)
H-1B visa update: નોકરી માટે અમેરિકા જતા ગુજરાતીઓ સહિત ભારતીય લોકોને ડોનાલ્ડ્ર ટ્રમ્પે મોટો ઝટકો આપ્યો છે. જી હા...અમેરિકામાં અમેરિકનોને જ નોકરી આપવા ટ્રમ્પનું ફરમાન જાહેર થઈ ચૂક્યું છે. H-1B વિઝા અંગે સ્પષ્ટતા કરતા ટ્રમ્પે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે.વ્હાઇટ હાઉસનાં પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે આ અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે પ્રમુખ ટ્રમ્પ અમેરિકામાં વિદેશી રોકાણને વધારવા માટે પગલાં લઈ રહ્યા છે, પરંતુ સાથે જ તેઓ સ્થાનિક લોકોને, એટલે કે અમેરિકનોને જ નોકરીઓ મળે તે માટે તેમની જૉબની રક્ષા કરવા પ્રતિબદ્ધ છે.
રોકાણ કરો તો નોકરી સ્થાનિકને જ આપો!
કેરોલિન લેવિટે વિદેશી કંપનીઓને અમેરિકામાં સીધું રોકાણ કરવા આદેશ આપ્યો છે અને સાથે જ તેમને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે “તમે જ્યારે અમેરિકામાં રોકાણ કરી રહ્યા છો ત્યારે જો તમે અમેરિકામાં વેપાર કરવા માંગતા હો તો અમેરિકાનાં લોકોને જ નોકરીઓ આપવી પડશે.” આનો અર્થ એ થયો કે જે વિદેશી કંપનીઓ અમેરિકામાં અબજો રૂપિયાનું રોકાણ કરીને મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગોમાં (જેમ કે બેટરી જેવા ઉત્પાદનો બનાવવા) વિદેશી કામદારો લાવે છે, તેમને હવે આવી નોકરીઓમાં અમેરિકનોને જ પ્રાધાન્ય આપવું પડશે.
H-1B વિઝા અંગે ટ્રમ્પનો અભિગમ વ્યવહારું
લેવિટે વધુમાં કહ્યું કે H-1B વિઝાના સંદર્ભમાં ટ્રમ્પનો અભિગમ સૂક્ષ્મ અને વ્યવહારૂ છે. પ્રમુખ ટ્રમ્પ એવા કર્મચારીઓને બદલવાનું, એટલે કે અન્યોને નોકરીઓ આપવાનું સમર્થન કરતા નથી જેઓ પહેલેથી અમેરિકાનાં કર્મચારીઓ છે. તેઓ ઈચ્છે છે કે અમેરિકાનાં મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગો વધુ સારી રીતે કામ કરે અને તેમાં અમેરિકનોને જ નોકરીઓ મળે.
ઉલ્લેખનીય છે કે, હાલમાં અમેરિકામાં H-1B વિઝા અંગે તપાસ વધી રહી છે અને આ નિવેદનથી વિદેશી શ્રમિકોને મુખ્ય ઉદ્યોગોમાં નોકરીઓ નહીં મળવાની સંભાવના વધી રહી છે. આનાથી એ સ્પષ્ટ થાય છે કે અમેરિકા સરકાર હવે 'બાય અમેરિકન, હાયર અમેરિકન' ની નીતિ પર કડક અમલ કરવા જઈ રહી છે.