)
Patidar Anamat Andolan : આજે 25 ઓગસ્ટ, આજની તારીખ ગુજરાતના ઈતિહાસમાં પાટીદાર અનામત આંદોલન તરીકે અંકિત થઈ ગઈ છે. આજના જ દિવસે ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલનના પાયા નંખાયા હતા અને હાર્દિક પટેલ હીરો બનીને ઉભર્યા હતા. ત્યારે આજનો દિવસ અને આંદોલનના સંઘર્ષના દિવસોને યાદ કરીને હાર્દિક પટેલે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકી છે. જે હાલ ચર્ચા જગાવી રહી છે.
હાર્દિક પટેલની પોસ્ટ
આ દિવસે, ગુજરાતના ગરીબ અને આર્થિક રીતે નબળા પાટીદાર સમુદાય માટે સરકારી શિક્ષણ અને નોકરીઓમાં અનામત સુનિશ્ચિત કરવા માટે બધાના સમર્થનથી પાટીદાર આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું. લગભગ ત્રણ વર્ષના સંઘર્ષ અને બલિદાન પછી, ગુજરાતના પાટીદાર સમુદાયને જ નહીં પરંતુ અનામતના દાયરાની બહાર રહેતા લગભગ 30 સમુદાયોને બિન-અનામત કમિશન અને કોર્પોરેશનો મળ્યા, તેમજ મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના હેઠળ વાર્ષિક રૂ. 1000 કરોડની યોજના અને સરકારી નોકરીઓમાં વય મર્યાદામાં પણ પાંચ વર્ષનો વધારો કરવામાં આવ્યો.
आज ही के दिन गुजरात के गरीब और आर्थिक रूप से कमज़ोर पाटीदार समुदाय के लिए सरकारी शिक्षा और नौकरियों में आरक्षण सुनिश्चित करने हेतु सभी के सहयोग से पाटीदार आंदोलन शुरू किया गया था। लगभग तीन वर्षों के संघर्ष और बलिदान के बाद, न केवल गुजरात के पाटीदार समुदाय को बल्कि आरक्षण के दायरे… pic.twitter.com/RByH8gonN2
— Hardik Patel (@HardikPatel_) August 25, 2025
જાન્યુઆરી 2019 માં, વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોને કારણે, ભારતના ઇતિહાસમાં પહેલીવાર, ગુજરાત સહિત દેશભરમાં પાટીદાર, બ્રાહ્મણ, રાજપૂત સહિત 50 થી વધુ સમુદાયોને આર્થિક ધોરણે 10% અનામતનો લાભ મળ્યો.
લગભગ દરરોજ મને ફોન આવે છે કે હાર્દિકભાઈ, તમારા દ્વારા શરૂ કરાયેલા આંદોલનને કારણે અમલમાં મુકાયેલા અનામત અને યોજનાને કારણે મને નોકરી કે પ્રવેશ મળ્યો છે. આ લડાઈ સમાજના ગરીબ લોકો માટે હતી અને સફળ રહી.
આ ચળવળમાં ઘણા લોકોએ ઘણું ગુમાવ્યું છે, કેટલાકે પોતાના પરિવારના સભ્યો ગુમાવ્યા છે, જ્યારે મારા જેવા 20 યુવાનોએ પોતાના જીવનના ઘણા મહિનાઓ જેલમાં વિતાવ્યા છે, મારા સહિત ઘણા યુવાનો પર ઘણા કેસ નોંધાયા છે, પરંતુ એક કહેવત છે કે જો તમારે કંઈક મેળવવું હોય તો તમારે કંઈક ગુમાવવું પડે છે. હું જેલમાં ગયો તેનું મને બિલકુલ દુઃખ નથી, પરંતુ મને દુઃખ છે કે મેં સમાજના યુવાનો ગુમાવ્યા, પરંતુ આ ચળવળથી સમાજને જે લાભ મળ્યો તેનાથી પણ હું ખુશ છું.
આ ચળવળ સમગ્ર સમાજનું હતું અને ઇતિહાસ આ ચળવળને હંમેશા યાદ રાખશે.
હું પાટીદાર ક્રાંતિ દિવસ પર ગુજરાતના તમામ યુવા પાટીદારો અને પાટીદાર પરિવારોને હૃદયપૂર્વક અભિનંદન આપું છું અને શહીદ પાટીદાર યુવાનોને શ્રદ્ધાંજલિ આપું છું. હું દરેકને વિનંતી કરું છું કે આંદોલનમાંથી મળેલી યોજનાઓ અને કમિશનનો ચોક્કસ લાભ લે.
પાટીદાર આંદોલનના 10 વર્ષમાં શું બદલાયું
25 ઓગસ્ટ, 2015 આજથી બરાબર 10 વર્ષ પહેલાં અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં પાટીદારોની ઐતિહાસિક વિશાળ જનસભા મળી હતી. જેમાં વિશાળ મેદની એકઠી થઈ હતી. આ આંદોલનથી ગુજરાત સરકારના પાયા ડગમગી ગયા હતા. ને આનંદીબેને પદ ગુમાવ્યુ હતું. લાખો પાટીદારો રસ્તા પર ઉતરી આવ્યા હતા. તેમની એક જ માંગ હતી કે, અમને અનામત આપો. આ આંદોલનનો ચહેરો એટલે 21 વર્ષના તરવરિયા યુવાન હાર્દિક પટેલ. હાર્દિક પટેલે વર્ષો સુધી પાટીદાર અનામત આંદોલનની જ્વાળા પ્રગટાવી રાખી હતી. તેમણે જેલવાસ પણ ભોગવ્યો હતો. તો રાષ્ટ્રદ્રોહી પણ કહેવાયા હતા. આ આંદોલન દરમિયાન કેટલાક પાટીદાર યુવકોએ જીવ ગુમાવ્યો હતો. જોકે, 10 વર્ષ પહેલા સરકાર સામે લડનારા યુવા નેતા હવે એ જ સરકારના ધારાસભ્ય છે.
હાર્દિક પટેલની પોસ્ટ પર ચર્ચા
હવે વાત હાર્દિક પટેલના પોસ્ટની કરીએ તો, આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવવાના છે. તો યોગાનુયોગ પાટીદાર અનામત આંદોલનના પણ આજે જ 10 વર્ષ પૂરા થઈ રહ્યાં છે. આવામાં સોશિયલ મીડિયા પર પીએમ મોદીના આજના દિવસે આગમન પર ભારે ચર્ચા થઈ રહી છે. તો બીજી તરફ, હાર્દિક પટેલે અચાનક પોતાને હીરો ગણાવતી પોસ્ટ મૂકતા હવે આગમાં તણખલું પડ્યુ હોય તેવો ઘાટ સર્જાયો છે.