)
Visavadar News: રાજ્ય સરકારે ખેડૂતો માટે જાહેર કરેલા સહાય પેકેજને લઈને વિસાવદરમાં રાજકારણ ગરમાયું છે. અહીંના સ્થાનિક નેતાઓ પેકેજની અસરકારકતા અંગે સંપૂર્ણપણે વિપરીત મત ધરાવે છે, જેના કારણે ખેડૂતોમાં પણ મૂંઝવણની સ્થિતિ સર્જાઈ છે.
વિસાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઈટાલીયાએ રાજ્ય સરકારના આ સહાય પેકેજની કડક ટીકા કરી છે. તેમણે આ પેકેજને 'કૃષિ મજાક પેકેજ' ગણાવ્યું હતું. ધારાસભ્ય ઈટાલીયાએ વ્યંગમાં કહ્યું હતું કે સરકારે મોટી જાહેરાત કરીને એવો માહોલ બનાવ્યો જાણે ખેડૂતોના ઘરમાં હેલિકોપ્ટર આવી જશે, પરંતુ આ પેકેજની રકમ એટલી ઓછી છે કે ખેડૂત માંડ આત્મહત્યા કરવા માટે ઝેરી દવા ખરીદી શકે. તેમણે સરકાર પર ખેડૂતોને માત્ર આશ્વાસન આપીને 'કોથળામાંથી બિલાડું' કાઢવાનો આરોપ લગાવ્યો હતો.
APMC ચેરમેનનું અલગ નિવેદન: 'ઐતિહાસિક અને સમયસરનો નિર્ણય'
જોકે, વિસાવદરના માર્કેટ યાર્ડ (APMC)ના ચેરમેન વિનુભાઈ હાપાણીએ ધારાસભ્ય ઈટાલીયાથી તદ્દન અલગ સૂર વ્યક્ત કર્યો છે. વિનુભાઈ હાપાણીએ રાજ્ય સરકારના આ સહાય પેકેજને 'ઐતિહાસિક' ગણાવ્યું છે અને સરકારની કામગીરીની પ્રશંસા કરી છે. માર્કેટ યાર્ડના ચેરમેન વિનુભાઈ હાપાણીએ દાવો કર્યો હતો કે રાજ્ય સરકારે ખેડૂતોને સહાયરૂપ થવા માટે ટૂંકા ગાળામાં તાત્કાલિક નિર્ણય લીધો છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ પેકેજથી નુકસાનગ્રસ્ત ખેડૂતોને મોટી રાહત મળશે અને સરકાર સમયસર ખેડૂતોની પડખે ઊભી રહી છે.
સ્થાનિક સ્તરે રાજકીય ઘમસાણ
ખેડૂતોના હિત સાથે જોડાયેલા આ ગંભીર મુદ્દા પર, વિસાવદરના બે મહત્ત્વના પ્રતિનિધિઓના નિવેદનોમાં રહેલો આ મોટો વિરોધાભાસ સ્થાનિક રાજકારણમાં ગરમાવો લાવી રહ્યો છે. એક તરફ વિપક્ષના ધારાસભ્ય પેકેજને અસંતોષકારક ગણાવી રહ્યા છે, તો બીજી તરફ શાસક પક્ષ સાથે જોડાયેલા માર્કેટ યાર્ડના ચેરમેન તેને ખેડૂતલક્ષી અને ઉત્તમ નિર્ણય ગણાવી રહ્યા છે. હવે જોવાનું એ રહે છે કે આ સહાય પેકેજ ખરેખર ખેડૂતોને કેટલી રાહત આપી શકે છે અને આ રાજકીય નિવેદનબાજીની ખેડૂતો પર શું અસર થાય છે.