)
Patan News ; પાટણના MLAના જન્મદિવસના પોસ્ટર મામલે ભારે વિરોધ સર્જાયો હતો. MLA કિરીટ પટેલ અને પાલિકાના ચીફ ઓફિસર વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. પાલિકાએ હોર્ડિંગ્સની મંજૂરી નહોતી આપી, તેમ છતાં પોસ્ટર લગાવવામાં આવતા વિવાદ થયો હતો. જેના બાદ રાત્રે 12 વાગ્યે કોંગ્રેસના કાર્યકર્તાઓએ હોર્ડિંગ્સ ઉતારી લેતા મામલો થાળે પાડ્યો હતો. પરંતું આ ઘટનાથી પાટણના મહિલા ચીફ ઓફિસર હિરલ ઠાકર ચર્ચામાં આવ્યા છે.
મોડી રાત્રે મામલો પડ્યો થાળે..
પાટણ કોંગ્રેસના ધારાસભ્ય ડો.કિરીટ પટેલના જન્મદિવસને અનુલક્ષી સમર્થકો અને શહેરીજનો દ્વારા શુભેચ્છા પાઠવતાં લગાવવામાં આવેલા હોડિંગ્સ અને બેનરો ઉતારી લેવા નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલબેન ઠાકરે કરેલા આદેશને પગલે ભારે હંગામો સર્જાયો હતો અને એક તબકકે ધારાસભ્ય અને ચીફ ઓફિસર સામસામે આવી જતા ભારે ઉત્તેજના સાથે સમર્થકો અને ચીફ ઓફિસર વચ્ચે શાબ્દિક પ્રહારો સાથે ઘર્ષણ ભર્યા દૃશ્યો સર્જાયા હતા. શહેરના ડીસા હાઈવે પર ટીબી ત્રણ રસ્તા નજીક બેનરોના મુદ્દે ભારે હંગામો મચ્યો હતો.
ચીફ ઓફિસરને શુરાતન ચઢ્યું
પાટણ કોંગ્રેસના ધારાસભ્ય ડો.કિરીટ પટેલના જન્મદિવસને લઈ કોંગ્રેસના કાર્યકરો અને સમર્થકો દ્વારા સેવાકીય પ્રવૃત્તિ સાથે બિસ્માર માર્ગોના ખાડા પુરવાનો તથા સ્વચ્છતાનો કાર્યક્રમ યોજાયો હતો. તો શહેરીજનો અને સમર્થકો દ્વારા ધારાસભ્યને જન્મદિવસની શુભેચ્છા પાઠવતા બેનરો અને હોડિંગ્સ છેલ્લા ચાર દિવસથી વિવિધ સ્થળોએ લગાવવામાં આવ્યા હતા. ચાર દિવસથી લગાવાયેલ બેનરો અને હોડિંગ્સને લઈ આજે સાંજે નગરપાલિકાના ચીફ ઓફિસરને એકાએક શુરાતન ચડયુ હોય તેમ પોલીસ બોલાવી તે ઉતારી લેવા પાલિકાના કર્મચારીઓને આદેશ કરતા બંદોબસ્ત સાથે કર્મચારીઓ ડીસા હાઈવે પરના ટીબી ત્રણ રસ્તા પાસે પહોંચ્યા હતા. જેની જાણ થતાં કોંગ્રેસના કાર્યકરો અને ધારાસભ્યના સમર્થકો મોટીસંખ્યામાં ઘટના સ્થળે દોડી આવ્યા હતા... અને કર્મચારીઓને હોડિંગ્સ ઉતારતા અટકાવ્યા હતા.

ધારાસભ્ય અને ચીફ ઓફિસર સામસામે આવી ગયા
હોડિંગ્સ ઉતારવા મામલે હંગામો સર્જાતા ધારાસભ્ય ડો.કિરીટ પટેલ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તો બીજી તરફ ચીફ ઓફિસર હિરલબેન ઠાકર પણ ઘટના સ્થળે આવતાં ઉત્તેજનાભર્યા દૃશ્યો સાથે ભારે હંગામો સર્જાયો હતો. આ સમયે ધારાસભ્ય અને ચીફ ઓફિસર સામસામે આવી જતા અને એકબીજા ઉપર શાબ્દિક પ્રહારો કરતા ઘર્ષણના દૃશ્યો સર્જાયા હતા. ચીફ ઓફિસર હોડિંગ્સ ઉતારવાના મુડમાં હોય તો સામાપક્ષે કોંગ્રેસના કાર્યકરો અને સમર્થકો કોઈપણ ભોગે હોડિંગ્સ નહી ઉતારવા દેવા અડગ બનતા મામલો બીચકયો હતો. મોડી રાત સુધી કોંગ્રેસના કાર્યકરો ટીબી ત્રણ રસ્તા ખાતે ઉપસ્થિત રહ્યા હતા.
