)
Banaskantha News દર્શલ રાવલ/બનાસકાંઠા : બનાસકાંઠામાં પૂરના પાણીએ કહેર મચાવ્યો છે, પરંતું પૂરની પરિસ્થિતિ વચ્ચે બે નવી જિંદગી ખીલી છે. વાવાઝોડાના કહેર વચ્ચે બે મહિલાઓને રેસ્ક્યૂ કરીને આરોગ્ય કેન્દ્ર લાવવામાં આવી હતી, બંને મહિલાઓએ બાળકીઓને જન્મ આપ્યો હતો.
બનાસકાંઠામાં સરહદી સૂઈગામની સ્થિતિ પૂરના પાણીને કારણે વણસી હતી. ગામમાંથી મહિલાઓનું રેસ્ક્યૂ કરી સૂઈગામ આરોગ્ય કેન્દ્ર લાવવામાં આવી હતી. ગામમાં બોટમાંથી રેક્સ્યુ કરી એમ્બ્યુલન્સમાં લાવવામાં આવી હતી. કેડ સમા પાણીમાંથી મહિલાઓને આરોગ્ય કેન્દ્ર લાવી ડિલિવરી કરાઈ હતી. બને મહિલાઓની ડિલિવરી થતા બે બાળકીઓ જન્મી હતી.
ગર્ભસ્થ મહિલાઓને પૂરના કારણે શું થશે શું નહી તેનો ભય હતો. જોકે ભય વચ્ચે મહિલાઓનું રેસ્ક્યુ થયું અને નવી બે જિંદગી ખીલી હતી. સુઇગામ આરોગ્ય કેન્દ્રમાં લાઈટ નહિ હોવા છતાં હેમખેમ બંને મહિલાઓની ડિલિવરી કરવામાં આવી હતી. આરોગ્ય કેન્દ્રના સ્ટાફે ડિલિવરી કરાવતા પરિવારમાં ખુશીનો માહોલ છવાયો હતો.
સરહદીય સુઈગામ પંથકમાં છઠ્ઠે દિવસે પણ વરસાદી તારાજી યથાવત છે. સુઈગામ તાલુકના અનેક ગામો આજે પણ જળમગ્ન જોવા મળ્યા. ભરડવા, શિવનગર, રૂપાણીવાસ, ભાટવર, જલોયા, દૈયપ સહીતના અનેક ગામો હજુ પાણીમાં છે. આજે પણ સુઈગામ અને વાવ તાલુકાની શાળા, કોલેજોમાં રજા અપાઈ છે. વાવ-સુઈગામ મુખ્ય હાઇવે આજે પણ બંધ છે. હાઈવે પરથી છાતીસમું પાણી વહી રહ્યું છે. સુઈગામમાં પૂર જેવી સ્થિતિ વચ્ચે અનેક સંસ્થાઓ અને સેવાભાવી લોકો ફૂડ પેકેટ સહિત ચીજવસ્તુઓ સાથે અસરગ્રસ્ત લોકોની સેવાર્થે પહોંચી રહ્યા છે.
બનાસકાંઠાના પૂરગ્રસ્ત વિસ્તારોની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુલાકાત લીધી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મંત્રી બળવંતસિંહ રાજપૂત સહિત ધારાસભ્યોએ વિસ્તારની મુલાકાત લીધી મુખ્યમંત્રીએ સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવ્યો. પૂરથી સર્જાયેલા વિનાશની સમીક્ષા કરી. સુઈગામમાં અસરગ્રસ્તો સાથે મુખ્યમંત્રીએ મુલાકાત કરી.
તો બીજી તરફ, બનાસકાંઠામાં પૂરની સ્થિતિ પર ભરપૂર રાજકારણ થઈ રહ્યું છે. રાજ્ય સરકારના મંત્રી જગદીશ વિશ્વકર્માએ ગેનીબેન પર પ્રહાર કરતા કહ્યું કે, ગેનીબેન બનાસકાંઠાની જગ્યાએ સોમનાથ ગયા છે, બનાસકાંઠાની જગ્યાએ કોંગ્રેસ અધિવેશનમાં છે ગેનીબેન. તો જ્યારે ગેનીબેન ઠાકોરે પણ સામે જવાબ આપ્યો કે, પૂરથી બચાવવાનું કામ સરકારનું હોય છે. પ્રાથમિક કામગીરી સરકારને કરવાની હોય છે. બનાસકાંઠામાં જળાશયોની જરૂર છે. અત્યારે ટીકા કરવા કરતા કામ કરવાની જરૂર છે.