)
Delhi CM Rekha Gupta attacked during 'Jan Sunvai': દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર બુધવારે અચાનક હુમલો થયો. આ હુમલો તેમના સિવિલ લાઇન્સ નિવાસસ્થાને થયો હતો. જ્યારે આ ઘટના બની ત્યારે રેખા ગુપ્તા જન સુનાવણી કરી રહ્યા હતા. એક વ્યક્તિ ફરિયાદી બનીને આવ્યો અને મુખ્યમંત્રી પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો. દિલ્હી પોલીસે તેની ધરપકડ કરી. રેખા ગુપ્તા પર હુમલો કરનાર વ્યક્તિનું નામ રાકેશ ખીમજી છે. તે ગુજરાતના રાજકોટનો રહેવાસી છે.
હુમલા બાદ મુખ્યમંત્રી રેખા ગુપ્તાને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાં તેમનું મેડિકલ ચેકઅપ થયું. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે ગુપ્તચર બ્યુરોએ આરોપીની પૂછપરછ કરી. તેણે કહ્યું કે તે ગુજરાતનો રહેવાસી છે.
રાજેશનું પૂરું નામ શું છે?
આરોપીનું નામ રાજેશ ભાઈ ખીમજી ભાઈ સાકરિયા છે. રાજેશ 41 વર્ષનો છે. રાજેશ જણાવ્યું કે તે રાજકોટનો રહેવાસી છે. તેની પાસેથી કેટલાક ઓળખપત્ર અને કાગળો મળી આવ્યા છે. પોલીસ તેની તપાસ કરી રહી છે. ગુજરાત પોલીસનો પણ સંપર્ક કરવામાં આવ્યો છે.
ડોગ લવર છે રાજેશ ખીમજી
સાક્ષીઓએ જણાવ્યું કે રાજેશના હાથમાં કેટલાક કાગળો હતા. તેમણે તે કાગળો મુખ્યમંત્રી રેખા ગુપ્તાના હાથમાં મૂક્યા અને અચાનક તેમના વાળ પકડીને ખેંચી લીધા. કેટલાક લોકોનો દાવો છે કે તેમણે મુખ્યમંત્રીને થપ્પડ મારી હતી. તે બૂમો પાડી રહ્યો હતો અને અપશબ્દો બોલી રહ્યો હતો. તેને પકડી લેવામાં આવ્યો છે. પોલીસ તેને લઈ ગઈ પણ તે સતત બૂમો પાડી રહ્યો હતો. રાજેશ ખીમજીની માતા ભાનુએ જણાવ્યું કે રાજેશ ડોગ લવર છે અને દિલ્હીમાં કૂતરાઓ પકડાઈ રહ્યા છે, તેથી તે ગુસ્સે છે.
શું બની હતી સમગ્ર ઘટના?
દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર જનસુનાવણી દરમિયાન હુમલાના સમાચાર સામે આવ્યા છે.સૂત્રોના જણાવ્યાં મુજબ રેખા ગુપ્તાના તેમના સિવિલ લાઈન્સ સ્થિત ઘર પર જન સુનાવણી દરમિયાન આ હુમલો થયો. આ હુમલામાં રેખા ગુપ્તાને સામાન્ય ઈજા થઈ હોવાની જાણકારી મળી છે. દિલ્હી ભાજપ અધ્યક્ષ શ્રી વિરેન્દ્ર સચદેવાએ સાપ્તાહિક જનસુનાવણી દરમિયાન મુખ્યમંત્રી શ્રીમતી રેખા ગુપ્તા પર થયેલા હુમલાની આકરી ટીકા કરી છે. પોલીસે તપાસ શરૂ કરી દીધી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર મુખ્યમંત્રી લોકોની ફરિયાદો સાંભળી રહ્યા હતા. ત્યારે અચાનક એક વ્યક્તિએ આગળ આવીને હુમલો કર્યો. સુરક્ષા કર્મીઓએ તત્કાળ આરોપીને પકડી લીધો અને અટકમાં લીધો. હાલ ઘટનાની તપાસ ચાલુ છે અને ઘટનાસ્થળે પોલીસકર્મીની તૈનાતી વધારી છે. હજુ સુધી હુમલાનું કારણ સામે આવ્યું નથી. પોલીસ આરોપીની પૂછપરછ કરી રહી છે. એવું કહેવાય છે કે આરોપીના હાથમાં કોર્ટ સંબધિત ડોક્યુમેન્ટ્સ મળ્યા છે.
શું કહ્યું દિલ્હી સીએમઓએ?
દિલ્હી સીએમઓએ કહ્યું કે આજે સુનાવણી દરમિયાન એક વ્યક્તિએ સીએમ રેખા ગુપ્તા પર હુમલો કર્યો. આરોપીને દિલ્હી પોલીસે પકડી લીધો છે અને તેની પૂછપરછ ચાલુ છે. પૂર્વ સીએમ આતિશીએ આ હુમલાને વખોડ્યો છે. તેમણે કહ્યું કે લોકતંત્રમાં અસહમતિ અને વિરોધને જગ્યા હોય છે. પરંતુ હિંસા માટે કોઈ જગ્યા નથી. આશા છે કે દિલ્હી પોલીસ દોષિતો પર કડક કાર્યવાહી કરશે. મુખ્યમંત્રી સંપૂર્ણ રીતે સુરક્ષિત છે એવી આશા રાખીએ છીએ.
ઘટનાસ્થળે હાજર લોકોએ શું કહ્યું
જનસુનાવણી દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર હુમલા દરમિયાન ઘટનાસ્થળે હાજર શૈલેન્દ્રકુમારે કહ્યું કે હું ઉત્તમ નગરથી સીવરની ફરિયાદ લઈને આવ્યો હતો. જ્યારે હું ગેટ પર પહોંચ્યો તો અફરાતફરી મચી ગઈ. કારણ કે મુખ્યમંત્રીને થપ્પડ મારવામાં આવી. આ ખોટું છે.
ભાજપ અધ્યક્ષે શું કહ્યું?
આ હુમલા અંગે દિલ્હી ભાજપ અધ્યક્ષ વિરેન્દ્ર સચદેવે કહ્યું કે, આજે સવારે જનસુનાવણી દરમિયાન મુખ્યમંત્રી હંમેશાની જેમ જનતા સાથે વાતો કરતા હતા. એક વ્યક્તિ ત્યાં આવ્યો અને તેણે કેટલાક કાગળો આપ્યા અને અચાનક તેમનો હાથ પકડીને તેમને પોતાની તરફ ખેંચવાની કોશિશ કરવા લાગ્યો. આ દરમિયાન થોડી ધક્કામુક્કી થઈ અને લોકોએ તેને પકડી લીધો. તે કોણ છે અને અન્ય તમામ જાણકારીઓ અંગે પોલીસ તપાસ કરી રહી છે.
મુખ્યમંત્રીની હાલત હાલ સ્થિર છે. ડોક્ટરોએ તેમની તપાસ કરી છે. હું તેમને મળ્યો છું તેઓ એક મજબૂત મહિલા છે. એવું લાગે છે કે તેમના માથા પર સામાન્ય ઈજા થઈ છે. થપ્પડ કે પથ્થરબાજીની વાત ઉપાજાવેલી છે. રાજીનીતિમાં આવી ઘટનાઓ નીંદનીય છે. જનસુનાવણી ચાલુ રહેશે. મુખ્યમંત્રી હાલ આરામ કરે છે. પરંતુ તેમણે કહ્યું કે તેઓ પોતાના કાર્યક્રમ રદ ક રશે નહીં.