)
Wheat Flour Roti: ઘઉંના લોટની રોટલી લગભગ દરેક ઘરમાં રોજ બને છે. વર્ષોથી લોકો ઘઉંના લોટની રોટલી ખાતા આવે છે. પરંતુ શું તમે જાણો છો કે આજની લાઈફસ્ટાઈલમાં શરીર માટે ઘઉંની રોટલી ફાયદા કરતાં વધારે નુકસાનકારક સાબિત થઈ શકે છે? ઘઉં પૌષ્ટિક ગુણથી ભરપૂર હોય છે પરંતુ ઘઉં કેટલીક સ્વાસ્થ્ય સમસ્યામાં નુકસાન પણ કરી શકે છે. જેમકે ઘઉં ખાવાથી શરીરમાં બ્લડ સુગર લેવલ ઝડપથી વધે છે. ઘઉંની રોટલી ઝડપથી પચતી નથી જેના કારણે પાચન બગડી શકે છે. જો ઘઉંથી ફાયદો થાય છે કે નુકસાન તે જાણવું હોય તો થોડા દિવસ માટે ઘઉંના લોટની રોટલીનો ઉપયોગ બંધ કરી અનુભવ કરી શકાય છે.
હેલ્થ એક્સપર્ટ જણાવે છે કે જો કોઈ વ્યક્તિ પોતાની હેલ્થ પર ફોકસ કરવા માંગે છે તો સૌથી પહેલા તેણે પોતાની ડાયટ બદલવી જરૂરી છે. ડાયટમાં સૌથી જરૂરી હોય છે અનાજ. અને અન્ય અનાજની સરખામણીમાં ઘઉં ફાયદા કરતાં નુકસાન વધારે કરી શકે છે. ઘઉં ખાવાનું થોડા દિવસ બંધ કરવામાં આવે તો શરીરમાં પોઝિટિવ ફેરફાર દેખાવા લાગે છે. જો આ અનુભવ તમારે પણ કરવો હોય તો 20 થી 25 દિવસ માટે ઘઉંના લોટની રોટલી ખાવાનું બંધ કરી જુઓ. જો થોડા દિવસ તમે ઘઉંનો ઉપયોગ બંધ કરશો તો શરીરમાં તમને જે ફેરફાર દેખાશે તેના પરથી તમે જાણી શકશો કે ઘઉંની રોટલી તમારા માટે ફાયદાકારક છે કે નહીં.
હેલ્થ એક્સપર્ટ અનુસાર ઘઉં ખાવાથી લોકોને ઈન્ફ્લેમેશનની સમસ્યા થઈ શકે છે. ઈન્ફ્લેમેશન એટલે શરીરમાં સોજાની સમસ્યા. વર્ષોથી આપણે ત્યાં ઘઉંનો ઉપયોગ થાય છે તેથી ઘણા લોકોને ઘઉંની એલર્જી હોય તો પણ તેમને ખબર પડતી નથી. જેમ જેમ સમસ્યા વધી જાય છે તેમ તેને ખ્યાલ આવે છે. ઘઉં ગ્લુટનથી ભરપૂર હોય છે. ગ્લુટન ન પચે ત્યારે પેટમાં, ચહેરા પર અને હાથ-પગ પર સોજા દેખાવા લાગે છે. ઘઉં ખાવાથી ગેસની સમસ્યા પણ થાય છે અને આખો દિવસ થાક રહે છે.
ઘઉં સિવાય કયા અનાજ ખાવા?
ડોક્ટરોના જણાવ્યા અનુસાર ઘઉંની જગ્યાએ અન્ય અનાજની રોટલી બનાવીને ખાઈ શકાય છે. જેમકે રાગી કે બાજરો ખાઈ શકાય છે. જો તમે ઘઉંની રોટલી છોડીને રાગી, બાજરો, જુવાર સહિતના અનાજની રોટલી ખાવાનું શરૂ કરશો તો ફિટનેસ પહેલા કરતા સુધરતી દેખાશે. આ બધા અનાજમાં પણ અલગ અલગ પ્રકારના પોષક તત્વો હોય છે. સૌથી મહત્વનું છે કે આ અનાજ વજન ઘટાડવામાં મદદ કરે છે. ગરમીની ઋતુ હોય ત્યારે જુવાર અથવા ચોખાના લોટની રોટલી ખાઈ શકાય છે. ચોમાસા અને શિયાળા દરમિયાન બાજરાના લોટની રોટલી સૌથી બેસ્ટ રહે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)