)
રવિ અગ્રવાલ/વડોદરા: વડોદરામાં બે દિવસથી વરસાદ બંધ છે, પરંતુ ઉંડેરા ગામના કેટલોક વિસ્તાર પાણીમાં આજે પણ ગરકાવ છે. ઉંડેરા ગામનો કોર્પોરેશનમાં સમાવેશ થયો, પરંતુ સમસ્યાનો ઉકેલ નથી આવ્યો, જેથી લોકો કેડ સમા પાણીમાં રહેવા મજબૂર બન્યા છે.
વડોદરાના ઉંડેરા ગામનું તળાવ ફાટ્યું છે, જેના કારણે ઊંડેરા આવાસ અને નવી નગરી વિસ્તાર 4 દિવસથી પાણીમાં ગરકાવ થયો છે, છેલ્લા 4 દિવસથી લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે, 2 હજાર લોકો પાણી વચ્ચે રહેવા મજબૂર છે, લોકોને રોગચાળો થવાનો ભય છે, સાથે જ અનાજ પાણી બગડી ગયું હોવાથી લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે.
ઉંડેરા ગામ 7 વર્ષથી કોર્પોરેશનમાં સમાવી લેવામાં આવ્યું, ત્યારથી ગામની સમસ્યા હલ થવાના બદલે વધી છે, ગ્રામ પંચાયત હતી ત્યારે રિફાઇનરીમાંથી આવતી વરસાદી કાંસને નિયમિત સાફ કરવામાં આવતી હતી, જોકે કોર્પોરેશને ઉનાળામાં વરસાદી કાંસ સાફ ના કરતા તળાવ ઓવર ફલો થયું છે અને લોકો મુશ્કેલીમાં મુકાયા છે, 4 દિવસથી ઘરોમાં પાણી હોવા છતા વોટ લેવા ઘરે ઘરે ફરતા ધારાસભ્ય કે કોર્પોરેટરો જોવા પણ આવ્યા નથી કે લોકોની હાલત શું છે.
ઉનાળામાં વરસાદી કાંસની સફાઈ ના કરનાર કોર્પોરેશનના અધિકારીઓ 4 દિવસે પણ લોકોને મદદ કરી શક્યા નથી, તંત્રની બેદરકારીનો ભોગ લોકો બન્યા છે અને 4-4 દિવસ પાણીમાં રહેવા મજબૂર બન્યા છે, ત્યારે પાણીનો નિકાલ ક્યારે આવશે તે સૌથી મોટો પ્રશ્ન બન્યો છે.