)
ગુજરાતમાં નવરાત્રીની રંગચંગે ઉજવણી થઈ રહી છે, માની આરાધનાના પર્વ સમાન આ તહેવાર નવરાત્રીને વૈશ્વિક સ્તરે લઈ જવા પર Z 24 kalakના એડિટર દિક્ષિત સોનીએ મીડિયા બ્રિફ સાથે એક એકસક્લુસિવ વાતચીત કરી હતી. દિક્ષિતભાઈનું કહેવું છે કે, આ તહેવારને ગુજરાતના સંગીત, ભક્તિ અને ગરબા પરંપરાઓ સાથે જોડીને તથા અમેરિકા, બ્રિટન અને મધ્ય પૂર્વના પ્રવાસી ભારતીયોને તેમાં સામેલ કરવામાં આવે છે. આ ઉપરાંત તેમણે શક્તિ આરાધના જેવી નવી પ્રોગ્રામિંગ પહેલો, ઈન્ટરેક્ટિવ ડિજિટલ અને સોશિયલ મીડિયા અભિયાનો અને સામુદાયિક ભાવનાને દર્શાવતા ઓનગ્રાઉન્ડ કવરેજ, બ્રાન્ડ્સને સ્થાનિક પ્રાસંગિકતા અને આંતરરાષ્ટ્રીય પહોંચ આપતી જાહેરાતોની તકો વિશે પણ વાત કરી.
દિક્ષિતભાઈ સોનીએ કહ્યું કે, જેમ જેમ નવરાત્રીનો આ તહેવાર ગુજરાત અને ભારતથી આગળ વધીને મોટા પાયે અમેરિકા, બ્રિટન અને મધ્ય પૂર્વના પ્રવાસી દર્શકો સુધી પહોંચી રહ્યો છે, ત્યારે ઝી 24 કલાક ગુજરાતની પરંપરાઓ સાથે જોડાયેલા રહીને આ વૈશ્વિક સમુદાયની સેવા કરવાના રસ્તા શોધે છે. ચેનલની રણનીતિ વિશે વાત કરતા તેમણે કહ્યું કે, "અમારા માટે નવરાત્રી ગુજરાતથી શરૂ થાય છે, પરંતુ અહીં પૂરી થતી નથી. દુનિયાભરના ગુજરાતીઓ આ નવ રાતોને એ જ ઉત્સાહથી ઉજવે છે, પછી ભલે તેઓ ન્યૂજર્સીમાં હોય, લંડનમાં હોય કે દુબઈમાં."
વધુમાં તેમણે કહ્યું કે, "અમારું કામ આ તહેવારના હાર્દ સમા- સંગીત, ભક્તિ, રંગ...ને ગુજરાત સાથે જોડાયેલા રાખવાનું છે. આ સાથે જ દુનિયાભરના લોકો માટે અમારા ડિજિટલ અને અન્ય પ્લેટફોર્મ દ્વારા તેમાં સામેલ થવાનું સરળ બનાવવાનું છે. આમ કોઈ પણ દેશમાંથી ઘરે બેસીને જોનારા લોકોને એવું લાગશે કે જાણે તેઓ ગરબાના મેદાનમાં આવી ગયા હોય.

નવરાત્રિ: તહેવારથી અલગ એક ભાવના
દર્શકો માટે નવરાત્રી એ આટલું મજબૂત, સાંસ્કૃતિક અને ભાવનાત્મક જોડાણ કેમ છે અને ચેનલ તેને કેવી રીતે દર્શાવે છે, તેના વિશે તેમણે કહ્યું કે, "નવરાત્રી ફક્ત એક તહેવાર નથી, પરંતુ એક ભાવના છે. અનેક પરિવારો માટે, આખું વર્ષ આ નવ રાતો માટે સમર્પિત હોય છે. આ આસ્થાનો વિષય તો છે જ , તે ઉપરાંત મિત્રો સાથે નાચવાનું, તૈયાર થવાનું અને પોતાની સંસ્કૃતિ પર ગર્વ કરવાનું પણ છે.
તેમણે કહ્યું કે, "અમે અમારા કવરેજમાં તેને મિક્સ કરવાની કોશિશ કરીએ છીએ. એક ક્ષણે તમને ભક્તિમય આરતી જોવા મળશે તો બીજી જ ક્ષણે તમને યુવાઓનો એક સમૂહ ગરબાના નવા સ્ટેપ્સ કરતો જોવા મળશે. આ સંતુલન તેને બધા માટે પ્રાસંગિક બનાવે છે."
વિશેષ ભક્તિ કાર્યક્રમ- શક્તિ આરાધના વિશે
દિક્ષિતભાઈ સોનીએ કહ્યું કે, સમગ્ર તહેવાર દરમિયાન દર્શકોને બાંધી રાખવા માટે આ વર્ષે અમે 'શક્તિ આરાધના' નામના એક વિશેષ શોની સાથે ભક્તિનો એક નવો આયામ જોડી રહ્યા છીએ. નવ દિવસ સુધી આ શો દુર્ગા માતાના નવ સ્વરૂપોની પરંપરાગત પૂજા પર કેન્દ્રીત રહેશે. તેનો હેતુ લોકોને માત્ર ઉત્સવો સાથે જ નહીં પરંતુ નવરાત્રીના ગૂઢ અર્થ સાથે પણ જોડેલા રાખવાનો છે.
તેમણે આ ઉપરાંત નવરાત્રી દરમિયાન ઝી 24 કલાક દ્વારા શરૂ થયેલા વિશેષ શો, લાઈવ પ્રોગ્રામિંગ અને ઓનગ્રાઉન્ડ પહેલોની જાણકારી પણ શેર કરી. તેમણે જણાવ્યું કે, અમે દરરોજ રાત્રે ગુજરાતના સૌથી પ્રતિષ્ઠિત ગરબા સ્થળોને લાઈવ કરીએ છીએ. અમારા એન્કર મેદાનમાં હાજર રહે છે, પરિવારો અને ભાગ લેનારાઓ સાથે વાતચીત કરીએ છીએ અને તહેવારને કેમેરામાં કેદ કરીએ છીએ. જે ફક્ત રિપોર્ટિંગથી પણ આગળ વધીને દર્શકો સાથે ભેગા મળીને ઉજવણી કરવા વિશે છે.
ડિજિટલ પ્લેટફોર્મના માધ્યમથી યુવા દર્શકોને જોડવા વિશે
ડિજિટલ જોડાણ પર વાત કરતા તેમણે કહ્યું કે, "યુવા લોકો ફક્ત જોવા જ નહીં પરંતુ કહાનીનો હિસ્સો બનવા માંગે છે. આથી અમે તેમને પોતાના ગરબા લૂક, ડાન્સ વીડિયો, એટલે સુધી કે પોતાની નાની નાની નવરાત્રીની કહાનીઓ પણ અમને મોકલવા માટે પ્રોત્સાહિત કરીએ છીએ. અમે સૌથી સારી કહાનીઓને ઓન એર અને ઓનલાઈન દેખાડીએ છીએ. તેમાં એક મજેદાર લૂપ બને છે જ્યાં દર્શકો કવરેજનો હિસ્સો બની જાય છે અને આ તહેવાર ફક્ત ટીવી પર દેખાડવામાં આવતા કાર્યક્રમોથી ઘણો અલગ લાગે છે."
સામુદાયિક જોડાણ પર કહ્યું કે, "જો તમે કોઈ ગરબાના મેદાનમાં જાઓ, તો તમને જોવા મળશે કે પરિવાર, પાડોશી, અજાણ્યા બધા એક જ ઘેરામાં નાચી રહ્યા છે. આ એકજૂથતાની ભાવનાને અમે ઉજાગર કરીએ છીએ. ફક્ત આ નવ રાતો માટે ઘરે આવતા લોકો કે પછી એવા વિદેશના સમુદાયો કે જે પોતાની ગરબા પરંપરાઓ બનાવે છે તેવા લોકોની કહાની પણ અમે દર્શાવીએ છીએ. આ એ જ ગૌરવ અને એક્તા છે જેને અમે પડદા પર દેખાડવા માંગીએ છીએ."
નવરાત્રીને ગુજરાતની સાંસ્કૃતિક નિકાસ તરીકે આકાર આપવામાં ઝી 24 કલાકની ભૂમિકા વિશે વાત કરતા તેમણે કહ્યું કે "હા.. અમે આ ભૂમિકાને ગંભીરતાથી લઈએ છીએ. નવરાત્રી વૈશ્વિક મંચ પર ગુજરાતની ઓળખ છે. જ્યારે અમે તેને પૂરેપૂરા રંગ અને પ્રમાણિકતા સાથે પ્રદર્શિત કરીએ છીએ ત્યારે તે દુનિયાભરના લોકોને એક માત્ર સ્થાનિક તહેવાર તરીકે જ નહીં પરંતુ એક વિશ્વસ્તરના સાંસ્કૃતિક આયોજન તરીકે દર્શાવવામાં મદદ કરે છે. એક પ્રકારે ઝી 24 કલાક ગુજરાત અને દુનિયા વચ્ચે એક સેતુ બની જાય છે.
તહેવાર દરમિયાન સીમલેસ બ્રાન્ડ એકીકરણ
તહેવારો દરમિયાન જાહેરાતોની તકો વિશે તેમણે વાત કરતા કહ્યું કે, "અમે જાહેરાતોને વિક્ષેપો તરીકે જોતા નથી. તેની જગ્યાએ અમે બ્રાન્ડ્સને ઉત્સવમાં હળવા મળવામાં મદદ કરીએ છીએ. પછી ભલે તે ઓનગ્રાઉન્ડ એક્ટિવેશન દ્વારા હોય, પ્રાયોજિત કે સંગીત સેગમેન્ટ દ્વારા હોય, કે લાઈવ કવરેજ દરમિયાન રચનાત્મક એકીકરણ દ્વારા હોય. આ એટલા માટે સારું કામ કરે છે કારણ કે દર્શકોને એવું જરાય નથી લાગતું કે તેમને વેચવામાં આવી રહ્યા છે, ઉલ્ટું, બ્રાન્ડને ઉત્સવના માહોલનો ભાગ હોવાનો અહેસાસ થાય છે."
અગાઉની સફળતા વિશે વાત કરતા કહ્યું કે, "અમારા પાર્ટનર્સ અમને જણાવે છે કે ઝી 24 કલાકની સાથે નવરાત્રી તેમને તેમની અપેક્ષા કરતા ઘણું વધુ આપે છે. દાખલા તરીકે, એક બ્રાન્ડના અનેક સ્ટોર્સમાં ગ્રાહકોની સંખ્યામાં ફક્ત એટલા માટે વધારો જોવા મળ્યો કારણ કે લોકોએ પોતાની તહેવારોની ખરીદીને અમારા કવરેજ સાથે જોડ્યું."
વધુમાં કહ્યું કે, "એક અન્ય ક્લાયન્ટે ફક્ત એક ગરબા કાર્યક્રમ સાથે જોડવાની યોજના ઘડી હતી, પરંતુ અમારી ચેનલની હાજરીથી તેઓ અનેક ઉજવણીમાં નજરે ચડ્યા. આવી પળ દર્શાવે છે કે જ્યારે બ્રાન્ડ તહેવારની ભાવનાનો હિસ્સો બને છે ત્યારે નવરાત્રીનું જોડાણ કેટલું મજબૂત હોઈ શકે છે."

"અમે ગુજરાતી સ્વાદને ઓછો કરતા નથી
પ્રાદેશિક પ્રાસંગિકતા અને વૈશ્વિક પહોંચ વચ્ચે સંતુલન સમજાવતા તેમણે કહ્યું કે, "અમે ગુજરાતી સ્વાદને ઓછો કરતા નથી, કારણ કે પ્રવાસી દર્શકો આ જ ઈચ્છે છે- ઘર જેવો સ્વાદ. કવરેજને પ્રમાણિક રાખીને અને પછી તેને ડિજિટલ સ્વરૂપે વિતરિત કરીને, અમે વિજ્ઞાપનદાતાઓને બંને ક્ષેત્રનો સર્વશ્રેષ્ઠ લાભ આપીએ છીએ, મજબૂત સ્થાનિક જોડાણ અને વૈશ્વિક પહોંચ."
સીમાઓનો વિસ્તાર: નવરાત્રી કવરેજનું ભવિષ્ય
ભવિષ્યના કવરેજ વિશે તેમણે પોતાનો અભિપ્રાય શેર કરતા કહ્યું કે, "નવરાત્રીનું આયોજન સતત મોટું થઈ રહ્યું છે અને અમારું કવરેજ પણ મોટું હોવું જોઈએ. ભવિષ્યમાં, અમે નવા પ્રયોગો કરીશું અને ગરબા ગ્રાઉન્ડ્સ કે એટલે સુધી કે વૈશ્વિક ગરબા કનેક્શનો ઉપર પણ આવા અનુભવો કરવા ઈચ્છીશું જ્યાં વિવિધ દેશોના લોકો વર્ચ્યુઅલ રીતે સામેલ હોય. લક્ષ્ય હંમેશા એક જ છે, તમારા મૂળિયા સાથે જોડાયેલા રહો પરંતુ સીમાઓને પણ આગળ વધારતા રહો."
છેલ્લે, નવરાત્રીને ભારતીય ટેલીવિઝન પર એક પ્રમુખ સાંસ્કૃતિક કાર્યક્રમ બનાવવાની ઝી 24 કલાકની મહત્વકાંક્ષા પર તેમણે કહ્યું કે, "નવરાત્રીમાં એ બધો જ ડ્રામા, ઉર્જા અને સુંદરતા છે જે ટેલિવિઝનને પસંદ છે. ગુજરાતની પોતાની ચેનલ તરીકે ઝી 24 કલાક પાસે તેને આગામી સ્તર સુધી લઈ જવાની જવાબદારી અને તક બંને છે. લાઈવ કવરેજ, દમદાર કહાની અને વિજ્ઞાપનદાતા ભાગીદારીના સંયોજનથી, અમારું માનવું છે કે નવરાત્રી માત્ર ગુજરાતનું જ ગૌરવ બને એટલું જ નહીં પરંતુ ભારતીય ટેલિવિઝન પર સૌથી મોટા સાંસ્કૃતિક કાર્યક્રમોમાંથી એક બની શકે છે."