'તમારા વાહનની ફિટનેસ બરોબર હોય કે ના હોય', આ જિલ્લામાં મળી જાય છે ફિટનેસ સર્ટી!
Mehsana News: મહેસાણા જિલ્લામાં વાહન ટેસ્ટિંગનું કૌભાંડ સામે આવ્યું છે. જે વાહન ટેસ્ટિંગનો પરવાનો લેનારી એજન્સીએ કૌભાંડ આચર્યું હોવાનું જાણવા મળ્યું છે. જે એજન્સી વાહનોને અનફિટ કે ફિટ સર્ટિફિકેટ આપતી હતી.
Trending Photos
તેજસ દવે/મહેસાણા: તમારા વાહનની ફિટનેસ બરોબર હોય કે ના હોય, તમારું વાહન ફિટનેસ સેન્ટર પર હોય કે ના હોય, તમને ફિટનેસ સર્ટિ મળી જાય...? આ તો કેવો કમાલ ...? જી હા... આવો કમાલ મહેસાણાની વાહન ફિટનેસ ચેક કરતી એક કંપની એ કર્યો છે. અને આને કમાલ નહીં પણ કૌભાંડ કહેવાય... અને આ કૌભાંડ મામલે ફરિયાદ પણ નોંધાઈ છે. શુ છે સમગ્ર મામલો અને શું છે વાહન ફિટનેસ સર્ટિ કૌભાંડ.
તમારા કોમર્શિયલ નવા વાહન ને દર 2 વર્ષે ફિટનેસ ચેકઅપ કરાવવું પડે છે. અને કેટલાક કોમર્શિયલ વાહન ચાલકો આવા સર્ટિ બારોબાર મેળવી લેતા હોય છે. અને આવા સર્ટિ બનાવવા વાળા પણ વાહન હાજર હોય કે ના હોય સર્ટિ બનાવી દેતા હોય છે. આવી જ એક ફરિયાદ મહેસાણા આર ટી ઓ અધિકારીએ નોંધાવી છે. મહેસાણા તાલુકા પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ મહેસાણા બાયપાસ હાઈવે પર હેડુઆ રાજગર નજીક આવેલ નમન ઇલેક્ટ્રોનિક્સ ઓટોમેટેડ ટેસ્ટીગ સ્ટેશનના સંચાલક- સંજય પ્રવિણભાઇ રામાણી તા. ૦૨/૦૯/૨૦૨૩ થી તા.૨૧/૧૧/૨૦૨૩ દરમ્યાન આવા સર્ટિ ઇસ્યુ કરતા હતા. જ્યાં કોમર્શિયલ વાહન રૂબરૂ લાવવાની જરૂર જ પડતી નહીં અને ફિટનેસ સર્ટિ કાઢી આપવામાં આવતા હતા જે સમગ્ર મામલો મહેસાણા આરટીઓ ના ધ્યાને આવતા આ કૌભાંડ કરનાર ફિટનેસ સેન્ટર ના સંચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદ પર વિગતે નજર કરીએ તો.. તા. ૦૨/૦૯/૨૦૨૩ થી તા.૨૧/૧૧/૨૦૨૩ દરમ્યાન નમન ઇલેક્ટ્રોનિક્સ ઓટોમેટેડ ટેસ્ટીગ સ્ટેશનનો પરવાનો લેનાર સંચાલક- સંજય પ્રવિણભાઇ રામાણી તથા તેમાં કામ કરતા ઇસમોએ ‘નમન ઇલેક્ટ્રોનિક્સ ઓટોમેટેડ ટેસ્ટીગ સ્ટેશન, ન્યુ સર્વે બ્લોક નંબર-૧૫૫ જુનો સર્વે નંબર-૧૭, હેડુઆ રાજગર તા.જી.મહેસાણા વાહન ફિટનેસ ટેસ્ટિંગ સેન્ટર ચલાવતા હતા. જેઓ પોતાના અંગત આર્થિક ફાયદા સારૂ વાહનોની ભૌતિક ચકાસણી કર્યા સિવાય સરકારી રેકર્ડ સાથે ચેડા કરી કૂલ-૩૧૬ વાહનોના ફોટો મોર્ફ કરી વાહનની અનઉપસ્થિતિમાં વાહનની ઉપસ્થીતિ દર્શાવતા હતા.
આ અંગે બનાવટી ફોટા અપલોડ કરી બનાવટી ફોર્મ-૬૯ ના આધારે સરકારી રેકર્ડ ઉપર ખોટી રીતે ફીટનેશ વેલીડીટી વધારેલ અનફીટ વાહનોને ફીટ ઘોષિત કરી જાહેર માર્ગ તેમજ જાહેર જનતાના સલામતી માટે જોખમ ઉભુ કરતા હતા. અને સરકારી રેકર્ડે ખોટી રીતે અપડેટ કરી ગુનાહિત ગેરરીતી કરી આવશ્યક સરકારી રેકર્ડે ખોટી રીતે અપડેટ કરી સરકારી ફી અયોગ્ય રીતે લેતા સરકાર સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કર્યાનો ગુનો નોંધાયો છે.
કોમર્શિયલ વાહન ફિટનેસ સર્ટિ માટે નવા વાહન ને નિયમ મુજબ 8 વર્ષ સુધી દર 2 વર્ષે વાહન ફિટનેસ ચેક સર્ટિ લેવું પડે છે. અને 8 વર્ષ બાદ દર 1 વર્ષે સર્ટિ લેવું પડે છે. ત્યારે 15 વર્ષ બાદ દર 5 વર્ષે વાહન ટેસ્ટીંગ કરાવીને સર્ટિ લેવું પડે છે. જ્યારે અહીં રૂબરૂ ની જગ્યાએ ફોટો એડિટ કરી સર્ટિ આપી દેવાનું કૌભાંડ ચાલતું હતું
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે