દેવભૂમિ દ્વારકામાં 2000 રખડતા ઢોરનો ત્રાસ: હાઈકોર્ટે ન.પા. ચીફ ઓફિસરનો ઉધડો લીધો, માંગ્યો જવાબ
Devbhumi Dwarka Stray Cattle Menace: જગપ્રસિદ્ધ યાત્રાધામ દેવભૂમિ દ્વારકાની શેરીઓમાં રખડતા ઢોર અને આખલાઓના ભયંકર ત્રાસને લઈને ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. હાઈકોર્ટે દ્વારકાની આ સમસ્યાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને દેવભૂમિ દ્વારકા નગરપાલિકાના ચીફ ઓફિસર પાસેથી તાત્કાલિક જવાબ માંગ્યો છે.
Trending Photos
)
Devbhumi Dwarka Stray Cattle Menace: ગુજરાત હાઈકોર્ટે જગપ્રસિદ્ધ યાત્રાધામ દેવભૂમિ દ્વારકાની ગંભીર સમસ્યાની નોંધ લીધી છે. દ્વારકાની શેરીઓમાં આશરે બે હજાર જેટલા રખડતા ઢોર અને આખલાઓના ભયંકર ત્રાસને લઈને થયેલી સુનાવણીમાં હાઈકોર્ટે દેવભૂમિ દ્વારકા નગરપાલિકાના ચીફ ઓફિસર પાસેથી તાત્કાલિક અને નક્કર પગલાંની વિગતો સાથે જવાબ માંગ્યો છે.
ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ ડી.એન.રે ની ખંડપીઠે દ્વારકાની આ સમસ્યાની ગંભીરતાને ધ્યાનમાં લઈને નગરપાલિકાના ચીફ ઓફિસરને આદેશ આપ્યો છે. કોર્ટે ચીફ ઓફિસરને પૂછ્યું છે કે, રખડતા ઢોરના ત્રાસ અને આખલાઓના ન્યુસન્સના નિવારણ માટે નગરપાલિકા દ્વારા અત્યાર સુધીમાં શું નક્કર પગલાં લેવામાં આવ્યા છે, તેની સંપૂર્ણ વિગતો સાથે કોર્ટ સમક્ષ હાજર થવું.
હુમલાની વ્યાપક ફરિયાદો, જાનહાનિના આક્ષેપ
હાઈકોર્ટમાં દાખલ કરાયેલી જાહેરહિતની રિટ અરજી (PIL) માં ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. અરજદારના મતે, દેવભૂમિ દ્વારકાની શેરીઓમાં અંદાજે બે હજાર જેટલા રખડતા ઢોરો અને આખલાઓનો વ્યાપક ત્રાસ પ્રવર્તી રહ્યો છે. આ ઢોરો દ્વારા રાહદારીઓ, સ્થાનિકો અને દેશ-વિદેશના પર્યટકો પર છાશવારે હુમલા કરવામાં આવે છે, જેના કારણે અનેક લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે, અને કેટલાક કિસ્સાઓમાં મોત પણ નીપજ્યા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અરજદારે રજૂઆત કરી હતી કે હાઈકોર્ટના વારંવારના ચુકાદાઓ અને નિર્દેશો છતાં દ્વારકા નગરપાલિકા સહિતના સત્તાવાળાઓ દ્વારા કોઈ જ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી.
નગરપાલિકાની કામગીરી માત્ર 'કાગળ પર'
નગરપાલિકા તરફથી કોર્ટ સમક્ષ બચાવ રજૂ કરાયો હતો કે, તેઓ દ્વારા સમયાંતરે ડ્રાઇવ ચલાવવામાં આવે છે અને ખાનગી એજન્સીને કોન્ટ્રાકટ આપીને ઢોરોને પકડીને ગૌશાળામાં પૂરવામાં આવે છે. જોકે, અરજદારપક્ષે આ દલીલનો ખંડન કરતાં સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, "નગરપાલિકાની આ વાતો માત્ર કાગળ પરની છે," અને જમીની સ્તરે આ સમસ્યાના નિવારણ માટે કોઈ જ બુનિયાદી કામગીરી થતી નથી.
યાત્રાધામમાં ઢોરોના ત્રાસને કારણે દેશ-વિદેશમાંથી દર્શનાર્થે આવતા હજારો શ્રદ્ધાળુઓ અને પર્યટકોમાં ભયની લાગણી પ્રવર્તી રહી છે. હાઈકોર્ટે આ સમગ્ર કેસની વધુ સુનાવણી આગામી દિવસોમાં રાખી છે, જેમાં ચીફ ઓફિસરને જરૂરી ખુલાસા રજૂ કરવા પડશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે














