)
Joint Pain after Chikungunya: ચોમાસામાં ચિકનગુનિયાના કેસ વધી જતા હોય છે. આ બીમારી મચ્છરના કરડવાથી થાય છે. ચિકનગુનિયામાં તાવ આવે છે, ઉલટી થાય છે, માથાનો દુખાવો રહે છે અને શરીરમાં અસહ્ય પીડા થાય છે. ખાસ કરીને વ્યક્તિને સાંધામાં દુખાવો વધી જાય છે. ચિકનગુનિયા થઈ જાય તો વ્યક્તિને શારીરિક નબળાઈ પણ વધારે પ્રમાણમાં રહે છે. ચિકનગુનિયાનો તાવ ઉતરી જાય તો પણ લાંબા સમય સુધી સાંધામાં દુખાવા રહે છે. આ દુખાવો ખૂબ જ ખરાબ હોય છે અને તેને સહન કરવો મુશ્કેલ થઈ જાય છે. આ દુખાવો એટલો વધારે હોય છે કે વ્યક્તિને હલનચલન કરવામાં પણ તકલીફ પડે છે.
ચિકનગુનિયા પછી વ્યક્તિને સાંધામાં દુખાવો લાંબા સમય સુધી રહી શકે છે. આવા દુખાવાથી રાહત મેળવવા માટે લાંબા સમય સુધી દવાનું સેવન કરી શકાતું નથી પરંતુ ચિકનગુનિયા પછી જે સાંધાનો દુખાવો રહી ગયો હોય તેને કેટલાક દેશી ઈલાજ દ્વારા ઠીક કરી શકાય છે. ચિકનગુનિયા પછીના સાંધાના દુખાવાથી રાહત મેળવવા માટે કઈ વસ્તુ મદદ કરી શકે ચાલો જાણીએ.
હેલ્થ એક્સપર્ટ અનુસાર ચિકનગુનિયા પછી સાંધામાં દુખાવો ઇન્ફ્લામેશનના કારણે રહે છે. જ્યારે સાંધામાં દુખાવો રહેતો હોય ત્યારે બરફથી શેક કરવો જોઈએ. આ સિવાય સાંધાના દુખાવા માટે હળવી એક્સરસાઇઝ પણ કરી શકાય છે જેમાં સ્ટ્રેચિંગ સૌથી વધુ ફાયદો કરે છે.
કઈ વસ્તુઓનું સેવન કરવું?
હેલ્થ એક્સપર્ટ અનુસાર ચિકનગુનિયા મટી ગયા પછી પણ જો સાંધામાં દુખાવો લાંબા સમય સુધી રહે તો ડાયટ પર ખાસ ધ્યાન આપવું. વ્યક્તિએ ડાયટમાં વધારે તરલ પદાર્થ લેવા જોઈએ. આ સિવાય દિવસ દરમિયાન વધારે પાણી પીવું કારણકે શરીરમાં પાણીની ઉણપ હોય ત્યારે પણ સાંધામાં દુખાવો રહે છે. ચિકનગુનિયા પછી નાળિયેર પાણી પીવું સૌથી વધુ ફાયદાકારક છે.
આ સાથે મસાજ પણ કરવી જરૂરી છે. સાંધાના દુખાવા મટાડવા માટે નાળિયેર તેલનો ઉપયોગ કરી સાંધા પર મસાજ કરવી. પણ એક વાતનું ધ્યાન રાખવું કે મસાજ હળવા હાથે કરવી વધારે પડતું પ્રેશર કરીને માલિશ કરવાથી સાંધામાં નુકસાન થઈ શકે છે. આ ઘરેલુ ઉપાય અપનાવીને ચિકનગુનિયા પછી રહેતો સાંધાનો દુખાવો મટાડી શકાય છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)