તોડી નાખવામાં આવશે વડોદરાની ફેમસ કડકબજાર? થયો છે મોટો હોબાળો

મામલામાં કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનરે સત્તાધીશો અને વિપક્ષને અંધારામાં રાખતા મોટો વિવાદ થયો છે

Updated By: Dec 30, 2017, 01:41 PM IST
તોડી નાખવામાં આવશે વડોદરાની ફેમસ કડકબજાર? થયો છે મોટો હોબાળો

વડોદરા : વડોદરા કોર્પોરેશન દ્વારા સ્માર્ટ સિટી અંતર્ગત વડોદરાના 60 વર્ષ જુના અને સૌથી મોટા કડકબજાર માર્કેટને તોડવા માટે કવાયત હાથ ધરવામાં આવતા વેપારીઓએ વિરોધ કર્યો છે. સમગ્ર મામલામાં કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનરે સત્તાધીશો અને વિપક્ષને અંધારામાં રાખતા મોટો વિવાદ થયો છે.

વડોદરા રેલવે સ્ટેશનની બાજૂમાં આવેલા કડકબજાર માર્કેટમાં હજારો વેપારીઓ છેલ્લા 60 વર્ષોથી પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે. વડોદરાને સ્માર્ટ સિટી બનાવવા માટે મ્યુનિસિપલ કમિશનરે બારોબાર કડકબજાર માર્કેટને તોડી મલ્ટીલેવલ પાર્કિગ તેમજ મોલ બનાવવાની જાહેરાત કરી છે. આ સંજોગોમાં વેપારીઓને નોટિસ પાઠવી કડકબજાર માર્કેટને તોડના સૂચના આપી હોવાની વાત વાયુવેગે ફેલાતા વેપારીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. જોકે વેપારીઓ પોતાને નોટિસ મળી ન હોવાનુ કહી રહ્યા છે સાથે જ તેમને વિશ્વાસમાં લઈ કામગીરી કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.

આ સમગ્ર મામલામાં નવાઈની વાત તો એ છે કે મ્યુનિસિપલ કમિશનરે શાસક અને વિપક્ષ બંનેને કડકબજાર માર્કેટ તોડવાની જાણ જ નથી કરી જેને લઈ શાસક અને વિપક્ષમાં રોષ જોવા મળી રહ્યો છે. કોર્પોરેશનના સ્થાયી સમીતીના ચેરમેને વેપારીઓને નોટિસ પાઠવી ન હોવાનુ કહ્યું છે તો સાથે જ મ્યુનિસિપલ કમિશનર સાથે સંકલન કરી વેપારીઓને વિશ્વાસમાં લીધા પછી જ કાર્યવાહી કરવાની ખાતરી આપી છે જયારે વિપક્ષ નેતાએ શાસક પક્ષને કઠપુતલી હોવાનુ કહી સામાન્ય સભાનો ફેંસલો અંતિમ હશે તેમ કહ્યું છે.