Rathyatra : સોમવારે અમદાવાદના આ 8 વિસ્તારોમાં કરફ્યૂ લગાવાયો, પોલીસે બહાર પાડ્યું જાહેરનામુ

Rathyatra : સોમવારે અમદાવાદના આ 8 વિસ્તારોમાં કરફ્યૂ લગાવાયો, પોલીસે બહાર પાડ્યું જાહેરનામુ
  • રથયાત્રાના રુટ પર ખાનગી વાહનોનું પાર્કિંગ નહિ થઈ શકે
  • રથયાત્રાના રુટમાં આવતા 8 પોલીસ સ્ટેશનનો વિસ્તાર કરફ્યૂમાં સામેલ કરાયો
  • વાહનો માટે વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ કરવા જાહેરનામામાં જણાવાયુ

ઝી મીડિયા/બ્યૂરો :અષાઢી બીજના દિવસે અમદાવાદ (Ahmedabad) માં 144 મી રથયાત્રા નીકળશે. કોરોનાની બીજી લહેરને કારણે આ વર્ષે રથયાત્રા (rathyatra) માટે કરફ્યૂ લગાવવામાં આવ્યો છે. સાથે જ કોરોનાને ધ્યાનમાં રાખીને આ રથયાત્રા નિયત સમયમાં જ પૂરી કરી દેવાશે. રથયાત્રા 5થી 6 કલાકમાં પૂરી કરાશે તે રીતે પ્લાનિંગ કરાયું છે. રથ મંદિરથી નીકળીને કેટલા સમયમાં મંદિરમાં પરત ફરવો જોઈએ તે વિશે સઘન આયોજન કરાયું છે. તે મુજબ રથ ખેંચનારા ખલાસીઓને સૂચના આપી દેવાઈ છે. 

8 પોલીસ સ્ટેશનનો વિસ્તાર કરફ્યૂ
તો બીજ તરફ, રથયાત્રાને પગલે પોલીસ કમિશનર દ્વારા બે જાહેરનામા બહાર પાડવામાં આવ્યા છે. રૂટ ડાયવર્ઝન અને નો પાર્કિંગ એવા બે અલગ અલગ જાહેરનામા બહાર પાડવામાં આવ્યા છે. રથયાત્રાના રુટ પર ખાનગી વાહનોનું પાર્કિંગ નહિ થઈ શકે. રથયાત્રાના રુટમાં આવતા 8 પોલીસ સ્ટેશનનો વિસ્તાર કરફ્યૂમાં સામેલ કરાયો છે. આ કરફ્યૂ વાળા (curfew) વિસ્તારમાં વાહનોના અવરજવર પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકાયો છે. વાહનો માટે વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ કરવા જાહેરનામામાં જણાવાયુ છે. સાથે જ કયા રસ્તાઓનો ઉપયોગ કરી શકાય તે પણ જણાવ્યુ છે. 

આ વિસ્તારોમાં લાગુ પડશે કરફ્યૂ
રથયાત્રા નિમિત્તે ગાયકવાડ હવેલી, ખાડીયા, કાલુપુર, શહેરકોટડા, માધુપુરા, દરીયાપુર, શાહપુર તથા કારંજ પોલીસ સ્ટેશન હદ વિસ્તાર કરફ્યુગ્રસ્ત જાહેર કરાયો છે. જ્યાં તમામ પ્રકારના વાહનોના અવરજવર પર પ્રતિબંધ રહેશે. તેમજ સરદાર બ્રિજથી ફુલબજારથી જમાલપુર ચાર રસ્તા, એસટી સર્કલ, આસ્ટોડિયા દરવાજા, સારંગપુર સર્કલ, પોટલીયા ચાર રસ્તા, નિર્મલપુરા ચાર રસ્તા, મેમ્કો ચાર રસ્તા, અમદુપુરા બ્રિજ નીચે ત્રણ રસ્તા, ઈદગાહ સર્કલ, પ્રેમ દરવાજા, દિલ્હી દરવાજા, રાહત સર્કલ, ગાંધીબ્રિજ શંકરભુવન ઢાળ ટી, નહેરુબ્રિજ  રૂપાલી સિનેમા ત્રણ રસ્તા, એલિસબ્રિજ વિક્ટોરિયા ગાર્ડનથી ઉપર જણાવેલ પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં પ્રવેશ કરી નહિ શકાશે. 

તો આ વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ કરવો

  • નરોડાથી મેમ્કો તરફથી આવતા વાહનો મેમ્કો ચાર રસ્તાથી ડાબી બાજુ વળી બાપુનગર રખિયાલ અમરાઈવાડી તરફના રોડ થઈ અવરજવર કરી શકાશે.
  • સોનીની ચાલી તરફથી આવતા વાહનો રખિયાલ ચાર રસ્તાથી જમણી બાજુ વળી મેમ્કો તરફ તથા ડાબી બાજુ વળી ગોમતીપુર મણીગર દાણીલીમડા તરફ જઈ શકાશે.
  • નારોલ તરફથી આવતા વાહનો દાણીલીમડા થઈ આંબેડકર બ્રિજ થઈ આશ્રમ રોડ તરફ અવરજવર કરી શકાશે.
  • આશ્રમ રોડ તરફના વાહનો પશ્ચિમના રિવરફ્રન્ટ રોડનો ઉપયોગ કરી સુભાષબ્રિજ સર્કલ કથઈ શિલાલેખ ચાર રસ્તા થઈ શાહીબીગા ડફનાળા એરપોર્ટ તરફ અવરજવર કરી શકાશે. તથા પશ્ચિમના રીવરફ્રન્ટ રોડનો ઉપયોગ આંબેડકર બ્રિજ થઈ દાણીલીમડા ગોમતીપુર મણીનગર તરફ અવરજવર કરી શકાશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news