)
Vadodara MLA : વડોદરામાં ધારાસભ્યોનું અધિકારીઓ ના માનતા હોવાનો મામલો હવે તૂલ પકડી રહ્યો છે. સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે કલેક્ટરની સંકલન બેઠકમાં ન જવા નિર્ણય લીધો છે. સંકલન બેઠકમાં ચર્ચાયેલા પ્રશ્નોનો ઉકેલ ના આવતો હોવાનો આક્ષેપ તેઓએ લગાવ્યો છે.
દર ત્રીજા શનિવારે અધિકારીઓ, ધારાસભ્યો અને સાંસદોની સંકલન બેઠક મળતી હોય છે. ઉલ્લેખનીય છે કે, વડોદરાના પાંચ ધારાસભ્યો એક સપ્તાહ પહેલા મુખ્યામંત્રીને પત્ર આપીને રજૂઆત કરી હતી કે, તેઓના કામ મામલે અધિકારીઓ સાંભળતા નથી. ત્યારે આ મામલે હજુ સુધી કોઈ કાર્યવાહી ના થઈ હોવાનો કેતન ઈનામદારનું કહેવું છે. તેથી કેતન ઈનામદારે સંકલન બેઠક હાજરી ન આપવાનો નિર્ણય લીધો છે.
કયા ધારાસભ્યોએ કરી ફરિયાદ?
વડોદરાના પાંચ મજબૂત ધારાસભ્યોએ આ પત્ર પર સહી કરીને અધિકારીઓની કાર્યશૈલી પર સવાલો ઉઠાવ્યા હતા. જેમાં કેતન ઈનામદાર (સાવલી), શૈલેષ મહેતા - સોટા (ડભોઈ), ધર્મેન્દ્રસિંહ ઝાલા (વાઘોડિયા), અક્ષય પટેલ (કરજણ). ચૈતન્યસિંહ ઝાલા (પાદરા) સામેલ છે.
અન્ય ધારાસભ્યો પણ નહિ જાય
તો બીજી તરફ, કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ, પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા પણ સંકલન બેઠકમાં ગેરહાજર જોવા મળ્યા.
આ વિશે વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ કહ્યું કે, સંકલન બેઠકમાં અમારા કામોની રજૂઆત કરીશું. કેતનભાઈ બેઠકમાં નહીં આવે તેવી મારી તેમની સાથે કોઈ વાત નથી થઈ. વાઘોડિયામાં ડ્રગ્સનું દૂષણ છે કે નહીં તેની મારા પાસે જાણકારી નથી. શૈલેષભાઈએ વાત કરી હોય તો તેના પર ગંભીરતાથી વિચારીને કાર્યવાહી થવી જોઈએ.
તો સયાજીગંજ બેઠકના ધારાસભ્ય કેયુર રોકડિયાએ કહ્યું કે, સંકલન બેઠકમાં સૂચવેલા કામ વહેલા મોડા થાય છે ખરા. કલેક્ટર અને ધારાસભ્ય બધા એક જ છે, કોઈ અલગ નથી. વડોદરા નહીં આખા રાજ્યમાં ડ્રગ્સનું દૂષણ નથી. અમારી સરકાર ડ્રગ્સના દૂષણને ડામી રહી છે. સમુદ્ર મારફતે ડ્રગ્સ ઘુસાડનાર માફિયાઓ આજે થરથર કાપે છે.
ધારાસભ્યોએ પત્રમાં શું લખ્યું...
આદરણીય શ્રી, વંદે માતરમ્ સહ જણાવવાનું કે હાલ રાજ્યમાં ઠેર ઠેર વહીવટી તંત્રનો વહીવટ ખોરંભે ચડ્યો છે. પ્રજાન કામ જાણે તંત્રના કામ જાણે આ તંત્રના કાન સુધી પહોંચતા જ નથી. એક સામાન્ય માણસને પોતાનું નાનું કામ સરકારી કચેરીમાંથી કરાવવું એ જાણે એક યુદ્ધ લડવું બની ગયું છે. રાજ્યના તમામ મોટા અધિકારીઓથી લઈ તમામ નાના અધિકારીઓ પોતાની ખરાબ મનસ્વીતા દર્શાવતા થઈ ગયેલ છે. અધિકારીઓ (કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, પોલીસ અધિક્ષક, પોલીસ કમિશનર તથા અન્ય વગેરે) પોતાને ગમતી સારી કચેરી બનાવી તેમાં સરકારના સચિવ સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જમીની હકીકત, પ્રજાના પ્રશ્નો, ભૌગોલિક પરિસ્થિતિને જોયા જાણ્યા વગર ગુલાબી ચિત્ર બતાવવામાં આવે છે, સરકારશ્રીને હકીકતોથી દૂર રાખવામાં આવે છે. પ્રજા અને જનપ્રતિનિધિથી પણ ઉપ્પર પોતાને જ સરકાર સમજી અંધાધુન વહીવટ ચલાવવામાં આવી રહ્યો છ જેનાથી સરકારની છબી ખરડાઈ રહી છે. ધારાસભ્ય દ્વારા સૂચવવામાં આવેલા કાર્યો કરવામાં આવતા નથી, ઉપરથી અધિકારીઓ દ્વારા પ્રજાને કહેવામાં આવે છે કે તમે ધારાસભ્યની મદદ કેમ માગી? આ પ્રમાણેની ખરાબ માનસિકતા એ સુચારૂ રૂપથી વહીવટી તંત્ર ચલાવવા યોગ્ય નથી. અમો વડોદરા જિલ્લાના ધારાસભ્યોએ અગાઉ પણ આ પ્રમાણેની મૌખિક રજૂઆત કરી હતી અને હવે વિનંતી કરી રહ્યા છે કે ખરાબ મનસ્વીતા ધરાવતા અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપવામાં આવે કે જનપ્રતિનિધિઓ દ્વારા સૂચવાયેલ પ્રજાના કામોને પ્રાધાન્યતા આપી પ્રજાલક્ષી અને પ્રજાના હિતમાં નિર્ણય લેવાાં આવે સાથે જ જરૂરી સામે કડક પગલાં લેવામાં આવે.