)
હવામાન વિભાગની આગાહી મુજબ, અમદાવાદના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. મોડી સાંજે અમદાવાદ અને ગાંધીનગરના વિસ્તારોમાં કમોસમી વરસાદ નોંધાયો હતો. શહેરમાં વાદળછાયા વાતાવરણ સાથે વરસાદી માહોલ જામ્યો છે.
શહેરના એરપોર્ટ વિસ્તાર, નારાયણી હોટેલ વિસ્તાર તેમજ ગાંધીનગરના કોબા અને સરગાસણ સહિતના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું અને ત્યારબાદ પવન સાથે વરસાદી ઝાપટું પડ્યું છે. હવામાનમાં આ અચાનક આવેલા ફેરફારને કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા હતા.
સાંજે અચાનક વાદળો ઘેરાયા અને ત્યારબાદ વરસાદી ઝાપટું પડતાં રસ્તાઓ પાણી પાણી થયા હતા. એરપોર્ટ અને કોબા વિસ્તારમાં વીજળીના કડાકા સાથે વરસાદી માહોલ જામ્યો છે. તો નારાયણી હોટેલ વિસ્તારમાં પણ વરસાદ પડતાં વાતાવરણ વધુ ઠંડુ બન્યું હતું.
ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા
હવામાન વિભાગ મુજબ, ઉત્તર ગુજરાત તથા મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટાં પડી શકે છે. હાલમાં રાજ્યના ઉત્તર ભાગમાં હવાના દબાણમાં ફેરફાર તેમજ અરબી સમુદ્ર તરફથી ભેજવાળા પવનના પ્રવાહને કારણે કમોસમી વરસાદ પડી રહ્યો છે.
આ કમોસમી વરસાદથી ખેડૂતો સૌથી વધુ મુશ્કેલીમાં મુકાયા છે. રવી પાકની તૈયારી શરૂ કરી રહેલા ખેડૂતો માટે અચાનક વરસાદ મુશ્કેલી ઊભી કરી શકે છે. કેટલાક વિસ્તારમાં જમીનમાં ભેજ વધતા પાકના વાવેતરમાં વિલંબની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.