)
દારૂબંધીની વાતો કરતા આપ નેતા દારૂ પીતા ઝડપાતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે, અમરેલીના બાબરામાં આમ આદમી પાર્ટીના કૌશિક ભરાડને પાલિકા પ્રમુખ અને કારોબારી ચેરમેને દારૂ પીતા એક દુકાનમાં ઝડપી પાડયા છે, સમગ્ર ઘટનાને લઈ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, પોલીસે સમગ્ર ઘટનામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
મળતી માહિતી પ્રમાણે, આ ઘટના બાબરાના કરિયાણા રોડ પર એક દુકાનમાં બની હતી. આ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કૌશિક ભરાડ દુકાનમાં બેસીને દારૂનું સેવન કરી રહ્યા છે. મહત્વની વાત એ છે કે તેઓ એવા સમયે દારૂ પીતા ઝડપાયા છે, જ્યારે તેઓ અગાઉ બાબરા નગરપાલિકા પર વિવિધ આક્ષેપો કરી રહ્યા હતા. જે વ્યક્તિ પોતે જ પાલિકા સામે ભ્રષ્ટાચાર અને અનિયમિતતાના આક્ષેપો કરતી હતી, તે જ વ્યક્તિ કાયદાનો ભંગ કરીને દારૂ પીતી જોવા મળી છે.
અમરેલીના બાબરામાં આમ આદમી પાર્ટીના પ્રમુખનો ભાજપના નેતાઓએ રેડ પાડી અને તે વીડિયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો છે. બાબરાના કરિયાણા રોડ પર દુકાનમાં દારૂ પીતા નેતાનો વીડિયો વાયરલ થતા પોલીસે પણ તપાસ શરૂ છે, બાબરા પાલિકા સામે આક્ષેપ કરનારા આપ પાર્ટીના પ્રમુખ ખુદ દારૂની મોજ માણતા હતા અને વાત ભાજપના નેતાને ખબર પડતા તેમણે રેડ કરી હતી. આ ઘટના બાદ આપના નેતા લાજવાને બદલે ગાજતા હોય તેવો વીડિયો વાયરલ થયો છે.
વીડિયોમાં પાલિકા પ્રમુખ પ્રવીણ કરકર અને તેમની ટીમ સ્થળ પર પહોંચીને કૌશિક ભરાડને દારૂ પીવા અંગે પ્રશ્નો પૂછી રહી છે. આ ઘટનાનો વીડિયો ઝડપથી વાયરલ થતાં રાજકીય ગલિયારામાં અને સામાન્ય જનતામાં પણ ચર્ચાનો વિષય બન્યો છે. આ વીડિયો બાબરામાં આમ આદમી પાર્ટીની છબીને પણ નુકસાન પહોંચાડી શકે છે. હાલ આ મામલે પોલીસ કાર્યવાહી કરવામાં આવી છે કે કેમ તે અંગે કોઈ સ્પષ્ટતા નથી.
આ વાતની માહિતી બાબરા પાલિકાના પ્રમુખ પ્રવીણ કરકર અને કારોબારી ચેરમેન અને પાલિકા સભ્યને મળી હતી. ત્યારબાદ તેઓ દુકાનમાં પહોંચ્યા હતો, જ્યાં આમ આદમી પાર્ટીના નેતા દારૂ પી રહ્યાં હતા. ભાજપના બે નેતાઓને જોતા આપના નેતા દારૂનો ગ્લાસ મૂકીને ભાગવા લાગ્યા હતા.