એજન્સી સાથે ચાલતા વિવાદને કારણે મને પરમિશન ન આપી - ધારાસભ્ય કિરીટ પટેલ
જન્મદિવસની શુભેચ્છાના હોડિંગ્સ મામલે સર્જાયેલ ઘર્ષણ મુદ્દે ધારાસભ્ય ડો.કિરીટ પટેલે જણાવ્યુ હતું કે, ગત તા.૨૨મીએ નગરપાલિકા પાસે મંજુરી માંગી હતી પરંતુ એજન્સી સાથે ચાલતા વિવાદને પગલે મંજુરી આપી ન હતી. ત્યારબાદ એજન્સીની સંમતિથી બેનરો લગાવવામાં આવ્યા છે. શહેરમાં હાલ ગંદકી, બંધ સ્ટ્રીટલાઈટો, ઠેર ઠેર દબાણો, ટ્રાફીકની સમસ્યા છે તેમજ શહેર કોંગ્રેસ પ્રમુખે અગાઉ ગેરકાયદેસર લગાવેલ બેનરો મામલે રજુઆત કરી હતી જે દુર કરવામાં આવ્યા નથી. શહેરીજનોની લોક સમસ્યાઓ ઉકેલાતી નથી. ચીફ ઓફિસર જે રીતે વાત કરે છે તેથી એવું લાગે છે કે તેમણે માનસિક સંતુલન ગુમાવી દીધુ છે
તેમણે પરમિશન વગર બેનર લગાવ્યા - ચીફ ઓફિસર
હોડિંગ્સ મામલે સર્જાયેલ હંગામાને લઈ ચીફ ઓફિસર હિલબેન ઠાકરે જણાવ્યુ હતું કે, ધારાસભ્યએ જન્મદિવસની શુભેચ્છાના બેનરો લગાવવા પમીશન માંગી હતી, પરંતુ પરમીશન આપી ન હતી. બેનરો લાગ્યા હોવાની વાત મારા ધ્યાને આવતા ત્રણ વાગે પાલિકાના કર્મચારીઓને બેનરો ઉતારવા મોકલતા ધારાસભ્યના કહેવાથી તેમના અનુયાયીઓ ગુંડાગર્દીવાળુ વર્તન કરી રહ્યા છે. નગરપાલિકાની જગ્યા હોય ત્યાં દબાણ કરી શકાય નહી. પાટણમાં દબાણો પાછળ ધારાસભ્યનું આવુ વર્તન જવાબદાર હોવાનો આક્ષેપ કર્યો હતો.
કોણ છે ચીફ ઓફિસર
તમને જણાવી દઈએ કે, કિરીટ પટેલના પોસ્ટર ફાડનાર મહિલા અધિકારી હિરલ ઠાકરની હાલ ઉત્તર ગુજરાતમાં ચર્ચા થઈ રહી છે. તેમની કારકિર્દીની વાત કરીએ તો, જ તેઓ પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર બન્યા છે. 16 વર્ષની નોકરીમાં તેમની 8 વખત ટ્રાન્સફર થઈ, એક વખત સસ્પેન્ડ થયા અને બે વખત રાજીનામા આપ્યા. પણ સંજોગ એવા કે સરકારે રાજીનામા ન સ્વીકાર્યા અને ફરજ પર ચાલુ રાખ્યા.

ચીફ ઓફિસરનું પૂતળું દહન રાયું
આ ઘટના બાદ પાટણ પાલિકાના મહિલા ચીફ ઓફિસર હિરલ ઠકરના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. ચીફ ઓફિસરે ધારાસભ્ય અને તેમના સમર્થકોને ગુંડા ગણાવતા વિરોધ કરવામાં આવ્યો હતો. પૂતળા દહન મુદ્દે પોલીસ ફરિયાદી બની 15 થી 20 લોકોના ટોળા સામે ફરિયાદ નોંધાવી છે. કલેક્ટરના જાહેરનામાના ભંગ બદલ પોલીસે ફરિયાદ નોંધી.