)
Food Pipe Cancer Symptoms: ભારતમાં કેન્સરના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. આ એક એવી બીમારી છે જેમાં મોટાભાગના લોકોને કેન્સરની ખબર ત્યારે પડે છે જ્યારે કેન્સર છેલ્લા સ્ટેજ પર પહોંચી જાય. એવું નથી કે કેન્સરના લક્ષણો છેલ્લા સ્ટેજમાં જ સામે આવે છે. શરીરમાં કેન્સર વધતું હોય ત્યારે કેટલાક સંકેતો જોવા મળે છે પરંતુ લોકો તેને સામાન્ય સમસ્યા સમજી ઈગ્નોર કરી દેતા હોય છે. કારણ કે કેટલાક કેન્સરના લક્ષણો સામાન્ય સ્વાસ્થ્ય સમસ્યા જેવા જ દેખાતા હોય છે.
ફુડ પાઈપ એટલે કે અન્નનળીમાં જ્યારે કેન્સર વધતું હોય ત્યારે શરીરમાં કેટલાક લક્ષણો જોવા મળે છે. આ લક્ષણોને લોકો એસિડીટીની સમસ્યા સમજી ઈગ્નોર કરવાની ભુલ કરી બેસે છે. ડોક્ટર્સ જણાવે છે કે ફુડ પાઈપ કેન્સરની શરુઆતમાં જોવા મળતા આ લક્ષણોને ક્યારેય ઈગ્નોર કરવા નહીં. આજે અન્નનળીના કેન્સર વિશે વિસ્તારપૂર્વક માહિતી જણાવીએ.
કેવી રીતે ફેલાય છે અન્નનળીનું કેન્સર ?
ગળાની આસપાસ અનિયંત્રિત રીતે સેલ્સ વધવા લાગે તો તે કેન્સરનું જોખમ વધારે છે. કેન્સર સેલ્સ ખાવાની નળીથી પેટ સુધી ફેલાય શકે છે. અન્નનળીમાં કેન્સર વધે છે તો ધીરેધીરે નળી બ્લોક થઈ જાય છે. આ કેન્સરમાં સૌથી પહેલા ભોજન ગળે ઉતારવામાં દુખાવો થવાની સમસ્યા દેખાય છે. આ સિવાય પણ કેન્સરના અન્ય લક્ષણો દેખાય છે જેને ઈગ્નોર કરવામાં આવે તો એસોફેગલ કેન્સર એડવાન્સ સ્ટેજમાં પહોંચી જાય છે.
અન્નનળીના કેન્સરને એસોફેગલ કેન્સર કહેવાય છે. ડોક્ટર્સના જણાવ્યાનુસાર અન્નનળીમાં કેન્સર થાય ત્યારે દેખાતા લક્ષણો આ પ્રમાણે હોય શકે છે.
એસોફેગલ કેન્સરના લક્ષણો
1. લાંબા સમય સુધી ગેસ્ટ્રિક એસિડનું ફુડ પાઈપમાં આવવું કેન્સરનું શરુઆતી લક્ષણ હોય શકે છે.
2. જો અચાનક ભોજન ગળે ઉતારવામાં તકલીફ જણાય તો તેને પણ ઈગ્નોર કરવાની ભુલ ન કરો.
3. વારંવાર કે નિયમિત એસિડિટી રહેતી હોય તો તેને સામાન્ય ન ગણો. યોગ્ય તપાસ કરાવી લો.
4. અન્નનળીમાં સતત થતી બળતરા અને સોજો પણ કેન્સરનું લક્ષણ હોય શકે છે.
5. જેમજેમ કેન્સર વધે છે તેમતેમ દેખાતા લક્ષણોમાં છાતીમાં દુખાવો, અવાજ બેસી જવો, સતત ઉધરસ આવવી, પેટમાં બળતરા જેવી તકલીફો થાય છે.
6. કેન્સર ગંભીર સ્ટેજમાં પહોંચી જાય તો દર્દીને લોહીની ઉલ્ટી અને ઉધરસમાં લોહી નીકળવા જેવી તકલીફ જોવા મળે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)