ગુજરાતમાં અહીં આંઘી, વંટોળ અને માવઠાએ ખેડુતોની કરી દુર્દશા! આ પાકનો સોથ વળી ગયો, ભારે તારાજી

ભાવનગર જિલ્લામાં વગર ચોમાસે કમોસમી વરસાદ થયો હતો, તેમજ 60 થી 70 કિમિ. ની ઝડપે મીની વાવાઝોડું ફૂંકાયુ હતું, ભારે પવન ફૂંકાવાના કારણે બાગાયતી પાકમાં આંબા અને લીંબુમાં ફળ ખરી પડ્યા હતા, તેમજ કેળના પાકમાં પણ સૌથી ખરાબ પરિસ્થિતિ બની છે. 

 ગુજરાતમાં અહીં આંઘી, વંટોળ અને માવઠાએ ખેડુતોની કરી દુર્દશા! આ પાકનો સોથ વળી ગયો, ભારે તારાજી

નવનીત દલવાડી/ભાવનગર: ભાવનગરમાં મીની વાવાઝોડા સાથે ભારે પવન ફૂંકાતા ખેડૂતોના બાગાયતી પાકમાં સૌથી વધારે નુકસાન પહોંચ્યું છે. વાવાઝોડાના કારણે કેળના વૃક્ષોનો શૉથ વળી ગયો છે. ભારે પવન ફૂંકાવાના કારણે કેળના સેંકડો વૃક્ષો જમીન ઉપર ઢળી પડતા ખેડૂતોના મૉમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. ખેડૂતો મહા મહેનતે દેવું કરીને વાવેતર કરતા હોય છે. ત્યારે સિઝન વગર પડેલા કોમોસમી માવઠાના મારથી ખેડૂતો પાયમાલ થઈ ગયા છે. નુકસાનને લઈને ખેડૂતોની નજર સરકાર પર મડાઈ છે. ત્યારે યોગ્ય સર્વે કરવામાં આવે તો ખેડૂતોને મહદ અંશે રાહત મળી શકે તેમ છે. 

હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી, જેના પગલે સમગ્ર ગુજરાતની સાથે ભાવનગર જિલ્લામાં પણ ગાજવીજ અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ થયો હતો, ભરઉનાળે વરસેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોના ઉનાળુ પાકમાં વ્યાપક નુકસાન પહોંચ્યું છે. જેમાં બાગાયતી પાકમાં પણ સૌથી મોટું નુકસાન પહોંચ્યું છે. 

તાજેતરમાં જ સરકારના ડિઝાસ્ટર વિભાગ દ્વારા જે આંકડા જાહેર કરવામાં આવ્યા છે તેમાં ભાવનગરનો મહુવા તાલુકો સૌથી વધુ અસરગ્રસ્ત છે. મહુવા તાલુકામાં 24 કલાકની અંદર સાત ઇંચ વરસાદ થયો હતો, જેના કારણે ખેડૂતોને નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો, આ સિવાય ભાવનગર જિલ્લાના તળાજા, ઘોઘા, જેસર, પાલીતાણા અને ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં આવતા ગામોમાં પણ 10 કલાકમાં ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો હતો, જેના કારણે ખેડૂતોને તલ, કેળ, કેરી, લીંબુ સહિતના પાકમાં મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. ભાવનગરના અમુક વિસ્તારોમાં તો વરસાદની સાથે મોટા મોટા કરા પણ પડ્યા હતા, જેના કારણે કેરી અને લીંબુના ફળ બગડી ગયા છે. બાગાયતી પાકમાં ખેડૂતોને સૌથી વધારે ખર્ચો થતો હોય છે અને ત્રણ ચાર વર્ષની મહેનત બાદ વાવેતરનું ફળ મળતું હોય છે. 

ભાવનગર નજીકના વાળુકડ, બુધેલ, ભંડારીયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવનના કારણે કેળના વૃક્ષ ઉખડીને જમીન દોસ્ત થઈ ગયા હતા, જેને બચાવવા ખેડૂતોને લાખો રૂપિયા ખર્ચ કરવો પડ્યો છે. કેળને બચાવવા ખેડૂતોએ ટેકા મુકવાની ફરજ પડી હતી, ત્યારે કહી શકાય કે વૈશાખ મહિનાનું માવઠું ખેડૂતો માટે બરબાદીનું માવઠું સાબિત થયું છે. ખેડૂતોએ કરેલી મહેનત પાણીમાં ગઈ છે. જેના કારણે ખેડૂતોની સ્થિતિ પડ્યા પર પાટુ જેવી થઈ છે. ત્યારે આ પરિસ્થિતિ માંથી બહાર લાવવા ખેડૂતોએ સરકાર તરફ આશાની મિટ માંડી છે. 

ભાવનગર જિલ્લામાં 5580 હેક્ટર આંબાની ખેતી, 6637 હેક્ટરમાં લીંબુનું વાવેતર તેમજ 1292 હેક્ટરમાં કેળનું વાવેતર કરવામાં આવ્યું છે. ત્યારે ભાવનગરના બાગાયત વિભાગના અધિકારી સાથે ટેલિફોનિક વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે કમોસમી વરસાદના કારણે જે નુકસાન થયું છે તે અંગે સરકારમાં લેખિત જાણ કરાઈ છે. સરકારની સૂચના બાદ અસરગ્રસ્ત વિસ્તારોમાં બાગાયતી અને ખેતીવાડી વિભાગ દ્વારા સર્વે કરી અને રાજ્ય સરકારમાં મોકલવામાં આવશે. જે બાદ નુકશાન સહાય માટે સરકારની સૂચના અનુસાર કામગીરી હાથ ધરવામાં આવશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news