)
Cloves Benefits: ભારતીય રસોઈમાં વર્ષોથી લવિંગનો ઉપયોગ કરવામાં આવે છે. લવિંગ સુગંધી મસાલો છે જે ભોજનનો સ્વાદ વધારવાની સાથે સ્વાસ્થ્યને પણ લાભ કરે છે. ઔષધીય ગુણોથી ભરપૂર લવિંગમાં એન્ટી ઈન્ફ્લેમેટરી અને એન્ટિ બેક્ટેરિયલ ગુણ હોય છે. જે પાચન સંબંધિત સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે.
ચરક સંહિતામાં પણ લવિંગનો ઉલ્લેખ ઔષધી તરીકે કરવામાં આવ્યો છે. ચરક સંહિતા અનુસાર લવિંગ વાતનાશક અને પાચન વર્ધક જડીબુટ્ટી છે. એનો ઉપયોગ ઉધરસ, દાંતના દુખાવા અને પાચન સંબંધિત સમસ્યાઓ દૂર કરવામાં કરી શકાય છે. સાથે જ લવિંગ કફ અને પિત્ત દોષને બેલેન્સ કરવામાં પણ મદદ કરે છે.
ક્યારે ખાવું લવિંગ ?
આયુર્વેદ અનુસાર લવિંગ સવારે અને સાંજે જમતા પહેલા ખાવું જોઈએ. જમતા પહેલા એક લવિંગ ચાવીને તેનો રસ ગળે ઉતારીને ખાવાથી પાચન સંબંધિત સમસ્યાથી છુટકારો મળે છે. જમતા પહેલા લવિંગ ખાવાથી પેટમાં ગેસ, અપચો જેવી તકલીફો ઓછી કરવામાં મદદ મળે છે.
નેશનલ લાઇબ્રેરી ઓફ મેડિસિનની એક રિસર્ચ અનુસાર લવિંગમાં યુજેનોલ નામનું તત્વ હોય છે. જે ઇન્ફેક્શન સામે લડવામાં મદદ કરે છે. તે ગળામાં ખરાશ, શ્વાસની બદબુ અને પાચનની સમસ્યાને દૂર કરવામાં મદદગાર છે. રિસર્ચ અનુસાર લવિંગ દાંતની સમસ્યાઓમાં રાહત આપી શકે છે. લવિંગને ચાવીને ખાવા ઉપરાંત ચા માં ઉમેરીને અથવા ભોજનમાં મસાલા તરીકે પણ ઉપયોગમાં લઈ શકાય છે.
કોણે લવિંગ ન ખાવું ?
લવિંગ ફાયદાકારક હોવા છતાં મર્યાદિત માત્રામાં જ તેનું સેવન કરવું જોઈએ. ખાસ કરીને ગરમીના દિવસોમાં લવિંગ ખાવાનું ટાળવાનું કહેવામાં આવે છે. આ સિવાય જે લોકોને પિત્તની સમસ્યા હોય અથવા વધારે પ્રમાણમાં એસિડિટી થતી હોય તો તેમણે પણ લવિંગનો ઉપયોગ સાવધાની પૂર્વક કરવો જોઈએ. જો ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ હોય તો પણ લવિંગ ખાતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જોઈએ.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)