)
Weight Gain Causes: સ્થૂળતા આજના સમયની સૌથી ગંભીર અને ઝડપથી ફેલાતી સમસ્યા છે. પરંતુ વજન વધવાને લઈને મોટાભાગના લોકો એવું વિચારે છે કે જે લોકો વધારે ખાતા હોય અને જીવનશૈલી બેઠાડું હોય તેમનું જ વજન વધે છે. પરંતુ આ એક ભૂલ ભરેલી માન્યતા છે. જંક ફૂડ અને બેઠાડું જીવનશૈલી વજન વધવાનું મુખ્ય કારણ છે પરંતુ એકમાત્ર કારણ નથી. ઘણી મેડિકલ કન્ડિશન પણ એવી હોય છે જેનું લક્ષણ વજન વધવું હોય છે. એટલે કે શરીરમાં જ્યારે ગંભીર સમસ્યાઓ વધી રહી હોય ત્યારે પણ વ્યક્તિનું વજન અચાનક વધી જાય છે.
કોઈપણ વ્યક્તિનું વજન અચાનક વધે તો તેની પાછળ ફક્ત આહાર જવાબદાર નથી. સ્થુળતા પાછળ અન્ય કારણ પણ જવાબદાર હોય છે. જો વ્યક્તિ શરીરમાં છુપાયેલા આ કારણોને કે વધતી બીમારીને ઇગ્નોર કરે તો ગંભીર સમસ્યા સર્જાઈ શકે છે. કારણકે વજન વધે પછી ડાયાબિટીસ, સાંધાની સમસ્યા, હૃદયની બીમારી જેવી ગંભીર સમસ્યા પણ થવાનું જોખમ વધી જાય છે. તો ચાલો તમને વજન વધવાના પાંચ મુખ્ય કારણ વિશે જણાવીએ.
વજન વધવાના 5 કારણ
ઓછી ઊંઘ
દરેક વ્યક્તિએ રોજ સાતથી આઠ કલાક ઊંઘ કરવી જોઈએ. જો સાત થી આઠ કલાકથી ઓછી ઊંઘ થતી હોય તો અનિંદ્રાના કારણે વજન વધી શકે છે. જ્યારે શરીર ઓછી ઊંઘ કરે છે ત્યારે ભૂખ વધારનાર હોર્મોન્સ ઝડપથી બને છે અને સંતોષ આપતા હોર્મોન ઘટવા લાગે છે. તેનું પરિણામ એ આવે છે કે ઓછી ઊંઘના કારણે તમને વારંવાર ખાવાની ઈચ્છા થાય છે અને જ્યારે તમે વધારે પડતું ખાઈ લો છો તો તેનાથી વજન વધવા લાગે છે. કેટલાક રિસર્ચમાં પણ સામે આવ્યું છે કે જે લોકો ઓછી ઊંઘ કરતા હોય તેમનું વજન ઝડપથી વધે છે.
સ્ટ્રેસ અને ચિંતા
આજની દોડધામ ભરેલી જિંદગીમાં સ્ટ્રેસ અને ચિંતા સૌથી મોટી સમસ્યાઓ છે. સ્ટ્રેસ થવાથી શરીરમાં કોર્ટિસોલ નામનું હોર્મોન વધે છે જે પેટની આસપાસ ચરબી જમા કરવાનું કામ કરે છે. તણાવમાં લોકો ભાવનાત્મક રીતે વધારે ખાઈ લેતા હોય છે જેમકે ચોકલેટ અને જંક ફૂડ ખાવાની ઈચ્છા સૌથી વધુ થાય છે અને પરિણામે વજન ઝડપથી વધે છે. સ્ટ્રેસથી બચવું હોય તો નિયમિત યોગ અથવા ધ્યાન કરો.
દવાની આડઅસર
કેટલીક દવાઓ પણ એવી હોય છે જેની આડઅસર વજન વધવાનું કારણ બને છે. જેમકે ડિપ્રેશનની દવા, ડાયાબિટીસની કેટલીક દવા, સ્ટીરોઈડ કે પછી બ્લડ પ્રેશરની દવાની આડઅસરથી પણ વજન વધવા લાગે છે. શરીરની આ બીમારીઓની દવા ખાવાથી ભૂખ વધે છે અને મેટાબોલિઝમ સ્લો થઈ જાય છે પરિણામે વજન વધવા લાગે છે. જો તમારું વજન કોઈ ખાસ પ્રકારની દવા લીધા પછી વધી રહ્યું હોય તો ડોક્ટરને વાત કરો અને દવા બદલો.
હોર્મોન્સમાં ફેરફાર
શરીરમાં હોર્મોન અસંતુલન થાય જેમકે થાયરોડની સમસ્યા હોય, પીસીઓએસ હોય, કુશલિંગ સિન્ડ્રોમ હોય ત્યારે પણ વજન વધવા લાગે છે. શરીરની અંદર વધતી આ બીમારીઓમાં પણ વજન વધવું એ સૌથી પહેલું લક્ષણ હોય છે. થાઇરોડ ઓછું કામ કરે ત્યારે મેટાબોલિઝમ સ્લો થઈ જાય છે અને વજન વધવા લાગે છે. તેવી જ રીતે મહિલાઓમાં પીસીઓએસની સમસ્યા દરમિયાન ઝડપથી વજન વધે છે.
જો તમારું વજન પણ અચાનક જ વધવા લાગે અને તમને લાગે કે શરીરમાં કોઈ સમસ્યા છે તો ડોક્ટરનો સંપર્ક તુરંત કરવો. શક્ય છે કે તમને પણ આમાંથી કોઈ સમસ્યા હોય અને તેના લક્ષણ તરીકે વજનમાં વધારો જોવા મળતો હોય. જો સમયસર ઈલાજ કરી લેશો તો વજન કંટ્રોલ કરી શકાશે અને સ્થિતિ ગંભીર પણ નહીં બને.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)