)
Cancer Tumor Risk: કેન્સર દુનિયાભરમાં થતા મૃત્યુના સૌથી મુખ્ય કારણોમાંથી એક છે. કેન્સરના ઘણા કેસ ત્યારે સામે આવે છે જ્યારે દર્દીને શરીર પર કોઈ વિચિત્ર કે અસામાન્ય ગાંઠ દેખાવા લાગે. જો કે શરીરમાં થતી બધી જ ગાંઠ કેન્સરની નથી હોતી. કેટલીક ગાંઠ સામાન્ય સમસ્યાના કારણે પણ થતી હોય છે. પરંતુ શરીરના એ અંગો વિશે પણ જાણકારી હોવી જરૂરી છે જ્યાં કેન્સર સંબંધિત ગાંઠ થવાની સંભાવના સૌથી વધુ હોય છે. કારણ કે કેન્સરની શરુઆતમાં જ થઈ જતો ઉપચાર વધારે પ્રભાવી સાબિત થાય છે.
હેલ્થ એક્સપર્ટ અનુસાર શરીરમાં સતત વધતી ગાંઠ કે અચાનક વધતી દેખાય એવી ગાંઠ સાથે જો વજન ઘટી જાય, તાવ આવે, ત્વચામાં ફેરફાર અનુભવાય જેવા અન્ય લક્ષણો પણ દેખાતા હોય તો તુરંત જરૂરી નિદાન કરાવવું જોઈએ. તો ચાલો હવે વિસ્તારપૂર્વક જાણીએ કે શરીરના કયા અંગોમાં કેન્સરની ગાંઠ વધવાનું રિસ્ક વધારે હોય છે.
સ્તન કેન્સર
સ્તન કેન્સર મહિલાઓમાં વધુ અને પુરુષોમાં દુર્લભ મામલે જોવા મળે છે. સ્તનમાં દોષપૂર્ણ કોશિકા ગાંઠ બનવા લાગે છે. જો કે સ્તનમાં મોટાભાગે ગાંઠ સિસ્ટના કારણે થતી હોય છે પરંતુ જો એવી ગાંઠ હોય જે ત્વચા નીચે વધતી હોય, સખત હોય તો તેને ઈગ્નોર ન કરવી. કેન્સરની ગાંઠ મોટાભાગે સ્તન કે બગલના ભાગે અનુભવાય છે.
ગરદન
ગરદનમાં ઘણા લિમ્ફ નોડ્સ હોય છે. સંક્રમણના કારણે આ નોડ્સમાં સોજો આવી શકે છે. પરંતુ લિમ્ફ નોડ્સમાં સોજો કે ગાંઠ લ્યૂકેમિયા, લિમ્ફોમા, મોઢાના કેન્સર કે થાયરોઈડના કેન્સરનું લક્ષણ હોય શકે છે. જો ગરદનમાં બે સપ્તાહ કરતા વધારે સોજો કે ગાંઠ રહે. સાથે તાવ આવે, રાત્રે પરસેવો થાય અથવા ભોજન ગળે ઉતારવામાં તકલીફ થાય તો તુરંત ડોક્ટરને બતાવવું.
લીવર, અંડાશય અને આંતરડા
શરીરની અંદરના મહત્વના અંગો જેમકે લીવર, અંડાશય અને આંતરડામાં પણ કેન્સરની ગાંઠ વધવાની શક્યતા વધારે હોય છે. લીવર કેન્સરમાં જમણી નીચલી પાંસળીમાં ગાંઠ કે સોજા તરીકે દેખાય શકે છે. આ સિવાય આંતરડાના કેન્સરના ગંભીર મામલામાં પણ ગાંઠ પેટમાં સોજા તરીકે દેખાય શકે છે. પેટમાં ગાંઠ હોય તો પેટ સતત ફુલેલું લાગે છે, પેટ કે પેલ્વિક એરિયામાં દુખાવો થાય છે, મળ ત્યાગની પ્રક્રિયામાં ફેરફાર થઈ જાય છે. મળમાં લોહી નીકળે છે.
ચામડીનું કેન્સર
ત્વચાનું કેન્સર થાય ત્યારે પણ ત્વચા પર નાની-મોટી ન મટે એવી ગાંઠ દેખાય શકે છે. આ ગાંઠનો આકાર, રંગ બદલી જાય છે. જેમાં સૌથી ઘાતક કેન્સરમાંથી એક છે મેલેનોમા જેની શરુઆત ત્વચા પર એક અસામાન્ય તલ તરીકે થઈ શકે છે પછી તેમાં ગાંઠ કે પપડીદાર ઘા પણ થઈ શકે છે.
અંડકોષ
અંડકોષનું કેન્સર પુરુષોમાં સૌથી સામાન્ય છે. આ કેન્સર વ્યાપક નથી. તેમાં થતી ગાંઠ દુખાવા રહિત હોય છે અને સ્વ પરીક્ષણથી પણ ગાંઠ હોવાની ખબર પડી જાય છે.
ડોક્ટર પાસે ક્યારે જવું ?
શરીરમાં થતી દરેક ગાંઠ કેન્સરની કે ઘાતક હોય તે જરૂરી નથી. પરંતુ સાથે જ શરીરના અંગોમાં સતત વધતી, સ્થિર અને દુખાવા રહિત ગાંઠ હોય તો તેની ડોક્ટરી તપાસ કરાવવી જરૂરી છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)