વડોદરા દિપેન પટેલ હત્યા કેસ; પ્રેમમાં આડે આવતા મિત્રના મોઢા પર મરચું નાખીને ગળે કટર ફેરવી હત્યા કરી..

વડોદરા શહેરના દરજીપુરાના આરટીઓની નંબર પ્લેટ લગાવવાના કોન્ટ્રાક્ટર દીપેન પટેલની ગુમ થયા બાદ પાંચમાં દિવસે 70 કિમી દૂર કાલોલ કનેટિયાની નર્મદા કેનાલમાંથી લાશ મળી હતી.
 

વડોદરા દિપેન પટેલ હત્યા કેસ; પ્રેમમાં આડે આવતા મિત્રના મોઢા પર મરચું નાખીને ગળે કટર ફેરવી હત્યા કરી..

Vadodara News: વડોદરાના દરજીપુરા વિસ્તારમાં રહેતા આરટીઓ કોન્ટ્રાક્ટર દીપેન પટેલની હત્યાના કેસે શહેરમાં ચકચાર જગાવી છે. ક્રાઈમ બ્રાન્ચના એસીપી હરપાલસિંહ રાઠોડે જણાવ્યું કે, દીપેનની હત્યા તેના જ મિત્ર હાર્દિક પ્રજાપતિએ કરી હતી, જે દીપેનના બાજુવાળા ઘરમાં ભાડે રહેતો હતો અને આરટીઓ એજન્ટ તરીકે કામ કરતો હતો.  

પોલીસ તપાસમાં સામે આવ્યું કે, દરજીપુરા ગામની સગીર છોકરીને આરોપી હાર્દિકના પ્રેમજાળમાં ફસાવતા બચાવવાની સજા દીપેનને મળી હતી, આ બાબતે ખુન્નસ રાખી, હાર્દિકે દીપેનને માર્ગમાંથી હટાવવાનું નક્કી કર્યું. તેણે એક મહિના પહેલાથી હત્યાની તૈયારી શરૂ કરી અને મરચાની ભૂકી તેમજ ધારધાર કટર ખરીદી રાખ્યા હતા. હત્યાના દિવસે હાર્દિકે દીપેનને કારમાં લિફ્ટ આપવાના બહાને બોલાવ્યો હતો. રસ્તામાં તેણે દીપેનના આંખોમાં મરચાની ભૂકી નાખી બેભાન કર્યો અને કટરથી ઘા મારી તેની હત્યા કરી. હત્યા બાદ હાર્દિકે દીપેનના મૃતદેહને કાલોલ નજીક નર્મદા કેનાલમાં ફેંકી દીધો, જ્યારે દીપેનની કારને પોતાના મિત્રના ઘરે મૂકી દીધી.  

ચોંકાવનારી વાત એ છે કે, હાર્દિકે પોતાનો ગુનો છુપાવવા દીપેનની ગુમશુદગીની શોધખોળમાં પોલીસ અને પરિવાર સાથે સામેલ થયો હતો. બે દિવસ બાદ તેણે દીપેનની કારને મહીસાગર નદીમાં અકસ્માતનો દેખાવ આપી ખપાવી દીધી. પોલીસને આ કાર બિનવારસી હાલતમાં મળી આવી, જેના આધારે તપાસ આગળ વધી. ક્રાઈમ બ્રાન્ચે સીસીટીવી ફૂટેજ, કોલ ડિટેઇલ્સ અને ટેકનિકલ સોર્સના આધારે હાર્દિક પર શંકા રાખી. સઘન પૂછપરછ દરમિયાન હાર્દિકે આખરે ગુનો કબૂલી લીધો. પોલીસે તેની ધરપકડ કરી અને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની પ્રક્રિયા શરૂ કરી.  

એસીપી હરપાલસિંહ રાઠોડે જણાવ્યું કે, “હાર્દિકે ખૂબ જ ચાલાકીથી હત્યાનું કાવતરું ઘડ્યું હતું, પરંતુ પોલીસની ઝીણવટભરી તપાસે તેનો ભાંડો ફોડી નાખ્યો. આ કેસમાં આરોપીની ધરપકડ થઈ છે અને વધુ તપાસ ચાલુ છે.” આ ઘટનાએ મિત્રતા અને વિશ્વાસના નામે થતા ગુનાઓ સામે ચેતવણીરૂપ ઉદાહરણ પૂરું પાડ્યું છે. દીપેનના પરિવાર અને સ્થાનિક સમાજમાં આ ઘટનાએ આઘાત અને શોકનું મોજું ફેલાવ્યું છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news