)
Kidney Health: કિડની આપણા શરીરનું મહત્વનું અંગ છે. કિડની શરીરમાંથી ઝેરી પદાર્થોને બહાર કાઢવાનું કામ કરે છે. જ્યારે કિડની ખરાબ થવા લાગે છે તો શરીરમાં ટોક્સિન વધવા લાગે છે. જેના કારણે સાંધામાં દુખાવો, યુરિક એસિડ વધી જવું અને વારંવાર પેશાબ જવાની સમસ્યા થવા લાગે છે. કિડની સંબંધિત સમસ્યામાં કિડની પર સોજો આવવાની સમસ્યા સામાન્ય હોય છે. કિડની પર સોજાનું કારણ કિડની ઇન્ફેક્શન કે પછી પથરી પણ હોઈ શકે છે. જ્યારે પણ કિડની પર સોજો આવે છે ત્યારે શરીર કેટલાક સંકેતો આપે છે. આ લક્ષણોને સમયસર ઓળખીને યોગ્ય ઈલાજ કરાવી લેવામાં આવે તો કિડનીનો સોજો ઉતરી જાય છે અને કિડની ડેમેજ થતી નથી. આ લક્ષણો કયા છે ચાલો તમને જણાવીએ.
કિડનીમાં સોજાના 5 લક્ષણો
1. જ્યારે કિડનીમાં સોજો આવે છે તો શરીરના અલગ અલગ અંગોમાં પણ સોજો દેખાય છે. જેમકે કિડનીમાં સોજો હોય તો સવારે જાગો ત્યારે ચહેરો સોજેલો દેખાય છે. આ સિવાય ઘણી વખત પગ અને ઘૂંટીના ભાગે પણ સોજા રહે છે.
2. કિડની ખરાબ થઈ હોય અથવા તો સોજો આવ્યો હોય તો થાક વધારે લાગે છે. આવું એટલા માટે થાય છે કે કિડની પોતાની ક્ષમતા અનુસાર કામ કરી શકતી નથી અને શરીરમાં ટોક્સિન વધવા લાગે છે, જેના કારણે થાકનો અનુભવ થાય છે. જો આ લક્ષણને સામાન્ય સમજીને ઈગ્નોર કરવામાં આવે તો તકલીફ વધી પણ શકે છે.
3. કિડની શરીરમાં જામેલા ટોક્સિનને પેશાબ વાટે બહાર કાઢે છે જ્યારે કિડનીમાં સોજો આવે છે તો શરીરમાંથી ઝેરી તત્વો બહાર નીકળી શકતા નથી અને તેના કારણે પેશાબમાં પણ ફેરફાર દેખાય છે. જેમકે પેશાબમાં ફીણ આવવા અથવા તો તેનો રંગ લાલ અથવા ભૂરો થઈ જવો.
4. કિડનીમાં સોજાની કે અન્ય સમસ્યા થાય તો ઊંઘની સમસ્યા વધી જાય છે. કિડની બરાબર કામ કરતી ન હોય તો શરીરમાં તરલ પદાર્થોનું અસંતુલન વધી જાય છે જેના કારણે ઊંઘ ન આવવા જેવી તકલીફો થાય છે.
5. કિડની ખરાબ થાય કે તેના પર સોજો આવે તો ભૂખ ઓછી થઈ જાય છે. કારણ કે શરીરમાં તરલ પદાર્થો જામવા લાગે છે જેના કારણે ભૂખ ઓછી લાગે છે આ સ્થિતિમાં ઉલટી જેવું પણ અનુભવાય છે.
ઉપર જણાવેલું કોઈ પણ લક્ષણ તમને દેખાય તો સમય બગાડ્યા વગર તુરંત જ એક્સપર્ટની સલાહ લઈ સારવાર લેવી જોઈએ. કિડનીના સોજાને જો સામાન્ય ગણી ઇગ્નોર કરવામાં આવે અને સારવાર લેવામાં ન આવે તો કિડની ફેલ થવાનું કારણ પણ બની શકે છે. ઘણી વખત આ સ્થિતિમાં દર્દીને ડાયાલિસિસ કરાવવાની જરૂર પણ પડી શકે છે. તેથી કિડની સંબંધિત કોઈ પણ સમસ્યા જણાય તો સમય બગાડ્યા વિના તુરંત જ ડોક્ટરનો સંપર્ક કરવો.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)