)
Rajkot News: અન્નદાતા અનેક મુશ્કેલીઓ વેઠીને દેશવાસીઓનું પેટ ભરે છે. અનેક પડકારોનો સામનો કરે છે. પછી તે અતિવૃષ્ટી હોય કે અનાવૃષ્ટી. આ બન્ને કુદરતી આફતોમાંથી જો હેમખેમ બહાર નીકળી જાય તો માનવસર્જિત આફત આવી જાય છે. કંઈક આવી જ આફતનો સામનો રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના ખેડૂતો કરી રહ્યા છે.
માનવસર્જિત મુશ્કેલી
હાથમાં મોબાઈલ લઈને બેસેલા આ ખેડૂતો છે જેમના સપના મોટા હતા. સારી ઉપજથી તેઓ ખુશ હતા, પરંતુ આ ખુશી પર પાણી ફેરવવાનું કામ સરકારી તંત્રએ કર્યું છે. ટેકાના ભાવે ચણાની ખરીદી માટે આ તમામ ખેડૂતોએ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. પરંતુ કોઈ કારણોસર અનેક ખેડૂતોના રજિસ્ટ્રેશન રિજેક્ટ થઈ ગયા છે.
ખેડૂતોની ખુશી પર પાણી!
હજુ તો ટેકાના ભાવે ખરીદી શરૂ પણ નથી થઈ ત્યાં જ ખેડૂતો પર પહેલા જ આફત આવી ગઈ છે. જેના કારણે ખેડૂતોમાં ઉગ્ર આક્રોશ છે. જસદણના વીરનગર, કમળાપુર, આટકોટ સહિત અનેક ગામના ખેડૂતોના નામ રદ થઈ ગયા છે. આ સમસ્યા પાછળ એવું કારણ આગળ ધરવામાં આવે છે કે, સેટેલાઈટ સર્વેના આધારે ખેડૂતના ખેતરમાં ચણા જોવા મળ્યા નહતા. તેના જ કારણે નામ રજિસ્ટ્રેશનમાંથી રદ કરી નાંખવામાં આવ્યા છે. આ પ્રકારનું કારણ આપતા મેસેજ અનેક ખેડૂતોના ફોનમાં આવ્યા છે.
શું અપાયું કારણ?
સેટેલાઈટ સર્વેના આધારે ખેતરમાં ચણા જોવા મળ્યા નહતા
નામ રજિસ્ટ્રેશનમાંથી રદ કરી નાંખવામાં આવ્યા
કારણ આપતા મેસેજ અનેક ખેડૂતોના ફોનમાં આવ્યા
ટેકાના ભાવે ખરીદી નહીં?
ટેક્નોલોજી જેટલી સારી તેટલી ખરાબ પણ છે. જે ખેડૂતોએ ચણાનું વાવેતર કર્યું તેનું નોંધણી ગામના તલાટીના પાણી પત્રકમાં છે, પરંતુ સેટેલાઈટ સર્વેમાં ચણાનું વાવેતર દેખાતું નથી. તો આ મામલે ખેડૂતોએ રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલનો પણ સંપર્ક કર્યો છે.
ભૂલ તંત્રની, સજા ખેડૂતોને?
તંત્રની નિષ્ફળતાના પાપે જગતનો તાત પરેશાન છે. અનેક સમસ્યાઓનો સામનો કરીને બહાર આવેલા ખેડૂતને છેલ્લે તંત્રએ હેરાન કર્યા તેમ કહીએ તો ખોટું નથી. ત્યારે જોવાનું રહ્યું કે આગળ શું નિવેડો આવે છે.