કોણ છે અનંત શાહ? અમદાવાદમાં 100 કરોડનો દલ્લો મળ્યા બાદ મોટા ખુલાસા, ED બાદ DRI કેમ થઈ એકાએક એક્ટિવ
100 કરોડના દલ્લાના પ્રકરણમાં મેઘ શાહ અને મહેન્દ્ર શાહ બાદ હવે કોઈક અનંત શાહનું નામ પણ બહાર આવ્યું છે. ચર્ચા એવી પણ છે કે મહેન્દ્ર શાહ અને રાજુ બાર્ટર પણ આ ધંધાના બાદશાહ છે અને ભેગા મળીને ધંધો કરે છે જેથી રાજુ બાર્ટર સુધી પણ તપાસ લંબાવાય તો પણ નવાઈ નહીં.
Trending Photos
Ahmdabad News: શેરબજારના બાજીગર નામે ઓળખાતા મેઘ શાહના ઘરમાંથી 100 કરોડનો દલ્લો મળ્યો બાદ એક બાદ એક મોટા ખુલાસા થઈ રહ્યા છે. ચર્ચા એવી પણ છે કે, મહેન્દ્ર શાહ સાથે સંકળાયેલા રાજુબાર્ટર સહિતની ઓપરેટરની ટોળકી તો ભૂગર્ભમાં ઉતરી ગઈ છે ત્યારે સવાલ એ પણ છે કે વર્ષોથી ચાલતા શેરબજારના કાળા ધંધામાં ડીઆરઆઈ કેમ એકાએક એક્ટિવ થઈ...
શેર ઓપરેટર પર ડીઆરઆઈના દરોડા પછી આ કેસમાં ઇડી પણ ઝંપલાની શકે છે. શેરબજારમાં વાતો એવી પણ ચાલી રહી છે કે મેઘ શાહના પિતા મહેન્દ્ર શાહના 1400 કરોડના નાણાકિય વ્યવહારો મળ્યા છે. બીજી તરફ શંકાસ્પદ દાણચોરીથી આવેલા મોટાભાગના સોનાના બિસ્કીટ કોઈ વેપારી અનંત શાહ પાસેથી ખરીદાયા હોવાની શક્યતાઓ છે. હવે તપાસનો ગાળિયો અનંત શાહ તરફ વળે તો પણ કોઈ નવાઈ નહીં.
મેઘ, મહેન્દ્ર અને અનંત શાહ બાદ હવે રાજુ બાર્ટર
શેર ઉછાળી કમાણી કરી તેના હવાલા સામે સોનું લેવામાં હવે મેઘ શાહ અને મહેન્દ્ર શાહ સામે તપાસનો ગાળિયો મજબૂત થઈ રહ્યો છે. એવી ચર્ચા છે કે ખોખા કંપનીના શેરની કમાણીની રોકડના હવાલા આંગડિયામાં પાડીને રોકડની સામે સોનાની ખરીદી કરી છે. રેડમાં સોનું તો પકડાયું છે પણ હવે આંગડિયા પેઢીઓ પણ ભરાઈ છે સોનાના બિસ્કીટ સામે બુલિયનના મોટા વેપારીએ પાછલી તારીખના બિલો આપવાની ચોખ્ખી મનાઈ ફરમાવી દીધી છે.
આ ટોળકી સાથે મોટા અધિકારીઓ અને રાજનેતાઓ સંકળાયેલા હોવાથી કંઈ પણ નહીં થાય તેવી બડાશો હાંકતી આ ટોળકીને હવે ઔકાત દેખાઈ ગઈ છે. હજુ પણ તેઓ કંઈ પણ નહીં થાય તેનો ભરોસો વેપારીઓને આપી રહ્યાં છે. 100 કરોડના દલ્લાના પ્રકરણમાં મેઘ શાહ અને મહેન્દ્ર શાહ બાદ બીજા નામો ખૂલે તેવી પણ સંભાવના છે. ચર્ચા એવી પણ છે કે મહેન્દ્ર શાહ અને રાજુ બાર્ટર પણ આ ધંધાના બાદશાહ છે અને ભેગા મળીને ધંધો કરે છે જેથી રાજુ બાર્ટર સુધી પણ તપાસ લંબાવાય તો પણ નવાઈ નહીં.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે