શું નરેશ પટેલ, શંકરસિંહ વાઘેલા અને અલ્પેશ કથીરિયા કોંગ્રેસમાં જોડાશે? ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા સૌથી મોટી ખબર
બીજી બાજુ રઘુ શર્માએ જણાવ્યું હતું કે, શંકરસિંહ વાઘેલા, નરેશ પટેલ અને અલ્પેશ કથીરિયાનું પાર્ટીમાં સ્વાગત છે. ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે પણ કોંગ્રેસમાં તેમના સ્વાગત અંગે સંકેત આપ્યા હતા. ત્યારે જગદીશ પટેલે પણ જણાવ્યું હતું કે નરેશ પટેલ સહિતના સામાજિક નેતાઓ સાથે ચર્ચા ચાલી રહી છે.
ઝી ન્યૂઝ/અમદાવાદ: ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા સૌથી મોટી ખબર સામે આવી છે. ચૂંટણીઓની સીઝન આવી રહી છે, ત્યારે સ્વાભાવિક રીતે જૂના સાથીઓ અને જોગીઓ પાર્ટીઓને યાદ આવતા હોય છે. કોગ્રેસના કિરીટ પટેલ લલિત વસોયા અને લલિત કગથરા એમ ત્રણ પાટીદાર ધારાસભ્યોએ પ્રભારી રઘુ શર્મા સાથે મુલાકાત કરતા રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે. અલ્પેશ કથીરીયાની મુલાકાત બાદ પ્રભારી સાથેની મુલાકાત સુચક માનવામાં આવી રહી છે. પરંતુ ત્રણેય ધારાસભ્યોએ મુલાકાતને ઔપચારીક મુલાકાત ગણાવી છે. બીજી બાજુ ખોડલધામના નરેશ પટેલના રાજકીય પ્રવેશ અંગે રાજકારણ ગરમાયું છે. આ ઘટના ક્રમ વચ્ચે લોકોમાં એક સવાલ ઉદ્દભવી રહ્યો છે કે શું પાટીદાર અગ્રણી નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાશે? નરેશ પટેલ, અલ્પેશ કથીરિયાને કોંગ્રેસે પક્ષમાં જોડવા મોટા ગજાના નેતાઓ આમંત્રણ આપી રહ્યા છે.
નરેશ પટેલના રાજકીય પ્રવેશ અંગે કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માનું આજે એક મોટું અને મહત્ત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે. કોંગ્રેસ પ્રભારીએ જણાવ્યું છે કે નરેશ પટેલનું કોંગ્રેસમાં સ્વાગત કરવા અમે તૈયાર છીએ. નરેશ પટેલ મોટો સામાજિક ચહેરો છે. બંને તરફથી ચર્ચાઓ ચાલી રહી છે. જેના કારણે નરેશ પટેલ અંગે યોગ્ય સમયે નિર્ણય લેવામાં આવશે. કોંગ્રેસનું કેન્દ્રીય નેતૃત્વ આખરી નિર્ણય લેશે.
જાહેર મંચ પરથી જગદીશ ઠાકોરનો શંકરસિંહ વાઘેલા પ્રત્યે ઉભરાયો પ્રેમ, નિવેદનથી સૌ કોઈ ચોંક્યા!
બીજી બાજુ રઘુ શર્માએ જણાવ્યું હતું કે, શંકરસિંહ વાઘેલા, નરેશ પટેલ અને અલ્પેશ કથીરિયાનું પાર્ટીમાં સ્વાગત છે. ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે પણ કોંગ્રેસમાં તેમના સ્વાગત અંગે સંકેત આપ્યા હતા. ત્યારે જગદીશ પટેલે પણ જણાવ્યું હતું કે નરેશ પટેલ સહિતના સામાજિક નેતાઓ સાથે ચર્ચા ચાલી રહી છે. સામાજિક નેતાઓ અને કોંગ્રેસ બંને એક બીજાના સંપર્કમાં છે. જરૂર પડે ત્યારે કોંગ્રેસ પન્નાઓ ખોલશે.
કિરીટ પટેલનું નિવેદન
પાટણના ધારાસભ્ય કિરીટ પટેલનું આ મુદ્દે એક નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે અમે પ્રભારી સાથે મુલાકાત કરી છે. સુરતમાં કોંગ્રેસને મજબૂત કરવા ચર્ચા થઈ છે. સુરતમાં પાટીદાર સમાજનું પ્રભુત્વ છે. 2-3 નામો પર ચર્ચા થઈ છે એ અત્યારે જાહેર નહીં કરું શકું. પ્રભારીએ લલિત કગથરા અને લલિત વસોયાને મોટી જવાબદારી આપી છે. એ બંને ધારાસભ્યો આ લોકો સાથે ચર્ચા કરશે. સુરત એ રાજકારણનું એપિસેન્ટર છે અને ત્યાં બેઠકો લાવવી જરૂરી છે. એટલે ત્યાં સંગઠન મજબૂત કરવામાં આવશે. અલ્પેશ સહિત 2-3 ચહેરા સાથે વાત ચાલુ છે. હાર્દિક પટેલ પણ અમારી સાથે જ છે. અમદાવાદ અને રાજકોટ જેવા મહાનગરોમાં સંગઠનને મજબૂત કરવા ભાર મુક્યો છે. ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસ ગત ચૂંટણી કરતા વધુ બેઠકો મેળવશે.
જગદીશ ઠાકોરે કાંકરિયામાં મંચ પરથી શંકરસિંહ વાઘેલાને વખાણ્યા
ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે પણ એક જાહેર મંચ પરથી રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાને યાદ કર્યા હતા. ગુજરાત કોંગ્રેસના નેતાઓ જાણીતા ચહેરાઓને શરણે જઈ રહ્યા હોય તેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. કોંગ્રેસ ચૂંટણી પહેલા જાણીતા ચહેરાઓને કોંગ્રેસ તરફી કરવા માટે અત્યારથી પ્રયત્નો શરૂ કર્યા છે. અમદાવાદના કાંકરિયા વિસ્તારનો ગઈકાલ (બુધવાર)નો જગદીશ ઠાકોરનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં ગુજરાત કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના વખાણ કર્યા હતા.
ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર સાથે અનેક નેતાઓ હાજર હતા, ત્યારે તેમણે એક મહત્ત્વપૂર્ણ નિવેદન આપીને ખળભળાટ મચાવ્યો હતો. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે શંકરસિંહ વાઘેલાના વખાણ કરતા તમામ લોકોને વિચારતા કરી મૂક્યા હતા. જાહેર મંચ પરથી જગદીશ ઠાકોરનો બાપુ પ્રત્યેનો પ્રેમ ઉભરાતા કોઈને કંઈ સમજાયું નહોતું. તેમણે જણાવ્યું કે, સંઘર્ષ એટલે બાપુ અને બાપુ એટલે સંઘર્ષ...જાહેર જીવનનો બાપુને ખુબ બહોળો અનુભવ છે. હું બિમાર પડ્યો ત્યારે પણ બાપુને જોઈને તૈયાર થયો છું. આ નિવેદન બાદ કાર્યકરો અને અનેક નેતાઓમાં મોટી ચર્ચા ચાલી રહી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube