)
Trump Tariff Impact Gujarat Industry : અમેરિકા દ્વારા ભારત પર લાદવામાં આવેલો 50% ટેરિફ હવે નવરાત્રિ દરમિયાન ચણિયાચોળી અને હસ્તકલાની નિકાસ પર સીધી અસર કરી રહ્યો છે. નવરાત્રિને વિશ્વનો સૌથી મોટો ગરબા ઉત્સવ માનવામાં આવે છે અને તેમાં વપરાતા ચણિયાચોળી અને કાપડ-પોશાક કેટેગરીના ઉત્પાદનો પર આ વધારાનો બોજ કટોકટી ઊભી કરી રહ્યો છે.
50% ટેરિફથી હસ્તકલા વેપારીઓ નિરાશ
ગુજરાતના ચણિયાચોળી અને હસ્તકલા વેપારીઓ કહે છે કે આ ટેરિફથી તેમની નિકાસમાં લગભગ 50%નો ઘટાડો થયો છે. કારીગરોએ આખા વર્ષ દરમિયાન ઉત્પાદન માટે તૈયારી કરી હતી, પરંતુ હવે ઓર્ડર ઘટી રહ્યા છે. એક વેપારીના જણાવ્યા મુજબ કચ્છ અને સૌરાષ્ટ્રના હજારો પરિવારો ચણિયાચોળી સાથે સંકળાયેલા છે. મણકાનું કામ, એપ્લીક વર્ક, હાથ ભરતકામ અને મશીન ભરતકામ જેવા કામો સાથે સંકળાયેલા કારીગરોને પણ સીધી અસર થઈ છે. જો પરિસ્થિતિ આવી જ રહેશે તો કાપડ ઉત્પાદનોના વેચાણમાં 60-70%નો ઘટાડો થઈ શકે છે.
ભારતીય નિકાસકારોએ સરકાર પાસેથી 10% સબસિડી માંગી
ભારતીય નિકાસકારો નુકસાનની ભરપાઈ કરવા માટે સરકાર પાસેથી 10% સબસિડીની માંગ કરી રહ્યા છે. ભારતથી અમેરિકામાં હાથવણાટ ઉત્પાદનો (કાર્પેટ, શાલ, ચાદર) ની નિકાસ લગભગ રૂપિયા 4,200 કરોડ છે. હસ્તકલા નિકાસમાં યુએસનો હિસ્સો 38% છે, જે 2022-23માં રૂપિયા 9,576થી રૂ. 23,860 કરોડ હતો. ગુજરાતના સુરત અને અમદાવાદથી અમેરિકામાં કાપડ અને હસ્તકલાની નિકાસ રૂપિયા 29,400 કરોડની છે, જેમાં ચણાચોળીનો નોંધપાત્ર ફાળો છે. નિષ્ણાતોના મતે, એવો અંદાજ છે કે 27 ઓગસ્ટ 2025થી લાગુ કરાયેલ 50% ટેરિફ ગુજરાતથી નિકાસમાં 50-70% ઘટાડો કરી શકે છે.
સ્થાનિક કારીગરો પર અસર
ગુજરાતમાં 52 પ્રકારના હાથવણાટ અને હસ્તકલા કલાકારો કામ કરે છે. તેમની આવક સ્થાનિક વેપાર અને નિકાસ સાથે જોડાયેલી છે. ટેરિફ તેમની આજીવિકાને પણ અસર કરી શકે છે. જોકે, ભારતનું સ્થાનિક બજાર મજબૂત છે, જે લાંબા ગાળે પરિસ્થિતિમાં સુધારો કરી શકે છે. પરંતુ હાલમાં, યુએસ બજાર પર આધાર રાખતા વેપારીઓ અને કારીગરો નિરાશા અને અનિશ્ચિતતાનો સામનો કરી રહ્યા છે.