)
Silent Heart Attack: હાર્ટ એટેકની વાત આવે તો મનમાં વિચાર આવે કે હાર્ટ એટેકમાં છાતીમાં દુખાવો થાય, છાતી ભારે થઈ જાય અને શ્વાસ લેવામાં સમસ્યા થાય. જો આવી તકલીફ થાય તો વ્યક્તિને હાર્ટ અટેક આવ્યો છે તેવું સમજવામાં આવે છે. પરંતુ દર વખતે હાર્ટ એટેકમાં આ લક્ષણો દેખાય તેવું જરૂરી નથી. એક હાર્ટ અટેક એવો પણ છે જેમાં આવા લક્ષણો દેખાતા નથી. આ હાર્ટ એટેકને સાયલેન્ટ હાર્ટ અટેક કહેવાય છે. જેમાં છાતીમાં દુખાવો થતો નથી પરંતુ આ હાર્ટ એટેક પણ ખતરનાક હોય છે. જો તેના લક્ષણોને અન્ય બીમારી સમજીને અવગણવામાં આવે અને સમયસર ઈલાજ ન થાય તો આ હાર્ટ અટેક પણ જીવલેણ સાબિત થઈ શકે છે.
હેલ્થ એક્સપર્ટ પણ જણાવે છે કે છેલ્લા ઘણા સમયથી અચાનક થતી હાર્ટ સંબંધિત સમસ્યાઓની સંખ્યા વધી રહી છે. આ સ્થિતિ પબ્લિક હેલ્થ માટે ચિંતાનો વિષય છે. તેથી જરૂરી છે કે હાર્ટ સંબંધિત સમસ્યાઓની જાગૃતિ વધે અને લોકો સ્ક્રિનિંગ તેમજ સારવારને મહત્વ આપતા થાય. ખાસ કરીને જે લોકો હાર્ટ સંબંધિત સમસ્યાનું રિસ્ક વધારે ધરાવે છે તેમણે સ્વાસ્થ્ય પ્રત્યે વધારે જાગૃત રહેવું જોઈએ અને શરીરમાં થતા નાનામાં નાના ફેરફારને પણ ગંભીરતાથી લેવા જોઈએ.
હાર્ટ એટેક સંબંધિત આ 5 વાતો યાદ રાખો
- હાર્ટ અટેક સુતી વખતે અને જાગતી વખતે કોઈપણ સમયે આવી શકે છે.
- લગભગ 70 થી 80% ઘટનામાં લક્ષણ વિના હાર્ટ અટેક આવે છે.
- છાતીમાં દુખાવો ન થતો હોવાથી દર્દી સમયસર સારવાર લેતા નથી જેના કારણે મૃત્યુનું જોખમ વધી જાય છે.
- ડાયાબિટીસ ધરાવતા લોકો, મહિલાઓ અને વૃદ્ધ જેમને હાર્ટ સંબંધિત સમસ્યા હોય તેમના માટે રિસ્ક વધારે હોય છે.
સાયલેન્ટ હાર્ટ અટેકના લક્ષણ
- સાયલેન્ટ હાર્ટ અટેકમાં છાતીમાં દુખાવો નથી થતો પરંતુ પીઠમાં અથવા છાતીની ઉપરના ભાગમાં દુખાવો થાય છે જેને લોકો સ્નાયુ સંબંધિત સમસ્યા ગણી લેતા હોય છે.
- હાથના ઉપરના ભાગમાં કે જબડામાં દુખાવો થઈ શકે છે.
- સાયલેન્ટ હાર્ટ એટેકમાં અપચો થયો હોય તેવું લાગે છે અને શ્વાસ લેવામાં સમસ્યા થઈ શકે છે.
- સાયલેન્ટ હાર્ટ અટેકમાં ચક્કર આવવા અથવા માથું ભારી થવા જેવું પણ લાગે છે.
- સાયલેન્ટ હાર્ટ અટેકમાં અપર બોડીમાં અસહજતા અનુભવાય છે અને ઠંડો પરસેવો વળે છે.
- સાયલેન્ટ હાર્ટ અટેકમાં દિવસો સુધી કારણ વિના થાક અનુભવાય છે, ઘણી વખત ઉબકા આવે છે અને ઉલટી પણ થાય છે.
સાયલેન્ટ હાર્ટ અટેકના મુખ્ય કારણ
સાયલન્ટ હાર્ટ અટેકનું મુખ્ય કારણ લિપિડ સમૃદ્ધ પ્લેકનું ફાટવું અને કોરોનરીમાં ક્લોટ બનવાનું હોય છે. આ સિવાય વધારે પડતું વજન, અનહેલ્ધી લાઈફસ્ટાઈલ, ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર અને હાઈ કોલેસ્ટ્રોલ જેવી સમસ્યાના કારણે પણ હાર્ટ એટેક આવી શકે છે. જે લોકો ડાયટમાં પ્રોસેસ ફૂડનો વધારે ઉપયોગ કરતા હોય તમાકુનું સેવન કરતા હોય તેમને પણ હાર્ટ અટેકનું રિસ્ક વધારે છે.
સાયલેન્ટ હાર્ટ અટેકને ઓળખવામાં ઇસીજી, સ્ટ્રેસ ટેસ્ટ અને બ્લડ ટેસ્ટ મદદ કરી શકે છે. જો ઉપર જણાવેલા કોઈપણ લક્ષણનો અનુભવ થાય તો તુરંત ડોક્ટર પાસે જઈને યોગ્ય ટેસ્ટ કરાવી લેવા જોઈએ.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)