)
Surat News પ્રશાંત ઢીવરે/સુરત : સુરતના ગૌરવપથ વિસ્તારમાં RTO ઈન્સ્પેક્ટર તુષાર બારૈયા ઉપર જીવલેણ હુમલો કરીને જાનથી મારી નાખવાની ધમકી આપવાના મામલે પાલ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને બે યુવકોની ધરપકડ કરી છે. વાહન નજીકથી ચલાવવા બાબતે થયેલી નજીવી માથાકૂટમાં આ યુવકોએ ઈન્સ્પેક્ટરને માર મારીને પોલીસને પડકાર ફેંક્યો હતો
શહેરના ગૌરવપથ પર આવેલ બન હાઉસ કાફેમાં નાસ્તો કર્યા બાદ RTO ઈન્સ્પેક્ટર તુષાર બારૈયા પોતાની કારમાં પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન મોપેડ પર આવેલા બે યુવાનોએ તેમની કાર પાસેથી જોખમી રીતે ‘કટ’ મારીને વાહન ચલાવ્યું હતું. આ બાબતે RTO ઈન્સ્પેક્ટરે તેમને ઠપકો આપતા બંને યુવાનો ઉશ્કેરાઈ ગયા હતા અને માથાકૂટ શરૂ કરી હતી.
ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં આ યુવકોએ તુષાર બારૈયાને બેફામ માર માર્યો હતો અને કારમાં પણ તોડફોડ કરી હતી. હુમલો કર્યા બાદ તેમણે ઈન્સ્પેક્ટરને ગંભીર ધમકી આપી હતી કેસ "તુમ દુબારા યહાં દિખેગે તો ગાડી કે સાથ જલા દેંગે." વળી, કાયદાનો કોઈ ડર ન હોય તેમ ખુલ્લેઆમ પોલીસને પડકારતા કહ્યું હતું કે: "પોલીસ હમારા ક્યા બિગાડ લેગી"
આ સનસનાટીભર્યા બનાવની જાણ થતાં જ પાલ પોલીસે તુરંત કાર્યવાહી હાથ ધરી હતી અને બંને હુમલાખોરોની ધરપકડ કરી લીધી હતી.આરોપી પ્રેમ સંજયભાઈ ગાયકવાડ હોટલ મેનેજમેન્ટનો અભ્યાસ કરે છે.સોમિલ વિજયભાઈ ગાયકવાડ કોલેજમાં અભ્યાસ કરે છે પોલીસ તપાસમાં બહાર આવ્યું કે બંને આરોપીઓ મહારાષ્ટ્રના મુંબઈના રહેવાસી છે.
પોલીસે બંને સામે કાયદેસરની કાર્યવાહી કરીને તેમને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે તેવું એસીપી દીપ વકીલે જણાવ્યું.