)
Boiled Dal Benefits: ભારતીય પારંપરિક થાળી દાળ વિના અધુરી છે. દાળ લગભગ દરેક ભારતીય ઘરમાં બને છે. 99 ટકા ઘરોમાં ભોજનમાં મસાલાથી ભરપુર વઘારવાળી દાળનો ઉપયોગ થાય છે. પરંતુ વિજ્ઞાન અને આયુર્વેદ બંનેનું માનવું છે કે વઘાર કરેલી દાળ કરતાં વધારે પ્રોટીન અને એનર્જી બાફેલી દાળ આપે છે. બાફેલી દાળ ખાવાથી સ્નાયૂ મજબૂત થાય છે અને આ દાળ શરીરને ફાઈબર, મિનરલ્સ અને એમીનો એસિડ ભરપુર માત્રામાં આપે છે.
બાફેલી દાળથી થતા લાભ
આયુર્વેદમાં બાફેલી દાળને સાત્વિક પ્રોટીનની શ્રેણીમાં રાખવામાં આવે છે. કારણ કે તે ગુણથી ભરપુર હોય છે અને પાચનમાં સહાયક હોય છે. રોજ બાફેલી દાળનું સેવન કરવામાં આવે તો ઘણી બીમારીઓને દુર કરી શકાય છે. સામાન્ય રીતે ઘરમાં દાળને બાફી તેમાં વઘાર કરી બનાવવામાં આવે છે. તેનાથી દાળમાં સ્વાદ તો આવે છે પરંતુ દાળ ઔષધીય રહેતી નથી. તેથી આયુર્વેદિક દ્રષ્ટિકોણથી બાફેલી દાળ વધારે ફાયદાકારક ગણાય છે.
બાફેલી દાળ કેવી રીતે અને ક્યારે ખાવી ?
આંતરડા માટે બાફેલી દાળ ખાવી લાભકારી હોય છે. જો વધારે ગેસ, બળતરા કે પેટમાં દુખાવો હોય તો થોડા સમય માટે આહારમાં બાફેલી દાળનો સમાવેશ કરો. તેનાથી આંતરડાને આરામ મળે છે. દાળમાં ઉમેરવામાં આવતા મસાલા આંતરડાની ગરમી વધારે છે. બાફેલી દાળના પાચનમાં સમય લાગે છે જેથી આ દાળ ખાધા પછી પેટ કલાકો સુધી ભરેલું રહે છે.
આ સિવાય જે લોકોને બીપીની સમસ્યા હોય તેમના માટે પણ બાફેલી દાળ અમૃત સમાન હોય છે. હાર્ટ પેશન્ટ માટે પણ બાફેલી દાળ સારી રહે છે. વઘાર વિનાની દાળમાં કેલેરી ઓછી હોય છે. કારણ કે તેમાં તેલ કે ઘીનો ઉપયોગ થયો નથી હોતો. દાળ મેટાબોલિઝમને સંતુલિત રાખવાનું કામ કરે છે.
વઘારેલી દાળમાં પ્રોટીનનું પ્રમાણ ઓછું
જ્યારે દાળને બાફી તેમાં મસાલા, વઘાર કરી તેને પકાવવામાં આવે છે તો દાળનું પ્રોટીનનું સ્ટ્રકચર બદલી જાય છે. બાફેલી દાળથી શરીરને 100 ટકા પ્રોટીન મળે છે. તેનાથી હાડકા અને સ્નાયૂ મજબૂત થાય છે. જ્યારે મસાલાવાળી દાળથી શરીરને ઓછું પ્રોટીન મળે છે. શરીરને યોગ્ય માત્રામાં પ્રોટીન મળે તે માટે બાફેલી દાળ ખાવી જોઈએ. બાફેલી દાળ નાના બાળકોથી લઈ વદ્ધો સુધી કોઈપણ ખાઈ શકે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)