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રની સરહદ સાથે જોડાયેલા આ વિસ્તારમાં વાઘનું સ્થળાંતર અને સંવર્ધન થાય તે માટેનું અનુકૂળ વાતાવરણ તૈયાર કરવામાં આવ્યું હતું.
વાઘનું પુન: આગમન ગુજરાતના જંગલોની તંદુરસ્તી અને જૈવિક સમૃદ્ધિની નિશાની છે. હવે વન વિભાગ આ વાઘની ગતિવિધિ પર ચાંપતી નજર રાખી રહ્યું છે અને તેની સુરક્ષા માટે પણ વિશેષ પગલાં લેવામાં આવશે. ગુજરાતમાં વાઘનું પુનઃસ્વાગત છે, અને આશા છે કે ભવિષ્યમાં રાજ્યના જંગલોમાં વધુ વાઘ ગર્જના કરતા જોવા મળશે.