)
Rajkot: ‘રંગીલું શહેર’ ગણાતા રાજકોટમાંથી આજે એક અત્યંત શરમજનક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. સોશિયલ મીડિયા પર એક વિકૃત વૃદ્ધનો વીડિયો વાયરલ થયો છે, જેમાં તે એક માસૂમ સગીરા સાથે જાહેરમાં અડપલાં કરતો જોવા મળી રહ્યો છે. આ વીડિયો સામે આવ્યા બાદ સમગ્ર શહેરમાં રોષની લાગણી ફેલાઈ છે અને લોકો આવા વિકૃત માનસ ધરાવતા શખ્સ સામે ફિટકાર વરસી રહ્યા છે.
શું છે સમગ્ર ઘટના?
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે, એક વયોવૃદ્ધ વ્યક્તિ રસ્તા પર જ એક સગીર બાળકી સાથે અશોભનીય હરકતો અને અડપલાં કરી રહ્યો છે. આ દ્રશ્યો કોઈ જાગૃત નાગરિકે કેમેરામાં કેદ કરી લીધા હતા. આ ઘટના રાજકોટના મવડી વિસ્તારની હોવાની પ્રબળ શક્યતા સેવાઈ રહી છે.
રાજકોટ શહેરને શર્મશાર કરતી ઘટના આવી સામે, વિકૃત વૃદ્ધે જાહેરમાં સગીરા સાથે કર્યા અડપલાં #gujarat #rajkot #news pic.twitter.com/i0PtWLYM57
— Zee 24 Kalak (@Zee24Kalak) December 20, 2025
પોલીસની કાર્યવાહી
વીડિયો વાયરલ થતા જ રાજકોટ પોલીસ હરકતમાં આવી છે. આ મામલે પ્રાપ્ત વિગતો અનુસાર માલવિયાનગર પોલીસ દ્વારા વીડિયોના આધારે તપાસનો ધમધમકાર શરૂ કરી દેવામાં આવ્યો છે. પોલીસ અત્યારે વીડિયો કયા લોકેશનનો છે અને વીડિયોમાં દેખાતો શખ્સ કોણ છે તેની ઓળખ મેળવવાના પ્રયાસો કરી રહી છે. સ્થાનિક સીસીટીવી ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આરોપી સુધી પહોંચવા ચક્રો ગતિમાન કર્યા છે.
વીડિયો વાયરલ થયા બાદ સમાજમાં રોષ
જાહેરમાં એક માસૂમ બાળકી સાથે આ પ્રકારનું કૃત્ય કરનાર વૃદ્ધ સામે લોકોમાં ભારે ગુસ્સો જોવા મળી રહ્યો છે. લોકો માંગ કરી રહ્યા છે કે આવા નરાધમો સામે કડકમાં કડક કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ જેથી સમાજમાં એક દાખલો બેસે. તમને જણાવી દઈએ કે Z 24 કલાક આ વાયરલ વીડિયોની સત્યતાની પુષ્ટિ કરતું નથી. પોલીસ તપાસ બાદ જ સમગ્ર હકીકત સ્પષ્ટ થશે.