સાળંગપુરમાં હનુમાન જયંતીએ ભવ્ય આયોજન, મંદિરે જાહેર કર્યો બે દિવસના કાર્યક્રમનું શિડ્યુલ
Hanuman Jayanti 2025 : 12 એપ્રિલના રોજ હનુમાન જયંતી છે, ત્યારે સાળંગપુરમાં હનુમાન જયંતીને લઈને દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય આયોજન થવાનું છે... મંદિર દ્વારા કાર્યક્રમની જાહેરાત કરાઈ છે
Trending Photos
)
Salangpur Hanuman રઘુવીર મકવાણા/બોટાદ : સાળંગપુર ધામમાં ૧૨ મી એપ્રિલે હનુમાન જયંતિની ધામધૂમથી અને ભવ્યઉજવણી થવાની છે, ત્યારે હનુમાન જયંતીને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર દ્વારા હનુમાન જયંતી મહોત્સવની તડામાર તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે.
સાળંગપુરધામ કષ્ટભંજન હનુમાનજી મંદિરે ચૈત્રી પૂર્ણિમા, શનિવાર અને હનુમાન જયંતિના મહાસંગમે ઐતિહાસિક હનુમાન જન્મોત્સવ ઉજવણી થનાર છે. સાળંગપુરધામમાં શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે તારીખ 11 અને 12 એપ્રિલ-2025ને શુક્રવાર-શનિવારના રોજ દાદાના દરબારમાં શ્રીહનુમાન જયંતી મહોત્સવ ભવ્યાતિભવ્ય ઉજવણી થનાર છે.
54 ફૂટના કિંગ ઓફ સાળંગપુર મૂર્તિની ભવ્ય સમૂહ આરતી. ભવ્ય રાજોપચાર, અન્નકૂટ અને મહાસંધ્યા આરતી જેવા અનેક પ્રસંગોમાં આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ તેમજ હરિપ્રકાશદાસજી સ્વામી અને વડીલ સંતોના આશીર્વાદ પ્રાપ્ત થશે. જે માટે મંદિરના સંતો દ્વારા વિશેષ તૈયારીઓ કરી લેવામાં આવી છે. તેથી દર્શનાર્થીઓને મુશ્કેલી ના થાય તે માટે મંદિર પરિસરમાં રહેવા તથા જમવાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. વિશાળ પાર્કિંગ એરિયા બનાવવામાં આવ્યા છે. દાદાના જન્મોત્સવની રંગેચંગે ઉજવણી થાય એ માટે અહીં બે દિવસ સુધી વિવિધ કાર્યક્રમો પણ યોજાશે.
સમૂહ મારુતિ યજ્ઞમાં 1 હજાર ભક્તો પાટલે બેસવાનો લાભ લેશે તેમજ દેશના વિવિધ પ્રાંતમાંથી આવેલા 50થી વધુ બ્રાહ્મણો આ યજ્ઞ કરાવશે. તેમજ તારીખ 12ને શનિવારે સવારે 5 કલાકે મંગળા આરતી વખતે ભવ્ય આતશબાજીથી કષ્ટભંજનદેવનું સ્વાગત કરાશે. 7 કલાકે કષ્ટભંજનદેવ દાદા સુવર્ણ વાઘા ધારણ કરીને ભક્તોને દર્શન આપશે. સવારે 7.30 કલાકે 51,000 બલૂનડ્રોપથી ભક્તોનું સ્વાગત થશે. 250 કિલો કેકનું કટીંગ કરી હજારો ભક્તો હનુમાન ભક્તિમાં ડીજેના તાલે ઝૂમી ઉઠશે. બપોરે 11 કલાકે મહાઅન્નકૂટ યોજાશે અને દાદાના દર્શને આવતા તમામ ભક્તો માટે 10 કલાકે મહાપ્રસાદનો પ્રારંભથઈ જશે. સાંજે 7 કલાકે મહાસંધ્યા આરતી યોજાશે. જેમાં હજારો દિવડાઓ દ્વારા સામુહિક કષ્ટભંજનદેવની સંતો-ભક્તો દ્વારા સામુહિક આરતી કરવામાં આવશે. ત્યારે મંદિર પ્રશાસન દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે














