)
Nutmeg Tea In Monsoon: ચોમાસામાં શરદી, ઉધરસ, ગળામાં તકલીફ, થાક સહિતની સમસ્યા વારંવાર થાય છે. આ ઋતુમાં વાયરલ બીમારીઓ થવાનું જોખમ વધી જાય છે. આ બીમારીઓ સામે લડવા માટે શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબૂત હોવી જોઈએ. ઈમ્યુનિટી બુસ્ટ કરવા માટે ડાયટમાં આદુ, તુલસી, હળદર જેવી વસ્તુઓ સામેલ કરતા હોય છે.
પરંતુ આજે તમને એક એવા મસાલા વિશે જણાવીએ જેને ચામાં ઉમેરી દેવાથી ચોમાસામાં રોગપ્રતિકારક શક્તિ વધી જશે. આ ચા ઈમ્યુનિટીને બુસ્ટ કરનાર સાબિત થશે. જે મસાલાની વાત થઈ રહી છે તે મસાલો છે જાયફળ.
જાયફળમાં સક્રિય યૌગિક હોય છે જે શરીરને બેક્ટેરિયા અને વાયરસ સામે લડવા માટે મજબૂત કરે છે. તેનાથી મ્યૂકસ ઢીલો પડે છે અને શ્વસન તંત્ર સાફ થાય છે. આ ચા પીવાથી શરદી, ઉધરસમાં તુરંત રાહત થાય છે. એટલું જ નહીં આ ચા પીવાથી ઊંઘ પણ સારી આવશે.
જાયફળવાળી ચા કેવી રીતે બનાવવી
આ ચા બનાવવા માટે અડધા કપ પાણીમાં અડધો કપ દૂધ ઉમેરી ઉકાળો. ત્યારબાદ તેમાં આદુ, તુલસી, એલચી, મરી અને જાયફળનો પાવડર ઉમેરો. ધીમા તાપે ચાને 5 મિનિટ ઉકાળો જેથી મસાલો ચામાં સારી રીતે ભળી જાય. ત્યારબાદ ચા ને ગેસ પરથી ઉતારી ગાળી લેવી અને ગરમાગરમ હોય ત્યારે જ પી લેવી. આ ચા સાંજના લાઈટ નાસ્તા સાથે લેવી ફાયદાકારક છે.
જો કે એકવાતનું ધ્યાન રાખવું કે જાયફળનું પ્રમાણ ચા માં મર્યાદિત માત્રામાં રાખવું. વધારે પ્રમાણમાં જાયફળ નુકસાનકારક સાબિત થઈ શકે છે. જો પહેલાથી કોઈ ગંભીર સમસ્યા હોય તેમણે અને ગર્ભવતી સ્ત્રીઓએ ડોક્ટરની સલાહ પછી આ ચા પીવી.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)