કોળિયાકના દરિયામાં કરૂણાંતિકા : ભાદરવી સ્નાન માટે ગયેલા યુવકો ડૂબ્યા
Bhavnagar News : ભાવનગરથી 24 કિમી દુર આવેલા કોળીયાકના દરિયા કિનારે પાંડવો સ્થાપિત નિષ્કલંક મહાદેવના સાંનિધ્યમાં ભાદરવી અમાસના દિવસે મેળો ભરાય છે, જેમાં કરુણાંતિકા સર્જાઈ
નવનીત દલવાડી/ભાવનગર :ભાવનગર ના કોળિયાક ના દરિયામાં ડૂબી જતાં વધુ બે લોકોના મોત નિપજ્યા છે. શહેરના ઘોઘારોડ લીંબડીયું વિસ્તારના યુવાનો ભાદરવી સ્નાન માટે ગયા હતા. ભાવનગરથી ગયેલા 6 મિત્રો નિષ્કલંકના દરિયામાં નાહવા પડ્યા હતા. દરિયાના પાણીમાં ભારે કરંટના કારણે તમામ યુવાનો ડૂબવા લાગ્યા હતા. ડૂબી રહેલા 6 પૈકી 3 યુવાનોનો આબાદ બચાવ થયો હતો. જ્યારે બે યુવાનોના ડૂબી જવાથી મોત થયા છે. આ ઘટનામાં એકની શોધખોળ ચાલુ છે. આમ આજે આધેડ અને યુવાન સહિત કુલ 3 લોકોના ડૂબી જતાં મોત નિપજ્યા છે.
ભાવનગરથી 24 કિમી દુર આવેલા કોળીયાકના દરિયા કિનારે પાંડવો સ્થાપિત નિષ્કલંક મહાદેવના સાંનિધ્યમાં ભાદરવી અમાસના દિવસે મેળો ભરાય છે. રાજવી પરિવારની ધજારોહણ બાદ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે પહોંચી રહ્યાં છે. આ ખાસ દિવસે લોકો નિષ્કલંક મહાદેવના દર્શન પૂજન કરે છે. એવી માન્યતા છે કે, આજના દિવસે પાંડવો સમુદ્રીસ્નાન કરીને નિષ્કલંક બન્યા હતા. તેમજ પોતાના પિતૃના મોક્ષ માટે પિતૃતર્પણ કર્યું હતું. તેથી આ જગ્યાનું મહત્વ ખાસ છે.
આ દિવસે ભાવનગર જિલ્લાના કોળિયાક નજીક આવેલા નિષ્કલંક મહાદેવના દર્શન કરવા માટે લાખો શ્રદ્ધાળુ ઉમટી પડતા હોય છે. કોળીયાકના દરિયામાં ભાદરવી અમાસના સ્નાનનું અનેરું મહત્વ છે. આ સ્થળનો ઈતિહાસ મહાભારત સાથે જોડાયેલો છે.