)
ઉદય રંજન/અમદાવાદ: નરોડા વિસ્તારમાં એક મહિલા બુટલેગર દ્વારા જાહેર રસ્તા પર બિયર ભરેલા બેગ ફેકવાની ઘટના સામે આવી હતી. રસ્તા પરથી પસાર થતાં રાહદારીઓ દ્વારા ઘટનાને મોબાઈલમાં વિડીયો બનાવવામાં આવ્યો હતો જે વાયરલ થયો હતો. જોકે સમગ્ર ઘટનામાં પોલીસ દ્વારા મહિલા બુટલેગર સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે અચાનક જ મહિલા બુટલેગર દ્વારા રસ્તા પર બિયર ભરેલા બેગ ફેકવામાં આવ્યું તે જોતાં જ ત્યાંથી પસાર થઈ રહેલા લોકો પણ અચરજમાં મુકાયા હતા અને થોડીવાર માટે જાણે કે અફરાતફરીનો માહોલ હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. શા માટે મહિલા બુટલેગરે જાહેરમાં ફેકવા પડ્યા બિયર ભરેલા બેગ.
અમદાવાદમાં નરોડા વિસ્તારના નાના ચિલોડા ચાર રસ્તા થી સરદારનગર જવાના રસ્તા પર એક અજીબોગરીબ ઘટના બની હતી. એક મહિલા દ્વારા તેની પાસે રહેલી બેગ જાહેર રસ્તા પર ફેંકી હતી. જે બેગમાં બિયરના ટીન ભરેલા હતા. મહિલા જ્યારે રિક્ષામાંથી પસાર થતી હતી ત્યારે તેણે તેની પાસે રહેલો થયેલો ફેંક્યો હતો. થેલો ફેકતા જ તેમાંથી બિયરના ટીન રસ્તા પર પડ્યા હતા. રસ્તા પરથી પસાર થતાં રાહદારીઓમાં થોડા સમય માટે અચરજ સર્જાયું હતું. જો કે પછી ખ્યાલ આવ્યો કે પોલીસ દ્વારા આ મહિલા બુટલેગરનો પીછો કરવામાં આવી રહ્યો હતો જેથી પોલીસથી બચવા તેણે પોતાની પાસે રહેલો બિયર ભરેલો થયેલો રસ્તા પર ફેંકી દીધો હતો.
નરોડા પોલીસ જ્યારે મહિલા બુટલેગર રિક્ષામાંથી પસાર થતી હતી ત્યારે તેનો પીછો કરતા હતા જેથી તેને પોલીસથી ગભરાઈને પોતાની પાસે રહેલી બેગ રસ્તા પર ફેંકી હતી. જો કે પોલીસે સમગ્ર મામલે નિતેશ ઈન્દ્રેકર, સોનિયા ઈન્દ્રેકર અને અંબિકા રાહુલની ધરપકડ કરી છે. ત્રણે આરોપીઓ છારાનગર વિસ્તારમાં રહે છે અને ઘણા સમયથી દારૂના ધંધા સાથે જોડાયેલા છે. આરોપી વિરુદ્ધ અગાઉ પણ સરદારનગર પોલીસ મથકમાં દારૂ અંગેની ફરિયાદો નોંધાઈ ચૂકી છે.
નરોડા પોલીસે આરોપીઓ પાસેથી એક રીક્ષા, 9900 રૂપિયાની કિંમતના 45 બિયરના ટીન, બીયરના ખાલી 20 ટીમ સહિત 42900 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ ગુજરાત રાજસ્થાન બોર્ડર પાસેના ગામડાઓમાં જઈને સ્થાનિક લોકોની મદદથી દારૂ અને બીયરનો જથ્થો અમદાવાદ લઈ આવે છે. દારૂની હેરાફેરી માટે મહિલાઓ અવર-જવર કરે છે. જેથી પોલીસને શંકા જાય નહીં. આ મહિલાઓ પોતાના ચીજ વસ્તુઓની આડમાં ટ્રાવેલ્સ કે અન્ય કોઈ છૂટક વાહનોમાં દારૂ અને બિયરનો જથ્થો રાજસ્થાનથી અમદાવાદ સુધી લઈ આવે છે અને અહીં તેનો છૂટક વેચાણ કરે છે.
હાલ તો નરોડા પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. આરોપીઓ બિયરનો જથ્થો ક્યાંથી લઈ આવ્યા હતા અને કોને આપવાના હતા તેમજ અન્ય કોઈ વ્યક્તિ દારૂની હેરાફેરીમાં જોડાયેલું છે કે કેમ તે અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે