અંધશ્રદ્ધામાં અટક્યા લોકો, ગામમાંથી કોરોનાને ભગાડવા મોટી સંખ્યામાં મહિલાઓ વિધિ કરવા બહાર નીકળી
- એક તરફ ગામડાઓમાં કોરોના ફેલાયેલો છે, ત્યાં બીજી તરફ આવી રીતે લોકો અંધશ્રદ્ધામાં રહીને ટોળા ભેગા કરે છે
- ગામમાં કોરોના કેસ ઘટે એ માટે ગામની મહિલાઓ વિધિ કરવા બહાર નીકળી. મોટી સંખ્યામાં મહિલાઓ માથા પર બેડુ ઉપાડીને વિધિ કરતી જોવા મળી
મૌલિક ધામેચા/અમદાવાદ :કોરોના માથા પર કહેર બનીને વરસી રહ્યો છે. ત્યારે હજી પણ કેટલાક લોકો અંધશ્રદ્ધામાં રચ્યાપચ્યા રહે છે. હજી તાજેતરમાં જ સાણંદના નિધરાડ ગામનો અંધશ્રદ્ધાનો કિસ્સો તાજો છે. ત્યાં વધુ એક અંધશ્રદ્ધામાં રાચતા લોકોનો વીડિયો સામે આવ્યો છે. જેમા ગામની મહિલાઓ કોરોનાને ભગાડવા માટે વિધિ કરવા નીકળી હતી.
ગુજરાતમાં કોરોનાના કેસ વકરતા હોવા છતા લોકો હજી સુધરવાનું નામ નથી લેતા. ત્યારે ગાંધીનગરમાંથી ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે. સાંતેજ પોલીસ સ્ટેશન હદમાં આવતા પલોડિયા ગામનો વીડિયો સામે આવ્યો છે. જેમાં ગામમાં કોરોના કેસ ઘટે એ માટે ગામની મહિલાઓ વિધિ કરવા બહાર નીકળી હતી. મોટી સંખ્યામાં મહિલાઓ માથા પર બેડુ ઉપાડીને વિધિ કરતી જોવા મળી હતી. કરમની કઠણાઈ તો એ છે કે, વિધિ દરમિયાન કોઈ પણ મહિલાઓએ માસ્ક પણ પહેર્યા નહોતા. આ વિધિમાં ગામના બાળકો અન પુરુષો પણ મોટી સંખ્યામાં એકઠા થયા હતા. આ વીડિયો ગઈકાલનો હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો : ગુજરાત પર વાવાઝોડું ત્રાટકવાની શક્યતા, જાણો ક્યારે અને કયા શહેરને ધમરોળશે
આ ઘટના બન્યા બાદ સાંતેજ પોલીસ સ્ટેશન હરકતમાં આવ્યું હતું. ઘટના બાદ ગુનો નોંધાયો છે. પોલીસ દ્વારા 35 લોકોની પૂછપરછ કરવામાં આવી છે. કુલ 10 થી 12 લોકો વિરુદ્ધ ગુનો નોંધાયો છે. ગામમાં સરપંચ સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે. 188 કલમ અને એપેડેમિક એક્ટ અંતર્ગત 3 જાહેરનામાના ભંગની કલમ હેઠળ કાર્યવાહી કરાઈ છે.
એક તરફ ગામડાઓમાં કોરોના ફેલાયેલો છે, ત્યાં બીજી તરફ આવી રીતે લોકો અંધશ્રદ્ધામાં રહીને ટોળા ભેગા કરે છે. ત્યારે કોરોના મહામારીમાં આવી રીતે ધર્મના નામે ધતિંગ કરવુ કેટલુ યોગ્ય કહેવાય. ગામડાઓમાં સંક્રમણ વધ્યુ છે ત્યારે શું આવી રીતે ગુજરાતને કોરોનામુક્ત બનાવી શકાશે.
આ પણ વાંચો : આણંદમાં દારૂની મહેફિલ માટે 4 ડાન્સરો બોલાવાઈ હતી, 9 નબીરા પકડાયા