)
Patidar Woman Shot Dead In America : આણંદના સિંગલાવ ગામના વતની અને હાલ અમેરિકાના સાઉથ કેરોલાઈનામાં રહેતા કિરણબેન પટેલની ગોળી મારીને હત્યા કરવામાં આવતા સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ કરુણ ઘટના ગત 16મી સપ્ટેમ્બરના રોજ બની હતી, જ્યારે બુકાનીધારી યુવકે કિરણબેનના સ્ટોર પર ગોળીબાર કર્યો હતો. સાઉથ કેરોલાઈનાની યુનિયન કાઉન્ટીમાં કિરણબેન પટેલ પોતાનો સ્ટોર ચલાવતા હતા. મળતી માહિતી મુજબ, 16મી સપ્ટેમ્બરના રોજ એક બુકાનીધારી શખ્સ લૂંટના ઈરાદે તેમના સ્ટોરમાં ઘૂસી આવ્યો હતો. આ શખ્સે અચાનક કિરણબેન પર ગોળીબાર કરતા તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
આરોપી ઝડપાયો
ઘટના બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી અને તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, આ હત્યા કિરણબેનના સ્ટોર નજીક રહેતા 21 વર્ષીય યુવક ઝેદાન મેક હીલે કરી હતી. પોલીસે આરોપીના ઘરેથી તેને ઝડપી પાડ્યો હતો. આરોપી પર આર્મ્ડ રોબરી (શસ્ત્રો સાથે લૂંટ), હત્યા અને હિંસક ગુનો કરવાના ઈરાદે હથિયાર રાખવા સહિતના ગંભીર આરોપો (ચાર્જિસ) લગાવવામાં આવ્યા છે. પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.
પરિવાર અને ગામમાં શોક
કિરણબેન પટેલની હત્યાના સમાચાર સિંગલાવ ગામમાં પહોંચતા તેમના પરિવાર અને સમગ્ર ગામમાં ગમગીની છવાઈ ગઈ છે. અમેરિકામાં ગુજરાતીઓ પર થતા હુમલાની ઘટનાઓ ફરી એકવાર ચિંતાનો વિષય બની છે. આ દુઃખદ ઘટનાએ વિદેશમાં વસતા ગુજરાતીઓની સુરક્ષા અંગે સવાલો ઉભા કર્યા છે.
શું બની હતી સમગ્ર ઘટના?
સાઉથ કેરોલિનાના યુનિયન કાઉન્ટીમાં મંગળવારની રાતે સાડા દસ વાગ્યાના સમયે ગુજરાતી સમાજને હચમચાવી દેતી આ ધટના બની હતી, જેમાં બોરસદ તાલુકાના સિંગલાવ ગામનાં દિકરી અને આશી ગામની પરિણિતા કિરણબેન પટેલ કે જેઓ છેલ્લા 19 વર્ષથી અમેરિકામાં વસવાટ કરી રહ્યા છે, કિરણબેન પટેલ સ્ટોર બંધ કરી ઘરે જવા પૂર્વે હિસાબ કરી રહ્યાં હતાં. એ દરમ્યાન એક માસ્કધારી અને હૂડી પહેરેલો શખ્સ હાથમાં બંદુક લઈને અંદર ઘૂસ્યો અને આડેધડ ફાયરિંગ શરૂ કરી દીધું. કિરણબેન હિંમતપૂર્વક કાઉન્ટર પરની બોટલ ફેંકીને બહાર નીકળવાનો પ્રયાસ કર્યો, પરંતુ હુમલાખોરે પાછળથી ગોળીબાર ચાલુ જ રાખ્યો. આ ગોળી વાગતાં કિરણબેન પટકાયા અને ગંભીર રીતે ઘવાયા. અને સ્ટોરની બહાર પાર્કિંગ એરીયામા્ં તેઓનું મોત નિપજયું હતું
49 વર્ષની કિરણબેન પટેલ છેલ્લા 23 વર્ષથી સાઉથ કેરોલિનામાં રહેતા હતી અને ગેસ સ્ટેશન કમ સ્ટોર ચલાવતા હતા તેઓને બે સંતાન છે,જેમાં પુત્ર યુકેમાં અને પુત્રી કેનેડામાં વસવાટ કરે છે,જયારે મરનાર કિરણબેન પટેલનાં બહેન અનિતાબેન પટેલ બોરસદ ખાતે રહે છે,તેઓએ પોતાની બહેનની હત્યા અંગે જણાવ્યું હતું કે આ ધટનાથી સમગ્ર પરિવાર આધાતમાં છે અને આવો બનાવ આવો બનાવ ફરી કોઈની સાથે ના બનવો જોઈએ.