)
Health Tips: શિયાળો શરૂ થાય એટલે ગરમાગરમ વસ્તુ ખાવા પીવાની ઈચ્છા વધારે થાય છે. કડકડતી ઠંડીમાં ગરમાગરમ ખાવાની ઈચ્છા થાય છે પરંતુ હકીકતમાં શિયાળામાં એવી વસ્તુઓ ખાવી જોઈએ જેની તાસીર ગરમ હોય અને જે શરીરને અંદરથી ગરમ રાખે. હેલ્થ એક્સપર્ટ અનુસાર ઠંડીમાં શરીરમાં આળસ વધી જાય છે અને રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે. તેવામાં શરીરને બહારથી ગરમ રાખવાની સાથે અંદરથી ગરમ રાખવું પણ જરૂરી હોય છે. એટલા માટે જ આહારમાં એવી વસ્તુઓ સામેલ કરવી જોઈએ જે પેટને ગરમ રાખવામાં મદદ કરે. આજે તમને ગરમ તાસીરની એવી કેટલીક વસ્તુઓ વિશે જણાવીએ જેને શિયાળામાં ખાવી જોઈએ. આ વસ્તુઓ ખાવાથી શરીર અંદરથી ગરમ રાખવામાં મદદ મળે છે અને શરીરને એનર્જી પણ મળે છે.
રુટ વેજીટેબલ
શિયાળામાં રૂટ વેજીટેબલ એટલે કે જમીનની અંદર ઉગતા શાકભાજી વધારે ખાવા જોઈએ. જેમકે શક્કરિયા, ગાજર, બીટ, સલગમ જેવી વસ્તુઓને આહારમાં સામેલ કરો. આ વસ્તુઓ ફાઇબર, વિટામિન અને ખનીજથી ભરપૂર હોય છે અને તે પેટને ગરમ રાખવાની સાથે લાંબા સમય સુધી ભરેલું પણ રાખે છે.
આખા અનાજ અને બાજરો
શિયાળામાં બાજરો ખાવો જ જોઈએ. બાજરો શરીરમાં ગરમી ઉત્પન્ન કરે છે. બાજરા સિવાય શિયાળામાં રાગી અને જુવાર પણ ખાઈ શકાય છે. તેનાથી શરીરને એનર્જી અને જરૂરી પોષક તત્વ મળે છે. બાજરા સહિતના અનાજ શરીરને ગરમ રાખવામાં મદદ કરે છે અને ધીરેથી પચે છે.
સૂકા મેવા અને બીજ
શિયાળામાં અલગ અલગ પ્રકારના સુકા મેવા અને બીજ પણ ખાવા જોઈએ. ઠંડીમાં રોજ બદામ, અખરોટ, તલ, અળસીના બીનો ડાયટમાં સમાવેશ કરવો જોઈએ. આ વસ્તુઓમાં હેલ્ધી ફેટ હોય છે અને તે શરીરના તાપમાનને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. આ ડ્રાયફ્રૂટને તમે દૂધમાં મિક્સ કરીને પણ ખાઈ શકો છો તેનાથી શરીરને એનર્જી મળશે.
ઘી
હેલ્થ એક્સપર્ટ અનુસાર શિયાળામાં રોજ એક ચમચી ઘી અથવા નાળિયેર તેલ આહારમાં લેવું જોઈએ. ઠંડીથી બચવા માટે હેલ્ધી ફેટ જરૂરી છે. ઘી લેવાથી શરીરમાં ગરમી બની રહે છે અને સાંધાના દુખાવાની સમસ્યા પણ ઓછી થાય છે. ઘી સાંધાને ચીકણા બનાવવામાં મદદ કરે છે. ઘીનો ઉપયોગ દાળ રોટલી દૂધમાં કરી શકાય છે
ફળ અને સૂપ
શિયાળામાં ડાયટમાં ફળનો સમાવેશ પણ કરવો જોઈએ. શિયાળા દરમિયાન સફરજન, જામફળ, દાડમ જેવા ફ્રુટ ખાઈ શકાય છે. આ ફ્રુટ એન્ટિ ઓક્સિડન્ટથી ભરપૂર હોય છે. શરીરમાં ગરમી વધે તે માટે વિવિધ પ્રકારની દાળ અને શાકભાજીથી બનેલું સુપ પણ પી શકાય છે. સૂપ શરીરને પોષણ આપે છે અને શરીરને હાઇડ્રેટ રાખે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)