)
ગૌરવ દવે/રાજકોટ: રાજકોટના ભગવતીપરા વિસ્તારમાં થયેલી હત્યાનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. પોલીસ તપાસમાં મહિલાની હત્યા કોઇ બીજાએ નહિ પરંતુ તેના જ પતિએ કરી નાખી. એ પતિ કે જે પોતાની પત્નિ ગુમ થઇ હોવાની વાતો કરતો હતો. તેની લાશ મળી ત્યારે મગરના આસું સારતો હતો. જો કે એક લોહીના ટીપાંએ આ હત્યારા પતિનો ભેદ ઉકેલી નાખ્યો છે ત્યારે જુઓ ફિલ્મી સ્ટોરીને પણ ટક્કર મારે તેવી આ રિયલ સ્ટોરી.
પોતાની પત્નિને મૃતદેહ મળતા શખ્સ મગરના આસું સારતો હતો. એવું કહેતો હતો કે તેને કોઇ પર શંકા નથી અને જે સ્થળે હત્યા થઇ તે અવાવરુ સ્થળ છે અને તેની પત્નિ સાથે થયું તે બીજાની પત્નિ સાથે પણ થઇ શકે છે. આ શખ્સનું નામ હિતેષ આસોડિયા છે અને હાલમાં પોલીસ સકંજામાં છે કારણ કે તેના પર આરોપ છે તેની પત્નિ સ્નેહા ઉર્ફે સેવા આસોડિયાની હત્યાનો..
ગત રવિવારનો રોજ વેલનાથ પરા નજીક કાચા રસ્તા પર સ્નેહાબેનની લાશ મળી હતી. માથાના ભાગે બેથડ પદાર્થ ઝીંકેલી હાલતમાં લોહિલુહાણ થયેલી આ લાશને જોઇને પોલીસ ચોંકી ઉઠી હતી. પોલીસે જ્યારે સ્નેહાબેનના પરિવારને સંપર્ક કર્યો ત્યારે તેના પતિ હિતેષે પોલીસને કહ્યું હતું કે સ્નેહા ઘરેથી પાણીપુરી ખાવા માટે બહાર ગઇ હતી પરંતુ ત્યાંથી પરત આવી ન હતી, રાતભર તેની શોધ કરી હતી પરંતુ તેની કોઇ ભાળ મળી ન હતી.
આ કેસમાં પોલીસ તપાસ કરી રહી હતી. પોલીસે લગભગ ૧૫થી વધુ શંકાસ્પદોની શોધખોળ કરી પરંતુ કોઇ નક્કર માહિતી ન મળી દરમિયાન સ્નેહાના પતિ હિતેષના મોટરસાયકલ અને કપડાંમાં લોહિના નિશાન પોલીસને જોવા મળ્યા હતા જેથી પોલીસને તેના પતિ પર પહેલાથી શંકા હતી.હિતેષભાઇએ તેના પત્નિના અંતિમ સંસ્કાર કરી લીધા બાદ પોલીસ દ્રારા તેની વિગતે પુછપરછ કરતા પોતે જ હત્યા કર્યાની કબુલાત આપી હતી જેના આધારે પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
શા માટે કરી હત્યા? કઇ રીતે આપ્યો હત્યાને અંજામ ?
પોલીસના કહેવા પ્રમાણે હિતેષ અને સ્નેહાના ત્રણ વર્ષ પહેલા લગ્ન થયાં હતા પરંતુ લગ્નની શરૂઆતથી જ બંન્ને વચ્ચે ઘરકંકાસ ચાલતો હતો. રોજરોજના ઝઘડાથી હિતેષ કંટાળી ગયો હતો. સ્નેહા હિતેશને આખો દિવસ ફોન અને વિડીયો કોલ કરતી હતી અને જો હિતેષ તેનો જવાબ ન આપે તો તેને અપશબ્દો કહેતી હતી અને માતા અને બહેનને પણ અપશબ્દો કહેતી હતી જેથી હિતેષ કંટાળી ગયો હતો. રોજરોજના ઝઘડાથી રોષે ભરાઇને હિતેષે તેની પત્નિની હત્યાનો પ્લાન બનાવ્યો હતો.
રવિવારે હિતેષે તેની પત્નિ સ્નેહાને બહાર જમવા જવાનું છે તેનું કહ્યું અને ત્યાંથી એક ધાર્મિક કામ માટે જવાનું હોવાથી પોતાની સાથે મોબાઇલ ફોન કે સોનાના દાગીના ન લાવવા માટે કહ્યું. આ તરફ સ્નેહા પોતાના ઘરેથી પાણીપુરીવાળાને ત્યાં પહોંચી અને હિતેષ કારખાનેથી એક લોખંડના સળિયા સાથે તેના પત્નિને લેવા માટે પહોંચ્યો. હિતેષ તેની પત્નિને અવાવરૂ સ્થળે લઇ ગયો અને લોખંડના સળિયાના એક પછી એક એમ ત્રણ ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધી હતી.
હત્યા કર્યા બાદ હિતેષે નાટક પણ કર્યું હતું જાણે કંઇ ન થયું હોય તેમ તેના સાસરિયામાં જાણ કરી હતી અને તેની પત્નિ ઘરેથી ગુમ થઇ છે તેવો ફોન કર્યો હતો. હિતેષ તેના સાસરિયાના પરિવારજનો સાથે આખી રાત પોતાની પત્નિને શોઘવાનું નાટક કરતો જોવા મળ્યો હતો. જો કે હિતેષ એ વાત ભુલી ગયો હતો કે તે જ્યાંથી વિચારવાનું બંધ કરે છે પોલીસ ત્યાંથી વિચારવાની શરૂઆત કરે છે અને તેના કારણે જ તેની કરતુતનો પર્દાફાશ થયો. ઘરકંકાસથી કંટાળીને પોતાની જ પત્નિને મોતને ઘાટ ઉતારનાર હિતેષને પત્નિના મોતનો તો અફસોસ નથી પરંતુ તેના માસુમ બાળકને યાદ કરીને હવે તે કલ્પાંત કરી રહ્યો છે.