)
Viral Fever: વાતાવરણમાં ફેરફાર થાય એટલે તાવ આવે તે સામાન્ય સમસ્યા છે. જેને વાયરલ ફીવર પણ કહેવામાં આવે છે. આયુર્વેદમાં આવા તાવને જ્વરની શ્રેણીમાં રાખવામાં આવે છે. સામાન્ય ભાષામાં કહીએ તો શરીરની રોગપ્રતિકારક ક્ષમતા માટે આવો તાવ પરીક્ષા સમાન હોય છે. વાયરલ ફીવર મુખ્ય રીતે શરીરમાં વાઇરસના પ્રવેશના કારણે આવે છે. વાતાવરણમાં અચાનક પરિવર્તન આવે અથવા તો ઋતુ બદલતી હોય ત્યારે વચ્ચેના સમયમાં જે વાતાવરણમાં અંતર ઉભું થાય તેના કારણે વાઇરસ વધે છે. આ સમયે જે લોકોની રોપ્રતિકારક શક્તિ નબળી હોય તેવો વાયરલ ફીવરથી ઝડપથી પ્રભાવિત થઈ જાય છે.
વાયરલ ફીવરના લક્ષણ
વાયરલ ફીવર ચેપી હોય છે તે એક વ્યક્તિથી બીજા વ્યક્તિ સુધી ફેલાઈ શકે છે. જેને વાયરલ ફીવર હોય તે વ્યક્તિ છીંક ખાય, ઉધરસ ખાય અથવા તો સ્વસ્થ વ્યક્તિની વધારે નજીક રહે તો સ્વસ્થ વ્યક્તિને પણ ચેપ લાગી શકે છે. વાયરલ ફીવરના લક્ષણોમાં અચાનક તાવ આવે છે, શરીરમાં દુખાવો અનુભવાય છે, થાક લાગે છે, ગળામાં દુખાવો રહે છે, માથું દુખે છે, ઠંડી લાગે છે, ભૂખ ઓછી થઈ જાય છે અને ઘણી વખત ઝાડા-ઉલટી પણ થઈ જાય છે.
વાયરલ ફીવરથી બચવાના ઉપાય
વાયરલ ફીવરથી બચવા માટે આયુર્વેદિક અને ઘરેલુ ઉપાય વધારે પ્રભાવિત સાબિત થાય છે. જેમકે તુલસીનો ઉકાળો પીવાથી શરીરને શક્તિ મળે છે. તેના માટે પાણીમાં તુલસીના પાન, આદુ અને કાળા મરીનો પાવડર બરાબર ઉકાળી દર્દીને સવારે અને સાંજે પીવડાવવું. આ સિવાય ગીલોઈનો રસ પણ સવારે બે ચમચી અને સાંજે બે ચમચી પીવાથી રોગપ્રતિકારક ક્ષમતા વધે છે અને તાવ કંટ્રોલમાં રહે છે. હળદરવાળું દૂધ પીવાથી પણ શરીરનો થાક દૂર થાય છે અને ઈમ્યુનિટી વધે છે. હુંફાળા પાણીમાં મધ ઉમેરીને પીવાથી પણ તાવના કારણે લાગતી નબળાઈમાં રાહત મળે છે. આ ઉપાયો કરવા ઉપરાંત તાવ આવ્યો હોય ત્યારે પૂરતા પ્રમાણમાં પાણી અન્ય પ્રવાહી પીતા રહેવું.
જો તમને વાયરલ ફીવર હોય તો મોટાભાગે આ તાવ પાંચથી સાત દિવસમાં જાતે જ ઠીક થઈ જાય છે. વાયરલ ફીવર થી બચવા માટે બદલતા વાતાવરણમાં જીવનશૈલીમાં પણ ફેરફાર કરવો જેમકે વિટામીન સી અને એન્ટી ઓક્સિજનથી ભરપૂર આહાર લેવો, પુરતી ઊંઘ કરવી અને પૂરતો આરામ કરવો. આ સિવાય ઋતુ બદલતી હોય ત્યારે ભારે ભોજન, મસાલેદાર ભોજન કે તળેલું ભોજન ખાવાનું ટાળવું જોઈએ
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)