જો તમારું બાળક પ્લાસ્ટિકની બોટલથી દૂધ પીતું હોય તો થઈ જાઓ સાવધાન...ખાસ વાંચો અહેવાલ

જો તમે પણ તમારા લાડકાને પ્લાસ્ટિકની બોટલમાં દૂધ પીવડાવતા હોવ તો તમારા માટે આ અહેવાલ વાંચવો ખુબ જરૂરી છે.

જો તમારું બાળક પ્લાસ્ટિકની બોટલથી દૂધ પીતું હોય તો થઈ જાઓ સાવધાન...ખાસ વાંચો અહેવાલ

નવી દિલ્હી: જો તમે પણ તમારા લાડકાને પ્લાસ્ટિકની બોટલમાં દૂધ પીવડાવતા હોવ તો તમારા માટે આ અહેવાલ વાંચવો ખુબ જરૂરી છે. દેશના વિવિધ રાજ્યોમાં વેચાતી બાળકો માટેની દૂધની બોટલ અને સિપરમાં ખતરનાક કેમિકલ હોય છે. એક રિસર્ચથી આ વાત સામે આવી છે. તમારા બાળકો માટે ભલે તમે નાનામાં નાની વાતનું ધ્યાન રાખતા હોવ પરંતુ તમારા  બાળકના સ્વાસ્થ્ય માટે તમારે હર પળ સજાગ રહેવું ખુબ જરૂરી છે. 

સિપર કપમાં રસાયણની માત્રા મળી
હાલમાં થયેલા એક રિસર્ચે પણ બધાને ચોંકાવી દીધા છે. રિસર્ચથી સ્પષ્ટ થયું છે કે નાના બાળકોની દૂધની બોટલ અને સિપર કપમાં રસાયણની માત્રા મળી રહી છે. જે જીવલેણ છે. ખાસ પ્રકારનું રસાયણ 'બિસ્ફેનોલ-એ' બાળકોની દૂધની બોટલમાં રિસર્ચ દરમિયાન મળી આવ્યું. જે ખુબ જ હાનિકારક છે અને તેના પ્રભાવથી બાળકોને આગળ જઈને અલગ અલગ પ્રકારની બીમારીઓ થઈ શકે છે. 

ટોક્સિક લિંકનો રિપોર્ટ
દેશના અલગ અલગ ભાગોમાંથી ભેગા કરાયેલા નમૂનાના આધારે દિલ્હી આધારિત સંસ્થા ટોક્સિક લિંકે પોતાના રિસર્ચ રિપોર્ટમાં દાવો કર્યો છે કે દેશના  બજારમાં ધડાધડ વેચાતી દૂધની બોટલ અને સિપર બાળકો માટે સેફ નથી. ગત ચાર વર્ષમાં બીજી વાર કરાયેલા સ્ટડીમાં સ્પષ્ટ કરાયું છે કે બીઆઈએસ (બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ)નો ખુલ્લેઆમ ભંગ થઈ રહ્યો છે. 

બોટલ અને સિપરના 20 સેમ્પલ લેવાયા
જેમના સેમ્પલ લેવાયા તેમાં 14 બોટલ અને 6 સિપર સામેલ હતાં. આ સેમ્પલ દિલ્હી ઉપરાંત ગુજરાત, રાજસ્થાન, કેરળ, આંધ્ર પ્રદેશ, ઝારખંડ, મહારાષ્ટ્ર, મણિપુરથી લેવાયા હતાં. તેમનું ટેસ્ટિંગ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી, ગુવાહાટીમાં કરવામાં આવ્યું. જેમાં એ સ્પષ્ટ થયું કે બોટલમાં હાજર કેમિકલ બાળકોના ભોજનમાં જઈ રહ્યું છે. 

સસ્તી અને ખરાબ ગુણવત્તાવાળી બોટલોથી સાવધ રહો
સસ્તી અને ખરાબ ગુણવત્તાવાળી બોટલો બનાવતી કંપનીઓ કેમિકલનું કોટિંગ કરીને તેને બોટલોને મુલાયમ રાખે છે. આ સાથે જ બોટલો લાંબા સમય સુધી ખરાબ થતી નથી. મેક્સ હોસ્પિટલ, પટપડગંજના સીનિયર (પીડિયાટ્રિશિયન) ડોક્ટર તપીશા ગુપ્તાએ જણાવ્યું છે કે જ્યારે બોટલમાં ગરમ પાણી કે દૂધ ભરીને બાળકોને પીવડાવવામાં આવે છે તો તે રસાયણ પણ તેમાં ભળી જઈને બાળકોના શરીરમાં જાય છે અને શરીરમાં ગયા બાદ તે રસાયણના કારણે પેટ અને આંતરડાનો રસ્તો બંધ થઈ જાય છે. જેના કારણે ક્યારેક ક્યારેક જીવનું જોખમ બની જાય છે. એટલું જ નહી ઘણા દિવસો સુધી દૂધના સહારે શરીરમાં પહોંચેલા આ રસાયણના કારણે હ્રદય, કિડની, લિવર અને ફેંફસાની બીમારી પણ થઈ શકે છે. 

ડોક્ટર તપીશા ગુપ્તાએ જણાવ્યું કે સતત બોટલથી દૂધ પીતા બાળકના ગળામાં સોજો આવી જાય છે. તેને ઝાડા ઉલ્ટી, ડાયેરિયા પણ થઈ શકે છે. હંમેશા મેડિકેટેડ બોટલનો જ ઉપયોગ કરો. ગુણવત્તાવાળી બોટલો મેડિકલ સ્ટોરમાં ઉપલબ્ધ હોય છે. પોલી કોર્બોનેટથી બનેલી બેબી બોટલ પર બીઆઈએસ (બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ)એ 2015માં જ રોક લગાવી દીધી હતી અને આમ છતાં તે હજુ પણ ભારતીય બજારમાં ઉપલબ્ધ છે તથા તે બાળકોની બીમારીઓનું એક મોટું કારણ પણ બની રહી છે. તેને લઈને હજુ સુધી કોઈ કાયદો ન હોવાનો ફાયદો અનેક કંપનીઓ ઉઠાવી રહી છે અને તેનો ભોગ નાના નાના માસુમ બાળકો બની રહ્યાં છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news