)
સમગ્ર ગુજરાતમાં માવઠાએ હાહાકાર મચાવ્યો છે. ખેડૂતોના સપનાઓ અને મહેનત પર પાણી ફરી વળ્યું છે. ત્યારે અમદાવાદ જિલ્લાના જેતપુર ગામની વાત કરીએ તો, ભારે વરસાદના કારણે ખેતરોમાં પાણી ફરી વળતા મહામહેનતે ઉગાડેલો પાક હવે નિષ્ફળ ગયો છે. ખેડૂતની આંખોમાં હવે ફક્ત નિરાશા અને આંસુ છે.
માવઠાએ ખેડૂતોની આશાઓ પર પાણી ફેરવ્યું
જેતપુરના અંકિત પટેલે અઢી વિઘા જમીનમાં 20 હજારની લોન લઈને ડાંગરની ખેતી કરી હતી. આશા હતી કે આ વખતે પાક સારો આવશે. પરંતુ કુદરતે એવો પ્રહાર કર્યો કે, આખી મહેનત પાણીમાં વહી ગઈ. ઘરમાં ખાઈ શકાય એટલો પણ પાક બચ્યો નથી. ચાર સભ્યોના પરિવારનો એકમાત્ર સહારો અંકિત પટેલ હવે સરકારની સહાયની રાહ જોઈ રહ્યા છે.
એક વિઘા જમીનમાં 15થી 20 હજારનું નુકસાન
માવઠાનો આ જ કહેર પોરબંદર સુધી પહોંચી ગયો છે. અહીં પણ ખેતરોમાં ફક્ત પાણી જ પાણી છે. પાકનું નામો નિશાન નથી. એક વિઘા જમીનમાં 15થી 20 હજારનું નુકસાન થયું છે અને જો સહાય સમયસર ન મળે તો ખેડૂતો માટે રવિ પાકની વાવણી પણ અશક્ય બની જશે.
અન્નદાતા મદદ માટે હાથ લંબાવી રહ્યો છે. તનતોડ મહેનતના બદલામાં ફક્ત નિરાશા અને નુકસાન મળ્યું છે, ત્યારે હવે સવાલ એ છે કે, શું સરકાર તાત્કાલિક સર્વે કરીને વળતર આપશે કે પછી ફરી ખેડૂતોની પીડા બિનસુનાઈ રહી જશે ?
સહાય નહીં પણ સરકાર પાક ધિરાણ માફ કરે
સરકાર સહાયની વાત કરે છે, જાતભાતની યોજનાઓ લાવે છે પણ ખેડૂત સુધી કદાચ પહોંચતી હોય તેમ લાગતું નથી. હવે જગતનો તાત એક જ આશા રાખી રહ્યો છે કે સહાય નહીં પણ સરકાર પાક ધિરાણ માફ કરે. આજે એ તાતની દશા કપરી થઈ ગઈ છે. કુદરત એવો રૂઠ્યો કે બધુ જ તહેસનહેસ કરી નાંખ્યું છે. હવે ખેડૂત અને ખેતીને બચાવવી સરકારના હાથમાં છે.